તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયન રસીમાં ગુજરાત પાછળ:12 રાજ્યે સ્પુતનિક-Vના 44,000 ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં 1200 ડોઝ આવ્યા, અમદાવાદ-સુરતમાં કુલ 336ને રસી અપાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રાજ્યમાં સ્પુતનિક-V રસી માટે ખાનગી હોસ્પિટલ મહત્તમ રૂ.1145 ચાર્જ લઈ શકશે
  • અમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રશિયન રસી લીધી

કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ રાજ્યમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-V મળવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં સુરતની કિરણ હોસ્પિટલ તથા અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને સ્પુતનિક-V વેક્સિનના 1200 ડોઝ મળ્યા છે. છેલ્લા 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં 336 લોકોને સ્પુતનિક-V વેક્સિન અપાઈ છે, જેમાં અમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રસી લીધી. અમદાવાદમાં 425 અને સુરતમાં 439 ડોઝ સ્ટોક ઉપલબ્ધ છે.

અમદાવાદમાં આજે 50 લોકોએ સ્પુતનિક-V રસી લીધી
આજથી ઓનલાઈન અને ઓનસ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીન આપવામાં આવી રહી છે. રશિયન વેકસીન સ્પુતનિક-V લેવા માટે સવારથી લોકો આવ્યા હતા. 50 જેટલા લોકોએ સાવરથી વેકસીન લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં કોવેક્સિન અને કોવીશીલ્ડ બાદ હવે સ્પુતનિક-V વેક્સિન આપવાની શરૂ થઈ છે. સ્પુતનિક-V વેક્સિનને માઇનસ 20 ડિગ્રીમાં સ્ટોરેજ કરવામાં આવે છે. વેક્સિન આપ્યા પહેલા તેને બેથી ત્રણ મિનિટ નોર્મલ ટેમ્પરેચરમાં લાવવામાં આવે છે. એક વાયલમાં પાંચ ડોઝ એપ્લિકેબલ હોય છે. કોવિન એપ પર સ્પુતનિક રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે ઉપરાંત સ્થળ પર પણ રસી માટે રજિસ્ટ્રેશન થશે.

હાલ જનરલ લોકોને નથી અપાઈ રહી વેક્સિન
હાલમાં સ્પુતનિક-V રસી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને અપાઈ રહી છે. હજુ સુધી જનરલ પબ્લિક માટે એની શરૂઆત થઈ નથી. ડો. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદ તરફથી રસીનો સ્ટોક મળશે તેમ તેમ જનરલ પબ્લિકને પણ રશિયન રસી મળશે.

સ્પુતનિક-V વેક્સિનના જથ્થાની ફાઈલ તસવીર.
સ્પુતનિક-V વેક્સિનના જથ્થાની ફાઈલ તસવીર.

સ્પુતનિક-Vના વપરાશમાં ગુજરાત પાછળ
રશિયન વેક્સિન સ્પુતનિક-Vનો વપરાશ કરવામાં ગુજરાત ઘણું પાછળ છે. ગત અઠવાડિયાના રિપોર્ટ મુજબ, સ્પુતનિક-Vના 85,485 ડોઝ 12 રાજ્યે મેળવ્યા હતા, જેમાં ગુજરાતે એકપણ ડોઝ મેળવ્યો ન હતો. આ વેક્સિનના જે ડોઝ રાજ્યોને ફાળવાયા છે એમાંથી 44,105 ડોઝ લોકોને આપી પણ દેવાયા છે. સ્પુતનિક-Vના સૌથી વધુ 44,565 ડોઝ તેલંગણાએ મેળવ્યા હતા, જ્યારે આંધ્રપ્રદેશને 15,800, કર્ણાટકે 6000, પશ્ચિમ બંગાળે 4800, હિમાચલ પ્રદેશે 4500, મહારાષ્ટ્રે 3000 અને તામિલનાડુએ 3300 ડોઝ મેળવ્યા હતા, જ્યારે ગુજરાતમાં 1લી જુલાઈના રોજ સ્પુતનિક-Vના કુલ 1200 ડોઝ આવ્યા છે.

કેટલી હશે રશિયન વેક્સિનની કિંમત?
સ્પુતનિક-V ખાનગી હોસ્પિટલને પ્રત્યેક ડોઝ રૂ. 948માં મળશે, જેની ઉપર 5 ટકા જીએસટી લેખે રૂ. 47 ટેક્સ લાગશે. ખાનગી હોસ્પિટલ ડોઝદીઠ મહત્તમ રૂ. 150 ચાર્જ લઈ શકશે, એટલે સ્પુતનિક-Vનો એક ડોઝ રૂ. 1145માં મળશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

21થી 28 દિવસમાં બીજો ડોઝ લઈ શકાય
મહત્ત્વનું છે કે કોવીશિલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ આ વેક્સિનોની અછત હોઈ 84 દિવસ પછી લોકોને મળી રહ્યો છે, ત્યારે સ્પુતનિક-Vનો બીજો ડોઝ માત્ર 21થી 28 દિવસમાં લઈ શકાશે. આમ, બંને ડોઝનો કોર્સ 21થી 28 દિવસ વચ્ચે પૂરો થઈ જતો હોઈ વેક્સિન ખરીદી શકે તે વર્ગમાં અને યુવા વર્ગમાં આ રશિયન વેક્સિનનું ખાસ્સું આકર્ષણ છે, તેથી રાજ્ય સરકારે આ વેક્સિન મોટે પાયે રાજ્યમાં આવે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એવો સૂર સામાન્ય જનતામાં વ્યક્ત થઈ રહ્યો છે.