ગરબા નહીં તો સભાઓ પણ નહીં:નવરાત્રી પર પ્રતિબંધ સામે લોકોમાં રોષ, કહ્યું- કાયદો બધા માટે સરખો રાખો, રાજકીય રેલીઓ-ચૂંટણીના પ્રચાર પર પણ પ્રતિબંધ મૂકજો

અમદાવાદએક વર્ષ પહેલા
  • હાઇકોર્ટની સૂચના છતાં આજસુધી એકેય નેતા કે રાજકીય પક્ષના લોકો સામે દંડ કે ગુના નોંધાયા નથી
  • નવરાત્રી પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે પેટાચૂંટણીમાં યોજાનારી સભાઓ પર પ્રતિબંધ મુકાવો જોઈએ
  • નેતાઓને લોકો ઓળખતા જ હોય છે, વગરપ્રચારે પણ ચૂંટણીઓ કેમ ન થઈ શકે એવી લોકોની માગ

છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગુજરાતભરમાં નવરાત્રી યોજાશે કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે આજે નવરાત્રી યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં કોઈપણ પ્રકારના ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. એક તરફ નવરાત્રી, દિવાળી અને દશેરા જેવા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે તો બીજી તરફ તહેવારોમાં પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. એટલું જ નહીં, રેલીઓ અને સભાઓ પણ યોજાશે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ નિર્ણય અંગે DivyaBhaskarએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વકીલ, ડોક્ટરો, સામાજિક કાર્યકરો, ખેલૈયા અને ગૃહિણીઓનાં મંતવ્યો લીધાં છે. આ દરમિયાન તમામ લોકોએ એક જ સૂરમાં કહ્યું કે જો નવરાત્રી પર પ્રતિબંધ મૂકી શકાતો હોય તો ચૂંટણીની રેલીઓ અને સભાઓ પર કેમ નહીં? દરેક માટે કાયદો સરખો છે. જો જાહેરસભા કરવામાં આવશે તો 100 ટકા કોરોના સંક્રમણ વધશે. જેથી જાહેરસભા, રાજકીય કાર્યક્રમો કે રેલીઓ પણ યોજાવી જોઈએ નહિં.

અમદાવાદઃ તહેવારો પર જો પ્રતિબંધ મુકાતો હોય તો ચૂંટણીની રેલીઓ પર પણ મુકાવો જોઈએ
અમદાવાદનાં ગૃહિણી અને ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલાં અમિષાબેને જણાવ્યું હતું કે નવરાત્રીમાં જો ગરબાની પરમિશન ન આપવામાં આવતી હોય તો વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓને પણ મંજૂરી આપવી જોઈએ નહીં. કોરોનાની હજી કોઈ દવા નથી આવી ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ દવા છે, ત્યારે તહેવારો પર જો પ્રતિબંધ મુકાતો હોય તો ચૂંટણીની રેલીઓ પર પણ મુકાવો જોઈએ.

નવેમ્બરમાં કોરોના વધી શકે છે, એને ધ્યાનમાં રાખી રાજકીય રેલીઓ માટે આયોજન કરવું: ડોક્ટર
જ્યારે અમદાવાદનાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગરબા સહિત તહેવારની ઉજવણીને લઈ સરકારે જે ગાઇડલાઇન્સ બહાર પાડી છે એનું દરેક લોકોએ પાલન કરવું જોઈએ. મેડિકલ એસોસિયેશનનાં ડો. મોના દેસાઈના જણાવ્યા મુજબ, હવે નવેમ્બર મહિનામાં કોરોના વધી શકે છે, એને ધ્યાનમાં રાખી સરકારે જે રાજકીય રેલીઓ વગેરે માટે આયોજન કર્યું હોય એ દરેક માટે કાયદો સરખો છે, જેથી નવરાત્રીમાં ગરબા નહિં યોજાય તો મેડિકલક્ષેત્રના લોકોના અભિપ્રાય મુજબ નવેમ્બર મહિનામાં કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.

રાજકોટના ફોક્સવેગનના સર્વિસ મેનેજર પ્રશાંત કડેલ અને ગૃહિણી ક્રિષ્નાબેન ક્યાડા.
રાજકોટના ફોક્સવેગનના સર્વિસ મેનેજર પ્રશાંત કડેલ અને ગૃહિણી ક્રિષ્નાબેન ક્યાડા.

