વિધાનસભામાં ધાનાણીનો આક્ષેપ:ફી માફીયાઓ માટે સરકારે 6000 સ્કૂલો બંધ-મર્જ કરી, કેન્દ્રએ ઘઉં-ચોખા આપ્યા છતાં ગુજરાતે ઓછો જથ્થો ઉપાડી ગરીબોને ભૂખ્યા રાખ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિરોધપક્ષના પૂર્વ નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ રાજ્યમાં રેશનિંગ અનાજ ઘઉં અને ચોખાના જથ્થા અંગેનો પ્રશ્ન કર્યો હતો. અન્ય એક પ્રશ્ન રાઈટ ટુ એજ્યુકેશનનો ગૃહમાં રજૂ થયો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ખાનગી શિક્ષણને સીધું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાનગી શાળાઓ અને ફી માફીયાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયમાં સરકારે 6,000 કે તેથી વધુ સરકારી શાળાઓ બંધ કે મર્જ કરી છે, જેના કારણે 5,52,096 બાળકોએ ખાનગી શાળા થકી ફી માફીયાઓનો ભોગ બનવું પડ્યું છે.

રાજ્ય સરકારે આવો નિર્ણય તાત્કાલિક અસરથી રદ્દ કરવો જોઈએ તેવી માંગણી પરેશ ધાનાણીએ કરી હતી.

3.4 લાખ ટન ઘઉં અને 1.32 લાખ ટન ચોખા ઓછા ઉપાડ્યા
ધાનાણીના રેશનિંગના અનાજ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ સ્વીકાર્યું છે કે, વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર દ્વારા 31,72,387 ટન ઘઉંની ફાળવણી સામે રાજ્ય સરકાર દ્વારા 28,67,606 ટન ઘઉંનો ઉપાડ કરવામાં આવ્યો અને 13,51,841 ટન ચોખાની ફાળવણી સામે 12,19,050 ટન ચોખાનો ઉપાડ કરવામાં આવ્યો. આમ, રાજ્ય સરકાર દ્વારા 3,04,781 ટન ઘઉં અને 1,32,791 ટન ચોખાનો ઓછો જથ્થો ઉપાડવામાં આવ્યો છે.

ભૂખે ભરડો લેતા હવે ‘વિકાસ કુપોષિત થઈ ગયો
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજા પર હંમેશા ‘પડતા પર પાટુ’ મારે છે. કોરોના મહામારીના કપરા કાળમાં લોકોના વેપાર-ધંધા તૂટ્યા, લોકોની આવક ઘટી, ગૃહિણીઓની બચત ઘસાણી તથા મોંઘવારી-બેરોજગારીના કારણે લોકોનું દેવું વધી રહ્યું છે. લોકો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, મોંઘા ગેસ સિલિન્ડર, મોંઘું તેલ અને વધતી મોંઘવારીના કારણે ગરીબ મધ્યમર્ગીય પરિવારોના રસોડે ભૂખે ભરડો લેતા હવે ‘વિકાસ કુપોષિત થઈ ગયો છે' ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાતા અનાજના જથ્થા પૈકી 3,04,781 ટન ઘઉં અને 1,32,791 ટન ચોખાનો ઓછો જથ્થો ઉપાડીને રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને અન્યાય કરે છે. એકબાજુ ગરીબોને પૂરતા પ્રમાણમાં અનાજ નથી મળતું અને બીજીબાજુ ઓછો જથ્થો ઉપાડીને ગરીબોને ભૂખ્યા રાખવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.

રાજ્યના BPL-APL-અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે અનાજ-ધાન-કઠોળ-તેલ-ખાંડ સહિત પૂરતું રાશન મળે તેવી કાર્યવાહી સત્વરે કરાવવા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...