શપથવિધિનું બિગ સેલિબ્રેશન:ગુજરાતમાં 7મી બમ્પર જીત બાદ મેગા શો, CM અને મંત્રીઓના શપથગ્રહણ માટે 3 મોટાં સ્ટેજ બનાવાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મોટે પાયે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે એવું આયોજન સંગઠન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે અને સાથે જ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરી દેવામાં આવી છે. નવી સરકારના ચયન માટે સૌપ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, જે અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિ સ્થળે કરવામાં આવી રહી છે.

વર્ષ 2017માં યોજાયેલી શપથવિધિ સમારંભ જેમ જ આ કાર્યક્રમ યોજાશે - એકે રાકેશ
મુખ્યમંત્રીના શપથવિધિની જવાબદારી આવે છે તેવા ગુજરાત એડમિનિસ્ટ્રેટાવ ડિપાર્ટમેન્ટ (જીએડી)ના અગ્ર સચિવ એકે રાકેશે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગુજરાતના હોવાથી તેઓ હાજર રહેશે, સાથે જ અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ અનેક રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વર્ષ 2017માં યોજાયેલી મુખ્યમંત્રીની શપથવિધિની જેમ જ આ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

180*40 મીટરના ત્રણ મોટા સ્ટેજ તૈયાર કરાશે
સરકારનાં અધિકારિત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. પ્રત્યેક મંચ 180*40 મીટર મોટો હશે. એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. બીજા મંચ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી બેસે એવી વ્યવસ્થા હશે, જ્યારે ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે બેસવાની વ્યવસ્થા કરાશે.

8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા ઊભી કરાશે
મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ આમંત્રિતો આવવાના હોવાથી બેઠક વ્યવસ્થા માટે પણ અલગ આયોજન કરાયું છે. કુલ 8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ કામગીરીમાં જોતરાયા
મુખ્યમંત્રી અને મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમના આયોજન માટે ગુજરાત સરકારના જીએડી અને આર એન્ડ બી વિભાગ તેમજ રાજ ભવનના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. આ સિવાય અધિકારીઓની પણ અલગ ભૂમિકા રહેલી છે. લગભગ 20 જેટલા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ તથા 5થી વધુ આઈએએસ આ કામગીરી સંભાળી રહ્યા છે.

કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી

ભૂપેન્દ્ર પટેલે 9 ડિસેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે અને હવે તેઓ ગુજરાતના કેરટેકર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે 10 ડિસેમ્બરના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપના તમામ વિજેતા ધારાસભ્યની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સર્વ સંમતિથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરીને જાહેરાત કરવામાં આવી હતી.

પસંદ કરાયેલા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરાશે
મંત્રીમંડળની શપથવિધિ પણ 12 ડિસેમ્બરના રોજ યોજાય એવી શક્યતા છે, ત્યારે જે મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે, તેમને શપથ ગ્રહણના આગલા દિવસે મોડી રાત્રે જાણ કરવામાં આવશે, એવી જાણકારી મળી રહી છે. આ ઉપરાંત છેલ્લી ઘડીએ પણ એકાએક કોઈ વિજેતા ધારાસભ્ય મંત્રી તરીકે જોવા મળે તો નવાઈ નહિ.

મંત્રીમંડળની શપથવિધિ પણ યોજાય તેવી શક્યતા
તારીખ 12 ડિસેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે તેમની સાથે સાથે જ રાજ્યના મંત્રીમંડળની પણ શપથવિધિ એ જ સમયે યોજવામાં આવે એવી સંભાવના છે. આ સંભાવના વચ્ચે મંત્રીમંડળને યોગ્ય રીતે બેસવાની વ્યવસ્થા કરવા માટે મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ મંચ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો બેસશે.

2017માં પણ શપથવિધિનું ગ્રાન્ડ સેલિબ્રેશન થયું હતું
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2017ની જીત બાદ શપથ ગ્રહણ કર્યા , ત્યારે પણ આ જ પ્રકારના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે પણ આ જ પદ્ધતિએ સરકારે વ્યવસ્થા ઊભી કરી હતી, જ્યારે સંગઠન દ્વારા પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે એવું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...