મતદારોને આકર્ષવા નવતર પ્રયોગ:તારક મહેતા ફેમ ટપુએ યુવા મતદારોને મતદાન કરવા હાકલ કરી, નારાજ હકુભાને ત્રણ બેઠકની જવાબદારી સોંપી

4 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે થઈને ચૂંટણી અધિકારીઓ દ્વારા નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપુ (ભવ્ય ગાંધી) યુવા મતદારોને અને જે લોકો પહેલીવાર મતદાન કરવાના છે તેમને મતદાન કરવા માટે હાકલ કરી હતી. તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળતા પાર્ટીથી નારાજ હકુભાને જામનગરની ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલતા વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓ સાથે આજે બેઠક કર્યા બાદ કોંગ્રેસે 6 નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ભવ્ય ગાંધીએ યુવાનોને મતદાન કરવા પ્રેરિત કર્યા
ભવ્ય ગાંધીએ યુવાનો અને યુવતીઓને મતદાનની તારીખ પૂછી હતી અને જે પણ યુવાઓનો જન્મ દિવસ હોય એને એ દિવસે ખાસ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતાં. આજની યુવા પેઢી આવતીકાલના દેશનું ભવિષ્ય છે. એ નવયુવકો અને યુવતીઓ આ લોકશાહીના પર્વને ભૂલે નહિ અને વોટ આપવા જાય એના માટે એક સ્લોગન આપવામાં આવ્યું હતું. હું નહિ ભુલુ અને તમે પણ નહીં ભૂલતા. આ લોકશાહીના અવસર ને. મ્યુઝિકના તાલે યુવક અને યુવતીઓ ઝૂમી ઊઠ્યા હતા. ચૂંટણી અધિકારીઓની યુવા મતદારો વધુ મતદાન કરે એ પહેલ રંગ લાવી હતી.

હકુભાને ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવ્યા
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળતા પાર્ટીથી નારાજ હકુભાને ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટના ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની નિમણુંક કરવામાં આવી છે.

હકુભા જાડેજાની બાદબાકીથી જામનગરમાં પણ બળવો
જામનગર વિધાનસભાની બેઠક પર ગત વખતે 45 હજાર જેટલા જંગી મતોથી જીતેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ભાજપે આ વખતે બાદબાકી કરી છે. 2012 અને 2017 એમ બે ટર્મથી ધારાસભ્ય હકુભા રાજકારણના એક એવા ખેલાડી મનાય છે જે કદાપિ પોતાની તલવાર મ્યાનમાં કરે નહીં. ભાજપમાં એમની ટિકીટ કપાઇ છે તો હકુભા જાડેજા શું કરશે ? તેનો જવાબ જાણવા લગભગ જિલ્લા આખાના લોકોમાં ઉત્કંઠા જાગી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા અપક્ષમાંથી ફોર્મ ભરશે તેવી અટકળો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં હકુભાએ ભાજપના ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો જે ગઇકાલે દૂર કર્યો હતો. હકુભાની નારાજગી ઠારવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિધાનસભાની ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં 33 ઉમેદવારો જાહેર કર્યા
વિધાનસભા ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ આજે એક જ દિવસમાં બીજી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 33 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જિગ્નેશ મેવાણીને વડગામ અને તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અત્યાત સુધીમાં 142 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપની બાકી 16 ઉમેદવારો માટે ચર્ચા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગર કમલમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ બેઠકમાં હાજર રહ્યા છે. સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે. ભાજપે અત્યાર સુધી 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે આ બેઠકમાં બાકીના 16 ઉમેદવારોના નામને લઇ ચર્ચા કરવામાં આવી રહી છે. અમિત શાહની બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. જેમાં ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા બેન પટેલને ટિકિટ મળી શકે છે. તો મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિમંતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાઇ શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડી ડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે. તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

નારાજ નેતાને મનાવવા કોંગ્રેસે બેઠક આપી
કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલતા વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓ સાથે આજે બેઠક કર્યા બાદ કોંગ્રેસે 6 નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના નારાજ નેતા મનહર પટેલને બોટાદ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગુંચવાયું હતું અંતે પાટીદાર નેતાને ટિકિટ આપતા મનસુખ કાલરીયાનું નામ જાહેર કર્યું છે.

