રાજ્ય સરકારનું રાહત પેકેજ:વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને માત્ર ‘નામ’ની જ સહાય, હેકટરદીઠ 28 લાખનું નુકસાન અને સરકાર માત્ર 1 લાખ ચૂકવશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે રૂ.500 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું
  • ખેડૂતોમાં નારાજગીઃ એક હેકટરમાં 100થી120 આંબા હોય છે
  • ગુરૂવારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાશે

વાવાઝોડાને કારણે ખેડૂતોના 70 લાખ બાગાયતી વૃક્ષ પડી ગયા હોવાનો અંદાજ ખેડૂતોને છે. આવી સ્થિતિમાં દરવર્ષે એક આંબાના ખેતરની વાત કરીએ તો એક આંબાદીઠ રૂ. 28 હજાર જેટલી આવક ખેડૂતને થાય તો એક હેકટરમાં 100થી120 આંબા આવતા હોવાથી ખેડૂતને એક હેકટરદીઠ રૂ. 28 લાખનું નુકસાન છે. આ નુકસાન સામે સરકાર હેકટરદીઠ રૂ. 1 લાખની સહાય ચૂકવતી હોવાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ખેડૂતોના કહ્યા પ્રમાણે આશરે આંબાના 38 લાખ,નારીયેરીના 29 લાખ અને અન્ય બાગાયતી પાકના 5 લાખ વૃક્ષોને પડી ગયા,નુકશાન થયું છે. એકંદરે 70 લાખ બાગાયતી પાકને નુકશાન થયું હોવાથી 7 હજાર કરોડનું નુકશાન થયું છે. આવા સંજોગોમાં સરકારે માત્ર હેકટરદીઠ એક લાખ સહાયની જાહેરાત કરતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે. દરમિયાનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 7 હજાર કરોડનું બાગાયતી પાકને નુકશાન થયુ છે ત્યારે આ સહાય એકદમ નજીવી છે.

જ્યારે ઉનાળુ પાક એવા તલ, બાજરી જેવા પાકોમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે. વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર રૂપિયા 500 કરોડનો બોજ આવશે. આવતીકાલ સુધીમાં સર્વે રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી એક અઠવાડીયામાં જ ખાતામાં સહાયની રકમ મળી જશે.

એક સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા થશેઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ સહાય પેકેજ પેટે રૂ. 500 કરોડ કરોડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 33 ટકા નુકસાન હશે તેવા ખેડૂતના તમામ બાગાયતી પાકના વૃક્ષો નાશ પામ્યો હોય તો હેકટરદીઠ રૂ.1 લાખ મહત્તમ બે હેકટર સુધી અપાશે. તેમણે કહ્યું કે, બાગાયતી પાકમાં વૃક્ષ ઊભું હોય પણ પાક ખરી ગયો હોય તો 30 હજાર પ્રતિ હેકટરદીઠ, ઉનાળું પાક જેવા કે બાજરો,કઠોળ સહિતના પાકમાં 20 હજાર પ્રતિહેકટરદીઠ અપાશે. ખેડૂતને સહાય એક અઠવાડિયામાં તેમના બેંક ખાતામાં જમા થશે.

86 તાલુકાઓમાં બે લાખ હેક્ટર વિસ્તારના ​​​​​પાકોને નુકસાન​​
મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ-તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.

કાયમી નાશ પામેલા બાગાયતી પાકો માટે રૂ.1 લાખની સહાય
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.

ખાલી પાક ખર્યો હશે તો પ્રતિ હેક્ટર રૂ.30,હજારની મદદ
બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે, તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

33 ટકાથી વધુ નુકસાન પામેલા ઉનાળુ પાકો માટે રૂ. 20 હજારની સહાય
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.

કેરીના પાકને મોટું નુકસાન
એટલું જ નહીં બાગાયતી પાક એવા કેરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર નુકસાનીનું વળતર આપે અને ખાસ પેકેજ જાહેર કરે તે માટે વિપક્ષ કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા સરકાર સામે તબક્કાવાર માંગણી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના કૃષિ, બાગાયત, પશુપાલન અને મહેસૂલ વિભાગને સર્વે માટેના સીધા આદેશ કર્યા હતાં.

મગફળી, મગ, તલ, બાજરી જેવા પાકોમાં ભારે નુકસાન
જેના પગલે રાજ્યમાં હાલ કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત છે. તે પૈકી કેટલીક ટીમો વ્યાપક નુકસાન થયું છે, તેવા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન સંઘે પણ તાજેતરમાં ખેડૂતોના ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.