રજની રિપોર્ટર:ગુજરાતને કેન્દ્ર પાસેથી હજુ વધુ સહાયની અપેક્ષા; નીતિન પટેલ માટે ચિંતા કરવા જેવું નથી, બધું બરાબર જ છે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હી દરબારની રહેમ - Divya Bhaskar
દિલ્હી દરબારની રહેમ

હમણાં જ કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી થયેલાં નુક્સાનની સમીક્ષા કરીને ગઇ અને તેમની સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા અન્ય અધિકારીઓએ બેઠક પણ કરી. કેન્દ્રએ 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત સરકાર કેન્દ્ર પાસે હજુ વધુ સહાયની માગ કરી શકે છે. ગુજરાત સરકારના અધિકારીઓએ કુલ નુક્સાનીનો અંદાજ લગાવ્યો છે, અને આ આંકડો 5000 કરોડ કરતાં વધુનો છે. આ દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રએ ગુજરાતને વધુ સહાય આપવી જોઇએ તેવું સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટ માને છે. ગુજરાત સરકાર પાસે હાલ વધુ કોઇ નાણાકીય જોગવાઇ નથી અને તેમાંય જ્યાં નુક્સાન વધુ થયું છે, ત્યાં ગઇ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પણ મોટું નુક્સાન ગયું હતું, રાજકીય સમીકરણો જોતાં અહીંના ભાજપના નેતાઓ પણ વધુ સહાયની માંગણી કરી રહ્યાં છે.

જયંતી રવિ જે કામ કરે છે તેના પર બીજા અધિકારી પોતું ફેરવી રહ્યા છે
આરોગ્ય સચિવલ જયંતી રવિ આજકાલ ખૂબ પરેશાન હોય તેમ લાગે છે. કોરોનાના સંક્રમણના કેસ ઓછાં થઇ રહ્યા છે અને રીકવરી રેટ પણ વધ્યો હોવાથી તેમની ચિંતા ઓછી થવી જોઇએ, તેને બદલે તેમના ચહેરા પરની રેખાઓ હાલ તણાયેલી જોવા મળે છે. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર જયંતી રવિના અનેક પ્રયત્નો પર તેમના જ એક સિનિયર અધિકારી સરસ રીતે પોતું ફેરવી રહ્યા છે. તેમાંય હમણાં હમણાં રસીકરણને લઇને ઊભાં થયેલાં વિવાદોમાં જયંતિ રવિને જ સરકારનો બચાવ કરવા સામે આવવું પડ્યું, એ પણ નાછૂટકે. એક બાબુએ કહ્યાં મુજબ જયંતી રવિને હાલ વ્યવસ્થિત રીતે બલિનો બકરો બનાવાઇ રહ્યાં છે. આમ તો રવિ આમાંથી ઝટ છૂટવા માગે છે. તેમની કેન્દ્રીય પ્રતિનિયુક્તિનો હુકમ પણ થતો નથી, અને જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી થોડી મુશ્કેલીનો સામનો તેમને કરવો પડશે.

પ્રદીપસિંહનું વજન વધ્યું, પણ શારીરિક નહીં રાજકીય રીતે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું વજન હમણાં ખાસ્સું એવું વધ્યું છે. શરીરિક વજન વધ્યાની વાત નથી, પરંતુ સરકારમાં તેમનું રાજકીય વજન સારું એવું વધ્યું છે. કોર કમિટીની બેઠકથી માંડીને ઘણાં નિર્ણય લેવાના કામમાં પ્રદીપસિંહ હાજર હોય છે અને નીતિન પટેલની ગેરહાજરીમાં તેમણે જ કમાન સંભાળી લીધી હતી. આમ પણ તેઓ પોતાના તમામ ખાતાના કામને લઇને ચીવટ રાખે છે, તેથી તેમની ગણતરી મંત્રીમંડળના ટોચના સભ્યોમાં તો થાય જ છે, પરંતુ આજકાલ તેમની ભૂમિકાને બારીકાઇથી જોવાઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓ પણ પ્રદિપસિંહનો પડ્યો બોલ ઝીલે છે. ભવિષ્યના સંકેત ગમે તે હોય, હાલ તો સરકારનું ચિત્ર આ પ્રમાણે છે.

નીતિન પટેલ માટે ચિંતા કરવા જેવું નથી, બધું બરાબર જ છે
ઘણાં સમયથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલાં જેવાં એક્શન મોડમાં દેખાતાં નથી. કોરોનામાંથી સાજા થઇને આવ્યા પછી એમણે પબ્લિક એપિઅરન્સ અમદાવાદના એક ફ્લાયઓવર બ્રિજની મુલાકાતમાં આપ્યો, બાકી નીતિન પટેલ હાલ ક્યાંય દેખાતા નથી. આ વાતને લઇને ભાજપમાં અને અધિકારીઓમાં છાનેછપને ચર્ચા થવા માંડી છે, કે ક્યાંક નીતિનભાઇને કોઇ રોકી રહ્યું છે. પણ હમણાં જ કેન્દ્ર સરકારે દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદી પર કરમાફી માટે જે કમિટિ બનાવી તેમાં નીતિન પટેલને સ્થાન મળ્યું છે. તેથી હવે સંકેત મળ્યો છે કે નીતિન પટેલ માટે ચિંતા કરવા જેવું કાંઇ નથી, કારણ કે દિલ્હીની નજર તેમના ઉપર છે અને ત્યાંથી બધું ઓકે હોય તો વાત કાંઇ વિશેષ નથી.

પાટીલે પાવર સાથે કહ્યું, મેં કહ્યું તો તરત જ તેની વ્યવસ્થા થઈ ગઈ
રેમડેસિવીર ઇંજેક્શનોના કિસ્સામાં સલવાયા બાદ પણ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને સહેજ પણ ધક્કો લાગ્યો નથી. ઊલ્ટું તેમને તો સીધી જ કેન્દ્રમાંથી મદદ મળી રહી છે. અહીં ગુજરાત સરકાર ઇંજેક્શનો, રસીના ડોઝથી માંડીને બીજી સહાય માટે કેન્દ્ર પાસે વલખીને નિવેદનો કરી રહી છે, ત્યાં પાટીલ જે માંગે તે મોદી સરકાર તરત આપી દે છે. આવું પાટીલ ખુદ કહે છે. તેમણે હમણાં જ તેમની પાર્ટીની એક બેઠકમાં અભિમાન સાથે કહ્યું કે મેં જે માંગ્યું તે મોદી સાહેબે મોકલી આપ્યું. કોરોના માટેની દવાઓ તો મોકલી જ, મ્યુકરમાઇકોસિસ માટે ઇંજેક્શનની ખેંચ હતી અને મેં કહ્યું તો તરત જ તેની વ્યવસ્થા થઇ ગઇ. હવે વિચારો આટલો પાવર કોનામાં હોય...?

અન્ય સમાચારો પણ છે...