કોવિડ-19 મહામારી સંદર્ભે નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે, ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550નો ખર્ચ થશે.
લેબોરેટરીએ સૌથી પહેલા આરોગ્ય અધિકારી પાસે મંજૂરી લેવી પડશે
યાદીમાં વધુમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને RT-PCR ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.
લેબોરેટરીએ દિવસભરમાં કરેલા ટેસ્ટની વિગતો જિલ્લા/કોર્પોરેશનને આપવાની રહેશે
આ ઉપરાંત જે લેબોરેટરીને RT-PCR ટેસ્ટની મંજૂરી મળેલી હોય તેને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટની મંજૂરી મેળવવાની રહેશે. લેબોરેટરીએ જે-તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે-તે જિલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ. લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈ.સી.એમ.આર. માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કિટ વાપરવાની રહેશે તેમજ રિપોર્ટમાં એનો ઉલ્લેખ કરવાનો રહેશે. માન્યતા આપવામાં આવેલી તમામ લેબોરેટરીઓએ ભારત સરકાર કે રાજ્ય સરકારની વખતોવખતની માર્ગદર્શિકાનો અચૂક અમલ કરવાનો રહેશે.
ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 600નો ચાર્જ
આ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ માટેના દર નિયત કરવામા આવ્યા છે, જેમાં ELSIA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550, જ્યારે CLIA ફોર એન્ટિબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 500 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 600ના દરો નિયત કરવામાં આવ્યા છે. આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે, જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઈ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ ગણાશે, એમ વધુમાં જણાવાયું છે.
રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાવવા માટેના ભાવની વિગત
ટેસ્ટનો પ્રકાર | લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવવાનો ભાવ | ઘરે જઈ સેમ્પલ કલેક્ટ કરવાનો ભાવ |
ELISA ફોર એન્ટિબોડી | 450 | 550 |
CLIA ફોર એન્ટિબોડી | 500 | 600 |
કેવી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.