રાજકોટઃ ડોક્ટર-વકીલો અને ગૃહિણીઓ કહે છે, જાહેરસભા કરવામાં આવશે તો 100 ટકા કોરોના સંક્રમણ વધશે
રાજકોટના ડોક્ટર મિત્તલ ઠુંમરે જણાવ્યું હતું કે કોરોનાની હાલની સ્થિતિ મુજબ તહેવાર જ ન ઊજવીએ એમાં જ આપણું ભલું છે. જો તહેવાર ઊજવવામાં આવશે તો બધા ભેગા થશે, તો કોરોના થવાની શક્યતા 100 ટકા વધી જશે. જેથી આપણે બધાએ સાથે મળીને નક્કી કરવુ જોઈએ કે બધા પોતાના ઘરે જ તહેવારની ઉજવણી કરીશું અને દેશને બચાવીશું. આ સાથે પેટાચૂંટણી મુદ્દે નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે જાહેર સભા કરવામાં આવશે તો 100 ટકા કોરોના સંક્રમણ વધશે, જેથી જાહેર સભા, રાજકીય કાર્યક્રમો કે રેલીઓ પણ યોજાવાં જોઈએ નહિ, જેથી સંક્રમણ વધુ ન ફેલાઈ શકે.

જાહેર સભા કે ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું ટાળવું જોઈએઃ પ્રશાંત કડેલ
રાજકોટના ફોક્સવેગનના સર્વિસ મેનેજર પ્રશાંત કડેલે જણાવ્યું હતું કે આપણે કોરોના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. એની સાથે સાથે સરકારે પણ નિર્ણય લીધો છે કે તહેવારો અંગત રીતે ઊજવવો. ખાસ કરી મેળાવડા ન કરીએ, જેના કારણે સંક્રમણ વધુ ન ફેલાઈ શકે અને એનાથી બચી શકાય તેમજ કોઈપણ પક્ષ દ્વારા કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા જાહેર સભા થતી હોય તો એ પણ આપણે ટાળવી જોઈએ, નહીંતર કોરોનાનું સંક્રમણ ફેલાવાના ખૂબ જ ચાન્સીસ છે.

જાહેર સભામાં બધા માણસો ભેગા થાય તો સંક્રમણ વધી શકેઃ વકીલ
ગોંડલના જાણીતા વકીલ રમણીકલાલ રાંકે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે પેટાચૂંટણીમાં જાહેર સભામાં કે ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહેવું હાનિકારક છે, કારણ કે કોરોના વાઇરસ એવો છે કે ધાર્મિક સ્થળો કે જાહેરસભામાં બધા માણસો ભેગા થાય તો સંક્રમણ વધી શકે છે. એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય તેવો રોગ છે. આથી આપણે સ્વયં તેનું પાલન કરવું ઘણું જરૂરી છે. આપણે પોતે જ સમજવાનું છે અને આપણે જાહેર સ્થળે ન જઈએ.

શું પેટાચૂંટણી આવે છે તો શું એમાં સભાઓ નહીં થાય?: કિસાન સંઘના પ્રમુખ
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે સરકાર તહેવારો પર જે નિર્ણયો કરી રહી છે એ નિર્ણય સારો છે. અમને તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ પેટાચૂંટણી આવે છે તો શું એમાં સભાઓ નહીં થાય? તો ગાઈડલાઈન્સ બધી જગ્યા પર વ્યવસ્થિત રીતે લાગુ થાય તેવું સરકારે ધ્યાન રાખવું જોઈએ.