રાજકોટમાં કોંગ્રેસના નારાજ બે દિગ્ગજ નેતા એક થયા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત વચ્ચે નારાજગી ચાલતી હતી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને મહેશ રાજપુત ફરી એકત્ર થયા છે. આ બન્ને નેતાની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી વોર્ડ નં. 4ના નંદાભાઈ ડાંગર અને દિપકભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અનેક સમર્થકો કોંગ્રેસમાં જોડાશે.

પંજાબના પંચાયત મંત્રી પ્રચાર માટે રાજકોટ આવી પહોંચ્યા
પંજાબના આમ આદમી પાર્ટીના પંચાયત મંત્રી કુલદીપસિંહ ધવલિયા રાજકોટ પહોંચ્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પ્રચાર કરશે અને ચૂંટણી સુધી રહેશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને લઈને તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. ગુજરાતમાં તો શું પૂરા દેશમાં આમ આદમી પાર્ટી રૂપિયાનો ગોટાળો કરે તે શક્ય નથી. આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે ઘરે ઘરે જઈશું, બેઠકો કરીશું અને લોકોને સમજાવીશું. અમારી સાથે બે પ્રકારના લોકો જોડાઈ છે. એક જે સિસ્ટમ બદલવા માટે આવે છે અને બીજા એ કે જે પોતાને બદલવા માટે આવે છે.

વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ
તો બીજી તરફ વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કમલમ પહોંચ્યા છે. વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ જોવા મળી રહ્યા છે. જેને લઇને અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને ચર્ચા કરવા બોલાવ્યા છે. ત્યારે વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. તેમજ રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. વડોદરાના માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. તેમજ બંને સીટોના સીટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે.

વઢવાણ બેઠક જીજ્ઞાબેન પંડ્યાએ ઉમેદવારી પર અનિચ્છા દર્શાવી
ભાજપની વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવારે જીજ્ઞાબેન પંડ્યાએ ચૂંટણી ન લડવા જણાવ્યું છે. ભાજપના ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાએ વઢવાણ બેઠક પર ટિકિટ આપવા બદલ વડાપ્રધાન તેમજ ભાજપનો આભાર માન્યો આ સાથે તેમણે પોતાની ઉમેદવારી પર અનિચ્છા દર્શાવી છે. ત્યારે હવે વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવામાં આવશે. જીજ્ઞાબેન પંડ્યાને બદલે હવે જગદીશ મકવાણા ભાજપના ઉમેદવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ખોડલધામ એકેય પક્ષના પ્રચારમાં નહીં જાય
રાજકોટમાં આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 188 રાજકોટના અને 20 વિદ્યાર્થીઓ જૂનાગઢમાંથી પાસ થયા છે. કાર્યક્રમમાં હાજર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી ચાલશે, મારા ઘણા અંગત લોકો રાજકારણમાં છે. હું એકેયના ચૂંટણી પ્રચારમાં જવાનો નથી. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દઈશ. નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા ખોડલધામના એક ટ્રસ્ટી છે. ભાજપે તેને ટિકિટ આપી છે. રમેશભાઈ પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે. ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી જ્યાં જ્યાંથી લેઉવા પટેલ સમાજના ઉમેદવાર લડતા હોય તેને સાથ આપશે. ત્રણેય પક્ષમાં હજી ઘણીબધી ટિકિટ પણ ફાઈનલ થઈ નથી. આખું સમીકરણ તો 15 નવેમ્બરના રોજ ખબર પડે, કેટલા ફોર્મ પાછા ખેંચાય છે તેનું એક એક સીટ પરથી ખબર પડે પછી માહોલ જાણવા મળે.

ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા રાજીનામું આપશે
ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં જઈએ તો ખોડલધામમાંથી રાજીનામું દેવું એ સાચી વાત છે. મેં ટ્રસ્ટને કહ્યું જ છે કે, હું રાજીનામું આપી દઉં છું. ટૂંક સમયમાં જ ચૂંટણી જાહેર થઈ અને ફોર્મ ભરવાનું એવું બધુ ચાલુ હતું એટલે હવે ખોડલધામમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા હાથ ધરીશું. પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલે છે. રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, બધા વોર્ડમાં લોકોમાં થનગનાટ છે અને લોકો ભાવથી જોડાઈ રહ્યા છે. આપાગીગાના ઓટલાના નરેન્દ્રસિંહ સોલંકી સાથે હવે કોઈ નારાજગી નથી. તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મેં ફોર્મ ઉપાડ્યું છે, ભરું કે ન ભરું એ ફાઈનલ નથી. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ આપી તે OBC જ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર OBC સમાજમાં કોઈ નારાજગી નથી.

ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી લડશે ચૂંટણી
આમ આદમી પાર્ટી દ્વારા વધુ બે બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આજે દ્વારકા અને જામ ખંભાળિયા બેઠક પર બે ઉમેદવારોના જાહેર કર્યા છે. જામ ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઇસુદાન ગઢવી આવતીકાલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે. જ્યારે દ્વારકા બેઠક પરથી લક્ષ્મણ નકુમ ચૂંટણી ફોર્મ ભરવા જશે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 180 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે હવે માત્ર બે બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે, ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લઢશે. અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટર કરી જણાવ્યું હતું કે, ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષોથી અવાજ ઉઠાવનારા ઇસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમીથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

ઝંખના પટેલની ટિકિટ કપાતા ચોર્યાસી બેઠક પર વિવાદ વકર્યો
ઇતિહાસમાં પહેલી વખત ચોર્યાસી બેઠકમાં ઉમેદવારની પસંદગીને લઈને ભારોભાર વિરોધ નોંધાતા ભાજપમાં પણ અંદર અંદર ગણગણાટ શરૂ થઈ ગયો છે. સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખનાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે. જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જ્યાં કોળી પટેલ મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે.

સંદીપ દેસાઈ વિરોધમાં સૂત્રોચ્ચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું. ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રિપીટ ફોર્મુલા અપનાવી હતી. પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.

નામ જાહેર થાય તે પહેલાં જ NCP નેતાએ બેનર છપાવ્યાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે પરંતુ હજુ સુધી અમદાવાદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી નથી છતાં NCPના નેતા નિકુલસિંહ તોમરે નરોડા વિધાનસભા માટે પોતાના નામ અને ફોટા સાથેનાં બેનર છપાવી દીધાં છે. જોકે NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, અમદાવાદ અને દેવગઢ બારિયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે પરંતુ ક્યાં ઉમેદવાર ચૂંટણી લડશે તે હજુ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી છતાં NCPના નેતા નિકુલસિંહ તોમરે ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પોતાના નામનાં બેનર છપાવી દીધાં છે. નિકુલસિંહ તોમરને NCP તરફથી મેન્ડેટ મળી ગયું હોય તેવી પૂરી શકયતા છે.

મધુ શ્રીવાસ્તવના આખરે ભાજપને રામ રામ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ ન મળતાં વિરોધમાં આખરે ભાજપને રામ રામ કરી દીધા છે. સાથે જ મીડિયા સમક્ષ શ્રીવાસ્તવે સી આર પાટીલને મોકલેલું રાજીનામું વાંચી સંભળાવ્યું હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. લાંબા સમયથી હું ભાજપનો કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી. પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતા હવે હું સમાજની સેવા કરવા માગું છું. ત્યારે મારા કાર્યકરો અને શુભેચ્છકો સાથે ચર્ચા-વિચારણા કરી હું ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપું છું અને મારા 500 કાર્યકરો પણ ભાજપમાંથી રાજીનામું આપે છે. અપક્ષ ચૂંટણી લડવી કે નહીં તે અંગે આગામી સમયમાં નિર્ણય કરીશ.

