અમે તો પક્ષની ‘સાથે’ જ છીએ:હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે નીતિનભાઈ બોલ્યા-કોઇપણને પાપી ગણવો યોગ્ય નથી, નારાજગી નથીનું ચિત્ર ઊભું કરવા કવાયત

અમદાવાદ2 મહિનો પહેલા
  • હાર્દિકના ભાજપ પ્રવેશમાં પક્ષના પાટીદાર નેતાઓને સૂચક રીતે હાજર રાખવામાં આવી શકે

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપ સામે લડીને નેતા બનેલા હાર્દિક પટેલ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. આ સાથે જ ભાજપના નેતાઓમાં પણ કાનાફૂસી થઈ રહી છે. હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે પક્ષના પાટીદાર નેતાઓ નારાજ ના હોવાનું ચિત્ર ઊભું કરવા હાર્દિકને કેસરિયો ખેસ પેહરાવવામાં પક્ષના પાટીદાર નેતાઓને ખાસ હાજર રાખવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓને પણ ખાસ હાજર રાખવા ભાજપે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

કોઇપણ વ્યક્તિને પાપી ગણવો યોગ્ય નથીઃ નીતિનભાઈ
મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમના અંતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે કોઇપણ વ્યક્તિને પાપી ગણવો યોગ્ય નથી, કારણ કે સારું અને સાચું કામ કરવા તે વ્યક્તિ પ્રતિબદ્ધ બને તો એવા વ્યક્તિને કામ કરવાની તક મળતી હોવાનો પણ નીતિનભાઈએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે કોઈ મહાત્મા નથી કે વ્યક્તિને પાપી ગણીએ. ખરેખર તો સારું અને સાચું કામ કરતાં નાગરિકને અમારી પાર્ટીમાં આવકારીએ છીએ અને એટલે હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો તેમ કહીં પત્રકારોના વધુ પ્રશ્નના ઉત્તર આપવાનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ટાળ્યું હતું.

‘રાષ્ટ્ર સેવા, સમાજસેવા કરનાર ભાજપમાં આવકાર્ય છે’
તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજમાં રહેલા કોઈપણ વ્યક્તિ રાષ્ટ્ર સેવા, સમાજસેવા કરવા રાજકીય મદદ સાથે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સેવા માટેનો ઉત્સાહ હોય તો તેવા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્ય છે. એટલું જ નહીં, ઘણા લાંબા સમયથી ભાજપમાં ઉત્સાહિત યુવાનો મહિલાઓ, ડોક્ટરો, વકીલો સહિત વિવિધ ક્ષેત્રના અનેક દિગ્ગજો જોડાઇ રહ્યા છે.

‘કોઈપણ વ્યક્તિ ભૂલ કરે તો સુધારવાની તક મળે છે’
આ ઉપરાંત નીતિનભાઈ પટેલને પ્રશ્ન કર્યો હતો કે, ભાજપ એ પવિત્ર ગંગા સમાન છે ત્યારે તેમાં પવિત્ર થવા લોકો જોડાય છે તેવું ભૂતકાળમાં કરેલા તેમના નિવેદનને ટાંકી પ્રશ્ન પૂછતાં નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિ ભૂલ કરે તો તેને સુધારવાની તક મળતી હોય છે.

હાર્દિકના ભાજપ પ્રવેશ સમયે નીતિનભાઈને હાજર રાખવા પ્રયાસો
ભાજપ સરકાર અને મંત્રીઓ સામે બેફામ નિવેદન કરનાર હાર્દિક પટેલને ભાજપમાં લેવા માટેનો નિર્ણય હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો હોવાથી પ્રદેશ નેતાઓ હાર્દિકને વધાવવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ, આગેવાનો કે જેઓ હાર્દિક પટેલ સામે લડાયક બન્યા હતા તેવા કેટલાક ચોક્કસ પાટીદાર નેતાઓને ભાજપ સમજાવીને હાર્દિકના પ્રવેશમાં હાજર રાખવા પ્રયત્ન કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...