જાહેર સભા યોજાશે તો કોરોના સંક્રમણ વધુ ફેલાશે: ક્રિષ્ના ક્યાડા (ગૃહિણી)
રાજકોટમાં રહેતાં ક્રિષ્ના ક્યાડાએ જણાવ્યું હતું કે તહેવારો બંધ રાખવામાં આવ્યા એ સારું છે, જેથી કરીને કોરોના સંક્રમણ ન ફેલાઈ શકે. સ્વાભાવિક છે કે તહેવારો પર ખુશીનો માહોલ હોય પણ આ વખતે કોરોના સંક્રમણને કારણે તહેવારો ઊજવી શકાશે નહીં તેનું દુઃખ પણ છે. પેટાચૂંટણી દરમિયાન જાહેર સભા કરવામાં આવશે તો સંક્રમણ વધુ ફેલાશે. તહેવારો બંધ રાખીને જો જાહેર સભા યોજવામાં આવે તો એનો કોઈ ફાયદો રહેતો નથી, કારણ કે તેનાથી પણ કોરોના સંક્રમણ ફેલાવાનું જ છે.

લોકોને તહેવાર ઊજવવાની ના પડાય છે તો ચૂંટણીમાં પણ લોકો એકઠા ન થાય એની તકેદારી રાખવી જોઈએઃ ડોક્ટર હરિત લાડાણી.
લોકોને તહેવાર ઊજવવાની ના પડાય છે તો ચૂંટણીમાં પણ લોકો એકઠા ન થાય એની તકેદારી રાખવી જોઈએઃ ડોક્ટર હરિત લાડાણી.

સુરતઃ ડોક્ટર હરિત કહે છે, સરકાર રેલીઓ રોકવામાં નિષ્ફળ, વકીલે કહ્યું, પ્રચાર માટેની છૂટ અયોગ્ય છે
સુરતના ડોક્ટર હરિત લાડાણીએ જણાવ્યું હતું કે ગરબા મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી રાજ્ય સરકાર દ્વારા લોકોને કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યા હતા અને આજે આખરે નિર્ણય જાહેર કર્યો. માસ્ક સાથે કે 200 લોકોની સાથે ગરબા કરવા એ એક પ્રકારે આરોગ્યનું જોખમ જ ગણાય. ગરબા નહીં થાય તો સંક્રમણ અટકશે. સાથે જ સરકારે રેલીઓ, ચૂંટણીઓમાં થતી ભીડ અંગે પણ વિચારવું જોઈએ. લોકોને તહેવાર ઊજવવાની ના પડાય છે તો લોકશાહીનું પર્વ પણ ચૂંટણી ગણાય છે તો એમાં પણ લોકો એકઠા ન થાય એની તકેદારી રાખવી જોઈએ, પરંતુ રાજ્ય સરકાર રેલીઓ અટકાવવામાં અગાઉ પણ નિષ્ફળ ગઈ હોવાનું આપણે અનુભવી ચૂક્યા છીએ.

સરકારને પોતાની જાહેરાતની પડી છે, લોકોની ભાવનાઓની કદર નથીઃ જ્યોતિ સોજીત્રા
સુરતનાં કોંગ્રેસનાં કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાએ કહ્યું હતું કે નવરાત્રી પર્વ ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર છે. એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર એના પર પ્રતિબંધ લગાવે છે ત્યારે આ તહેવાર આખા વિશ્વમાં ઊજવાય છે, પરંતુ કોરોનાના કારણે ના પાડે છે ત્યારે મારે એ કહેવું છે કે ચૂંટણીઓમાં શા માટે સહમતી આપે છે. ભાજપ સરકારને પોતાની જાહેરાતની પડી છે, લોકોની ભાવનાઓની કદર નથી.

નિયમો બધા માટે સરખા હોવા જોઈએ: એડવોકેટ પ્રીતિ જોશી
સુરતનાં જાણીતાં મહિલા એડવોકેટ પ્રીતિ જોશી કહે છે, સરકારે હિન્દુ તહેવારો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણ માટે ગાઈડલાઈન્સ સાથે તહેવારો ઊજવવામાં આવે તો વાંધો નથી, પરંતુ સરકારે તહેવારો ન ઊજવવા દઈ ચૂંટણીના કાર્યક્રમોને મંજૂરી આપી દીધી છે. આ યોગ્ય નથી. લોકો માટે જે નિયમો લાગુ પડે એ બધા માટે લાગુ પડવા જોઈએ. ચૂંટણીને લઈ પ્રચાર અને પ્રસાર માટે છૂટ આપવામાં આવી એ પણ યોગ્ય નથી એનાથી અગાઉ પણ સંક્રમણ ફેલાયું છે એ જગજાહેર છે.