દાણીલીમડા વિસ્તારમાં AAPના ઉમેદવારનો વિરોધ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે અને ઉમેદવારો પ્રજાની વચ્ચે જઈને મત માગી રહ્યા છે. ત્યારે અમદાવાદના દાણીલીમડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈ કાપડિયા જ્યારે તેમના સમર્થકો સાથે દાણીલીમડા વિસ્તારમાં મત માંગવા માટે ઢોલ-નગારા સાથે નીકળ્યા હતા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિરોધ કરી અને કોંગ્રેસના નારા લગાવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને સાંભળ્યા પણ ન હતા તેથી ઉમેદવાર દિનેશભાઈ કાપડિયાને ત્યાંથી ચાલતી પકડવી પડી હતી.

2017માં મારા મેન્ડેટની વેલિડિટી 4 કલાક રહી- મનહર પટેલ
કોંગ્રેસે પ્રવક્તા હિંમાશુ પટેલને ગાંધીનગરની દક્ષિણ બેઠક પરથી ઉતાર્યા છે. ત્યારે બીજા પ્રવક્તા એવા મનહર પટેલને ટિકિટ ન મળતાં નારાજ થયા છે. બોટાદ બેઠક પર દાવેદારી કરવા છતાં ટિકિટ ન મળતાં નારાજ મનહર પટેલે અશોક ગેહલોત સમક્ષ નારાજગી ઠાલવી હતી. જોકે, ગેહલોતે દોઢ કલાક બેઠક યોજીને અંતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાતચીત કરવા માટે સૂચના આપી દીધી હતી. મનહર પટેલે નિવેદન આપ્યું હતું કે, બોટાદ બેઠક પર જનતા મને કહેશે તે મુજબ આગળ વધીશ. ટિકિટ નહીં મળે તો પણ ભાજપ કે આમ આદમી પાર્ટી સિવાયનો અન્ય કોઈપણ વિકલ્પ પસંદ કરીશ.

દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિસાન સેલના કાર્યકરોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેઓ રોષ ઠાલવી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ ન મળતાં વિરોધમાં આખરે ભાજપને રામ રામ કરી દીધા છે. સાથે જ મીડિયા સમક્ષ શ્રીવાસ્તવે સી આર પાટીલને મોકલેલું રાજીનામું વાંચી સંભળાવ્યું હતું.

સુરતમાં પાટીલે પાસના 40 કાર્યકરોને આવકાર્યા
પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સુરત ઉધના કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ 40 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હતા. કમલમ્ ખાતે 40 આગેવાનો ભાજપમાં વિધિવત્ રીતે જોડાઈ ગયા હતા. ત્યારે સુરત ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભગવંત માનનો રોડ શો
આજે એકલવીર બનીને કેજરીવાલની ગેરહાજરીમાં ફરી પંજાબના સીએમ ભગવંત માન સોમનાથે શીશ ઝુકાવશે. ત્યારબાદ રાજુલા, ઉના, કોડીનારમાં રોડ શો કરી આપના ઉમેદવારોનો પ્રચાર કરશે. કોંગ્રેસે ભગા બારડે જેમના માટે ટિકિટની માગ કરી હતી અને પક્ષપલટો કર્યો હતો એ મૂળુ કંડોરિયાને દ્વારકા બેઠક પર ટિકિટ આપી દીધી છે.

આખરે ભગા બારડના વેવાઈ મૂળુ કંડોરિયાને દ્વારકા બેઠકની ટિકિટ
વિધાનસભા ચૂંટણીને લઇ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે શનિવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. જેમાં દ્વારકામાં મૂળુભાઈ કંડોરિયા અને તાલાલામાં માનસિંહ ડોડિયા, કોડીનાર (SC)માં મહેશ મકવાણા, ભાવનગર રૂરલમાં રેવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વમાં બળદેવ માજીભાઈ સોલંકી, બોટાદમાં રમેશ મેર, જંબુસરમાં સંજય સોલંકી, ભરૂચમાં જયકાંતભાઈ બી પટેલ અને ધરમપુર (ST)માં કિશનભાઈ વેસતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ 105 ઉમેદવાર જાહેર થઈ ગયા છે.

