ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય:રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં 15 જૂન સુધી વિના મંજૂરીએ કોવિડ સારવાર થશે; સારવાર કરતા કર્મચારીઓના માસિક મહેનતાણામાં વધારો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.
  • તજજ્ઞ ડોક્ટરોને 2.50 લાખ અને વર્ગ-4ના કર્મચારીને મહિને 15 હજાર મળશે
  • ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે઼
  • માત્ર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને માહિતી અાપવી પડશે

રાજયમાં દિનપ્રતિદિન કોવિડના કેસ વધી રહ્યા છે,બેડ મળી રહ્યા નથી ત્યારે સરકારી ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલ પરનું ભારણ હળવું કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ખાનગી હોસ્પિટલ, કિલનિક્સ,દવાખાનાઓ અને નર્સિંગ હોમને તા. 15મી જૂન સુધી કોવિડની સારવાર કરવાની મંજૂરી લીધા વિના સારવાર કરી શકશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડની સારવાર કરવા માગતી હોસ્પિટલ,દવાખાનાએ માત્ર સંલગ્ન કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવાના સરકારે ભાવ નક્કી કર્યા છે, પણ આ નવા નિર્ણય પછી દર્દી પાસેથી શું ચાર્જ લેવાનો રહેશે તે જરૂર પડશે તો સરકાર એકાદ-બે દિવસમાં નિર્ણય લેશે તેમ ટોચના સરકારી સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

સ્પેશ્યાલીસ્ટને રૂ. 2.50 લાખ અને મેડિકલ ઓફિસરને રૂ. 1.25 લાખ અપાશે
મુખ્યમંત્રીએ વેતન વધારાની જાહેરાત કરતા જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે. જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર માનદ વેતન પેટે આપવામાં આવશે.

વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં
​​​​​​​
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી, ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-4ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ 3 માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

તમામ દવાખાના-ક્લિનિક મંજૂરી વિના કોરોનાની સારવાર કરી શકશે
જ્યારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રી કહ્યું કે, હવે તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી આપવામાં આવે છે. કોઈપણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે. તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.

આર્મી હોસ્પિટલોમાં સારવાર આજે વાટાઘાટો
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજયમાં કાર્યરત આર્મી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે ખુલ્લી મુકવા બુધવારે આર્મીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કચ્છ,જામનગર,અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે.

શું અસર થશે?
રાજય સરકારના આ નિર્ણયથી બેડ અ્ને સારવાર નથી મળતી તેવી ફરિયાદ ઉઠે છે તે હળવી થવાની શકયતા છે. ઉપરાંત નાગરિકોને તેમના ઘરની બાજુંમાં જ ઉપરાંત તેમના કાયમી ફેમિલી ડોકટર પાસે સારવાર મેળવવાની સવલત ઉભી થશે.

24 કલાકમાં 12 હજારથી વધુ કેસ
ગુજરાતમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,206 નવા કેસ નોંધાયા છે. તેમજ 121 દર્દીના
મોત થયા છે. જ્યારે 4,339 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો છે. સતત 21માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31
માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

કુલ કેસ 4.28 લાખ અને 76 હજારથી વધુ સારવાર હેઠળ
રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 28 હજાર 178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 46 હજાર 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 76,147 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...