ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી ઓક્ટોબર મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે અગામી 1 જાન્યુઆરી 2022એ પ્રથમ મતદારયાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ, ચૂંટણીપંચે તો વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી દીધી છે. બસ, હવે ચૂંટણી વહેલી કરવી કે સમયસર એ રાજકીય પરિસ્થિતિ નક્કી કરશે.
28 મતદાન મથકો મર્જ કરવામાં આવ્યાં
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી ચૂંટણીપંચ દ્વારા ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં રાજ્યમાં 109 જેટલાં નવાં મતદાન મથકનો ઉમેરો થયો છે, જ્યારે 28 મતદાન મથક મર્જ કરવામાં આવ્યાં છે. હવે રાજ્યમાં 51,636 મતદાન મથક અસ્તિત્વમાં આવ્યાં છે. આ અંગેની તમામ કામગીરી 31 ઓકટોબરે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાત ચૂંટણીપંચ દ્વારા મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે વિશેષ વ્યવસ્થાઓનું આયોજન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં 1200 જેટલા મતદારોને એક બૂથમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં 1400 મતદાર વચ્ચે એક બૂથ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
1 જાન્યુઆરીએ પ્રથમ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ 5 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વિશેષ મતદારયાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યાર બાદ 1–1–2022ના રોજ પ્રથમ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થશે. આ મતદારયાદી ક્ષતિરહિત પ્રસિદ્ધ થાય એ માટે ભારત સરકાર દ્વારા 18 જેટલા સિનિયર સનદી અધિકારીઓની મતદારયાદી ચકાસણી અધિકારી તરીકે નિમણૂક કરી દીધી છે.
વિધાનસભાની ચૂંટણીના 90 દિવસ પહેલાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે
વિધાનસભાની ચૂંટણીના 90 દિવસ પહેલાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, એ પહેલાં મતદારયાદીનો સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવાનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપચં દ્વારા કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારયાદીમા નામ વધારા-સુધારા કે કમી કરવાના મામલે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.