પાપ સરકારનું, પીડા પ્રજાને:ગુજરાતમાં કોરોના મૃતકોનાં ડેથ સર્ટિ.માં કારણ લખવાની આરોગ્યમંત્રીની સ્પષ્ટ ના, હજારો સ્વજનો રૂ.50 હજારની સહાયથી વંચિત રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કો-મોર્બિડિટીના ખેલમાં આચરેલા પાપની પીડા પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો

કોરોના મહામારીએ અનેક પરિવારો વેરવિખેર કરી દીધા છે. એમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં 5600 જેટલા કોરોના દર્દીઓનાં મોત થયાં હતાં. જોકે આ સમયે ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેમના ંપરિવારજનોને મળનારી સહાય પણ મળી શકે એમ નથી. આમ, સરકારે કો-મોર્બિડિટીના ખેલમાં આચરેલા પાપની પીડા પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસને આપેલા જવાબમાં આરોગ્યમંત્રીએ ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આમ, કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોના મૃતકો માટે જાહેર કરેલી રૂ.50 હજારની સહાય પણ મળી શકશે નહીં.

કોવિડ પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કર્યા પણ ડેથ સર્ટિ.માં ન લખ્યું
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા અનેક લોકોના કોવિડ પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ બીમારી લખ્યું છે. આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં પણ આવ્યો છે. જોકે આમ છતાં સરકાર કોરોનાથી મોત એવું લખવા તૈયાર નથી.

કોંગ્રેસે કોરોના મૃતકોની સહાય મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો
તાજેતરમાં બનેલી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના બે દિવસના વિધાનસભા સત્રમાં કોંગ્રેસે કોરોનાના મૃતકોની સહાયનો મામલો ઉઠાવ્યો છે, જેને પગલે ગૃહમાં હોબાળો પણ કર્યો હતો. સત્રના બીજા અને અંતિમ દિવસે પ્રશ્નોતરીકાળમાં કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મૃત્યુના કારણમાં કોરોનાથી મૃત્યુ દર્શવવામાં આવતું નથી એ બાબત સાચી છે કે નહીં તેમ પૂછ્યું હતું તેમજ કારણ લખવાની આરોગ્યમંત્રીએ ના પાડી દીધી છે. હવે જે લોકોએ કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે અને તેમના મૃત્યુના કારણ બીમારી લખ્યું છે તેમને મળવાપાત્ર સહાય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

કો-મોર્બિડિટી અને સંયોગીય બાબતો સાબિત કરવી પડશે
આમ, હવે સરકાર દ્વારા મળનારી સહાય માટે તેમને ભવિષ્યમાં બનનારી કમિટી સમક્ષ તેમના સ્વજન કોરોના કે કો-મોર્બિડિટી અને સંયોગીય બાબતો સાબિત કરવી પડશે.

રાજ્યમાં 10,827 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યાં
જ્યારે કોંગ્રેસનાં વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કોરોનામાં માતા અથવા તો પિતા ગુમાવનારાં બાળકોની સંખ્યા 10,827 હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્યમાં કોરોનાને કારણે માતા અને પિતા બંને ગુમાવનારાં બાળકોની સંખ્યા 211 છે. માતા-પિતા બંને ગુમાવનારને મહિને રૂ.4,000 સહાય અને એક પિતા અને એક માતા ગુમાવનારને રૂ.2,000 સહાય આપવામાં આવી રહી છે.

કોરોનાથી મૃત્યુનું સર્ટિ. હશે તો જ કેન્દ્રની રૂ.50 હજાર સહાય મળશે
તાજેતરમાં કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. જોકે સરકારે આ સાથે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્રએ 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોરોનાથી થયેલા મૃત્યુ પર પરિવારને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે. આ માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત રહેશે.

ડેથ સર્ટિ.માં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી, નહીંતર અલગ વ્યવસ્થા જરૂરી
સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજન પાસે આના કોઈ પુરાવા નથી. તેથી જ મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુનો સમાવેશ કરવામાં આવે. કોર્ટે આના પર કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુની તારીખ અને કારણ સામેલ હોવાં જોઈએ તેમજ જો પરિવાર સંતુષ્ટ ન હોય તો એનું નિવારણ કરવા માટે અલગ વ્યવસ્થા પણ હોવી જોઈએ.

1 માર્ચથી 10 મે દરમિયાન 1.23 લાખ ડેથ સર્ટિ. ઇસ્યુ થયાં
ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યાં હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા અમારી પાસે આવ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે મોત બમણાં
મૃત્યુનાં પ્રમાણપત્રો મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં 26,026 મોત, એપ્રિલમાં 57,796 મોત નોંધાયાં હતાં, જ્યારે મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં આ આંકડો વધીને 40,051 થયો હતો. આ આંકડાઓની સરખામણી 2020ના આ જ મહિનાઓ સાથે કરીએ તો માર્ચ 2020માં 23352, એપ્રિલ 2020માં 21591 તથા મે 2020માં 13125 મોત થયાં હતાં, એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષના શરૂઆતના 71 દિવસમાં મરણનો આંકડો બે ગણો વધારે છે.

80% મોત કૉ-મોર્બિડનો ભોગ બનેલા દર્દીઓનાં
ડૉક્ટરો, દર્દીઓનાં સગાં પાસેથી મળેલી વિગતો મુજબ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાઇપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.

અન્ય સમાચારો પણ છે...