સામાન્ય માણસ તહેવારો ન ઊજવી શકે અને રાજકીય લોકો તેના કાર્યક્રમો કરે એ કેટલું ઉચિતઃ ધર્મેશ ગામી.
સામાન્ય માણસ તહેવારો ન ઊજવી શકે અને રાજકીય લોકો તેના કાર્યક્રમો કરે એ કેટલું ઉચિતઃ ધર્મેશ ગામી.

દંડ હોય કે નિયમોનું પાલન સામાન્ય માણસ જ કરે છે: ધર્મેશ ગામી, સામાજિક કાર્યકર
આ અંગે સુરતના સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે કોરોનાનો દંડ હોય કે તેના નિયમોનું પાલન, બધું સામાન્ય માણસના ભાગે જ આવે છે એ યોગ્ય નથી. નિયમો અને દંડ પણ બધા માટે સમાન હોવા જોઈએ. હાઈકોર્ટને આ બાબતે સૂચન કરવું પડે તેમ છતાં આજસુધી એકપણ નેતા સામે કે રાજકીય પક્ષના લોકો સામે દંડ કે ગુના નોંધાયા નથી. ત્યારે તહેવારો પણ સામાન્ય માણસ ન ઊજવી શકે અને રાજકીય લોકો તેના કાર્યક્રમો કરે એ કેટલું ઉચિત છે.

ગરબાથી જ સંક્રમણ ફેલાશે અને રાજકીય રેલીઓથી નહીં એ કેટલું યોગ્ય?: ખેલૈયા
સુરતનાં હર્ષિતા શેલડિયા કહે છે, ગરબા ન થવા જોઈએ એ નિર્ણય આવકારદાયક છે, પરંતુ ગરબાથી જ સંક્રમણ ફેલાશે અને રાજકીય રેલીઓથી નહીં એ કેટલું યોગ્ય છે. શેરીગરબા થવા જોઈતા હતા, જ્યાં સંક્રમણ નથી ત્યાં નાના કાર્યક્રમોને મંજૂરી આપવી જોઈએ, પરંતુ સરકારે બધા તહેવારો અટકાવ્યા છે તો ચૂંટણીને લગતા રાજકીય કાર્યક્રમો પણ ન થાય એ પણ જોવું જોઈએ.

ચૂંટણીઓના પ્રચાર પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ: નમ્રતા ભાવસાર, સામાજિક કાર્યકર
સુરતનાં સામાજિક કાર્યકર નમ્રતા ભાવસાર કહે છે કે નવરાત્રીમાં લોકો એકઠા ન થાય એ માટે ધાર્મિક તહેવારો ઊજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના પ્રચાર પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. નેતાઓને લોકો ઓળખતા જ હોય છે, પ્રચાર કરવાની પણ જરૂર નથી. વગરપ્રચારે પણ ચૂંટણીઓ કેમ ન થઈ શકે.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને રેલી થાય તો ઠીક છે, નહીં તો ન કરવી જોઇએઃ દીપ્તિ શાહ.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને રેલી થાય તો ઠીક છે, નહીં તો ન કરવી જોઇએઃ દીપ્તિ શાહ.

વડોદરાઃ નાગરિકોએ કહ્યું-શહેરમાં લાગુ ધારા 144નો એક તરફ તેઓ જ ભંગ કરે છે અને તેઓ જ ધારા 144 લગાવે છે
વડોદરા શહેરના નાગરિક વિરલ પટેલે જણાવ્યું હતું કે સરકારે નવરાત્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે, આવા સમયમાં આગામી દિવસોમાં જે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેમાં જે રેલીઓ અને સરઘસ નીકળવાનાં છે અને જે ઇલેક્શન કેમ્પેન થવાનાં છે એની પર પણ પ્રતિબંધ મુકાવો જોઇએ. હાલ વડોદરા શહેરમાં ધારા 144 લાગુ છે, ત્યારે તમામ રેલીઓ રદ કરવી જોઈએ.