ચૂંટણીમાં કોની સરકાર બનશે તેના સટ્ટા લાગ્યા
વિધાનસભા ચૂંટણી પર સટ્ટા-બેટિંગ ચાર મહિના પહેલાં એટલે કે જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અગાઉ ફોન ઉપર સટ્ટો લખાવાતો અને કાગળ-ચિઠ્ઠી પર બધો વ્યવહાર થતો. હવે તો બુકીઓ પણ મોડર્ન થઈ ગયા છે અને પંટરોને સીધી સટ્ટાની એપ્લિકેશન જ ઈન્સ્ટોલ કરાવી દે છે. બીજી તરફ આ એપની સાથે પંટરોના બેંક એકાઉન્ટને ડાયરેક્ટ લિંક કરી દેવાય છે એટલે પેમેન્ટ ઓનલાઈન જ થઈ જાય છે. જ્યારે મોટી હારજીત થાય તો પેમેન્ટ હવાલાથી કે આંગડિયાથી કે કેશથી કરાય છે.

સુરતમાં ઝંખના પટેલના સમર્થકોએ વિરોધ કર્યો
સુરતની ચોયાર્સી બેઠક પર ઝંખના પટેલનું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ત્યારે સંદીપ દેસાઈનું નામ જાહેર થતાંની સાથે જ ઝંખનાના સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા શનિવારે સાંજથી મોડી રાત સુધી વિરોધ કરવામાં આવ્યો હતો. ઝંખનાની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર અને ઝંખના પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે વિરોધ નોંધાવ્યો હતો.

વસાવા પરિવારમાં યાદવાસ્થળી
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. કોઈ પણ સિમ્બોલ પર જીતી શકતાં 7 વખત ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી બધાને ચોંકાવ્યા છે. પાંચ દિવસ પહેલાં જ છોટુ વસાવાએ કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ. હજુ પણ હું 100 કિમી ચાલી શકું એટલો ફિટ છું. આમ ચૂંટણી લડવાની વાત કરનારા છોટુભાઈ અચાનક મેદાનમાંથી કેમ ખસી ગયા તેની પાછળ નિષ્ણાતો અનેક કારણો ગણાવી રહ્યા છે. ઝઘડિયાના સિટિંગ ધારાસભ્ય છોટુભાઈને ફરી ચૂંટણી લડવી હતી, પણ આ સીટ મોટા દીકરા મહેશ વસાવાને પણ જોઈતી હતી. બીટીપી પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ પણ જાહેર કરી દીધું હતું.

વસાવા પરિવારમાં બધું બરાબર નથી
જાણકારોના કહેવા પ્રમાણે મહેશ વસાવાએ જેવી ઝઘડિયા સીટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી કે છોટુભાઈના પરિવારમાં ઝઘડા સામે આવવા લાગ્યા છે. છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ પિતાની ઝઘડિયા સીટ પર દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે મોટાભાઈ મહેશ વસાવાએ પરંપરાગત દેડિયાપાડાથી ચૂંટણી લડવી જોઈએ અને ઝઘડિયા સીટ તેની માટે છોડી દેવી જોઈએ. જો કે આ બધું બરાબર ન રહેતાં આખરે દિલીપ વસાવાએ પણ પાર્ટીને અલવિદા કરી દીધી હતી. દિલીપ વસાવા BTP અને BTTSમાં ગુજરાતના મહાસચિવ હતા. BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું.

છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું રાજીનામું
સોશિયલ મીડિયા ફેસબુકમાં પોસ્ટ મૂકી રાજીનામા અંગે જાણ કરી હતી. સાથે જ વસાવાએ પોસ્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, BTP અને BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે રીતે છોટુભાઈ વસાવાની જે અવગણના થઈ રહી છે જેના કારણે ST,SC,OBC,માઈનોરિટી સમાજના અધિકારોની લડાઈને ભારે નુકસાન થઈ રહ્યું છે. એ જોતા હું દિલીપભાઈ છોટુભાઈ વસાવા BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.

અન્ય સમાચારો પણ છે...