અમારા પ્રશ્નોમાં સરકાર ચૂપ?:શિક્ષકોની એક જ ફરિયાદ, 'અમારી હાલત સાવકા દીકરા જેવી', સરકાર શિક્ષણ સિવાયનાં 100 કામો કરાવે, પણ માગ પૂરી કરવામાં ઠેંગો!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકો વિવિધ પડતર માગણીઓને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી સરકારના પેટનું પાણી હલ્યું નથી અને શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 100થી વધુ કામગીરી કરવામાં આવે છે, જેને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકતું નથી. અમદાવાદ સહિત મહાનગરોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લાની જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક સ્કૂલોના 2 લાખ કરતાં વધુ શિક્ષકો ઘણા સમયથી અનેક પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે. સરકાર દ્વારા શિક્ષકોના પ્રશ્નોને હજુ સુધી કોઈ વાચા આપવામાં આવી નથી. શિક્ષકોની માગો અને મુશ્કેલીઓ અંગે દિવ્ય ભાસ્કર સિરીઝ ચલાવી રહ્યું છે, જેના પહેલા ભાગમાં આજે શિક્ષકોની માગણીઓ અને તેમની પાસે કરાવવામાં આવતી કામગીરી અંગે વાત કરીશું.

જ્યારે કોઈ નવી યોજના કે મોટા પાયે કામગીરી કરવાની હોય ત્યારે સરકારને આ જ શિક્ષકો યાદ આવે છે અને વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા કર્યા વિના શિક્ષકોને કામગીરીમાં લગાડી દેવામાં આવે છે.

ફુલ પગારમાંથી પેન્શન અપાતું હોવાથી નુકસાન
2004 પછી ભરતી થયેલા શિક્ષકોને નવી પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે છે, જેમાં બેઝિક પગારના 60 ટકા આપવામાં આવે છે, જ્યારે 2004 અગાઉના શિક્ષકોને કુલ પગારમાંથી પેન્શન આપવામાં આવે છે. જેને કારણે પેન્શનમાં પણ નુકસાન થાય છે. શિક્ષકન મૃત્યુ બાદ તેમના આશ્રિતોને નોકરી કે ઉચ્ચ નાણાકીય સહાય આપવામાં આવતી નથી. નિવૃત્તિ સમયે શિક્ષકે 2 જિલ્લામાં નોકરી કરી હોય તો 2 અલગ અલગ જિલ્લામાં જેટલો સમય નોકરી કરી હોય એટલા સમયનું પેન્શન લેવા જિલ્લામાં ધક્કા ખાવા પડે છે.

સરકારનાં તમામ કામ કર્યાં પણ માગણીઓ 1986થી પેન્ડિંગઃ મનોજ પટેલ
આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું હતું કે ભરતી એક જ સમયે અને સાથે થઈ હોવા છતાં ભેદભાવ કરવામાં આવે છે. શિક્ષણ સિવાયની અન્ય કામગીરી પણ કરાવવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અસર પડે છે. શિક્ષકોએ સરકારના તમામ સોંપેલાં કામ કર્યા છે, પરંતુ શિક્ષકોના પ્રશ્નો 1986થી પેન્ડિંગ છે, જેને લઈને રજૂઆત અને વિરોધ કર્યા છતાં કોઈ ઉકેલ લાવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...