નવરાત્રી પર પ્રતિબંધ છે, ત્યારે ચૂંટણી પર પ્રતિબંધ મૂકવો જોઈએઃ વિદ્યાર્થી
વડોદરાના વિદ્યાર્થી મનીષ પવારે જણાવ્યું હતું કે નવરાત્રી પર મુકાયેલો પ્રતિબંધ તો બરોબર છે, પરંતુ આ કોરોના મહામારી દરમિયાન પેટાચૂંટણી યોજાશે અને તેમાં રેલીઓ નીકળશે એ યોગ્ય નથી. હાલ ચૂંટણી પર પણ પ્રતિબંધ મૂકી દેવો જોઇએ અને રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકવો જોઇએ, જેથી કરીને સંક્રમણ ફેલાય નહીં.

ધારા 144નો કડકપણે અમલ થવો જોઇએઃ વડોદરાના વેપારી
વડોદરામાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારી સુધીરભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે નવરાત્રી પર સરકારે મૂકેલો પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ ચૂંટણીમાં સભા અને સરઘસો પર પણ પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. ધારા 144નો કડકપણે અમલ થવો જોઇએ.

પેટાચૂંટણીમાં સભા-સરઘસોમાં ટોળાં થશે, એ યોગ્ય નથીઃવડોદરાના વેપારી
વડોદરાના વેપારી ભાર્ગવ સોનીએ જણાવ્યું હતું કે નવરાત્રી પરનો પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ પેટાચૂંટણી દરમિયાન રેલીઓ અને સભા-સરઘસોમાં ટોળાં ભેગાં થશે, જેથી કોરોનાનું સંક્રમણ વધશે, રેલીઓ અને સભા-સરઘસો ન કાઢવા જોઇએ. એક તરફ તેઓ જ 144ની ધારા લગાવે છે અને તેઓ જ એનો ભંગ કરે એ ચલાવી ન લેવાય.

ચૂંટણીઓમાં રેલીઓ કાઢવી ન જોઈએઃ એસ્ટેટ-બ્રોકર વડોદરાના
એસ્ટેટ-બ્રોકર વિનોદ વિચારેએ જણાવ્યું હતું કે નવરાત્રી પરનો પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ ચૂંટણીઓમાં રેલીઓ કાઢવી ન જોઇએ અને એની પર સરકારે પ્રતિબંધ મૂકી દેવો જોઇએ.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને રેલી થાય તો ઠીક છે, નહીં તો ન કરવી જોઈએઃ એન્જિનિયર
વડોદરાની મિકેનિકલ એન્જિનિયર દીપ્તિ શાહે જણાવ્યું હતું કે સરકારનું નવરાત્રી પરના પ્રતિબંધનું પગલું યોગ્ય છે, પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને રેલી થાય તો ઠીક છે, નહીં તો ન કરવી જોઈએ.

કોરોનાને લઇ નવરાત્રીની મંજૂરી આપી નથી એ યોગ્ય નથીઃ ભાવિક મોદી.
કોરોનાને લઇ નવરાત્રીની મંજૂરી આપી નથી એ યોગ્ય નથીઃ ભાવિક મોદી.

ચૂંટણીમાં સરઘસ-સભા યોજાશે, ત્યારે લોકો ભેગા થશે એના માટે પગલાં લેવાયાં?
વડોદરાના પોસ્ટ રિકરિંગ એજન્ટ ભાવિક મોદીએ જણાવ્યું હતું કે સરકારે નવરાત્રીની કરવાની મંજૂરી આપી નથી, ત્યારે મારો પ્રશ્ન એ છે કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સરકાર સરઘસ અને સભા યોજશે, ત્યારે એકસાથે લોકો ભેગા થશે તેના માટે પગલાં લેવાયાં છે ખરાં? કોરોનાને લઇ નવરાત્રીની મંજૂરી આપી નથી એ યોગ્ય નથી. તેના માટે સરકારે વિચારવું જોઈએ.

નવરાત્રી પર પ્રતિબંધ લગાવ્યો તો,પેટાચૂંટણીની સભા પર પ્રતિબંધ મૂકોઃ વડોદરાના નાગરિક
વડોદરાના નાગરિક રાજેશભાઇએ જણાવ્યું હતું કે સરકારે જ્યારે નવરાત્રી પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે પેટાચૂંટણીમાં યોજાનારી સભા અને સરઘસો પર પ્રતિબંધ મુકાવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...