શપથ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન:યુનિફોર્મ સિવિલ કોડ અંગે કમિટીનો અહેવાલ આવ્યા બાદ અમલીકરણ અંગે કાર્યવાહી કરાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે અગાઉ જ યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી માટે નિર્ણય લેવાયો હતો. તારીખ 29 ઓક્ટોબરના રોજ રાજ્ય મંત્રી મંડળના સભ્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય પણ લેવાયો હતો. જોકે, બાદમાં આચારસંહિતા લાગુ થતાં તમામ કાર્યવાહીના અમલીકરણની રૂપરેખા અટકી પડી હતી. ગુજરાતમાં ભાજપની હવે નવી સરકાર રચાશે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગ્રહણ કરશે. જોકે, શપથ ગ્રહણ કરે તે અગાઉ જ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

'કમિટીના અહેવાલ બાદ અમલીકરણની કાર્યવાહી કરાશે'
કમલમ ખાતે મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે , કોમન સિવિલ કોડ અંગે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો અહેવાલ આવ્યા બાદ અમલીકરણ અંગે કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, કોમન સિવિલ કોડનો અમલ કરવાના અધિકારના ભાગરૂપે રાજ્યમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચાઈ છે. આ કમિટી તમામ પાસાનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.

યુસીસીના અમલીકરણ માટે નિર્ણય લેવાયો હતો
સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં તારીખ 29 ઓક્ટોબરના રોજ રાજ્યના તમામ નાગરિકોને સમાન હક્કો મળે એ માટે રાજ્યમાં કોમન સિવિલ કોડ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું હોવાનું તત્કાલિન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડનો અમલ કરવા માટે કમિટીની રચના કરી છે.

રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો કર્યો
આજે શનિવારે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા હતા. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. હવે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પહોંચ્યા છે, 12મી ડિસેમ્બરે વિજયમુહૂર્તમાં શપથવિધિ યોજાશે.

તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.

રાજભવન જતાં પહેલાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ભરોસો નહીં તૂટવા દઈએ
ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ,ગુજરાતની જનતાએ મહોર લગાવી છે. મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારસભ્યો તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. જનતાએ 156 બેઠક પર જીત અપાવી છે ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહી દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. 370 હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે. હવે રાજભવન જઈને સરકાર રચવા દાવો કરીશું.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી ઔપચારિક પ્રક્રિયા
આ પ્રક્રિયા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરી છે. જોકે આ પ્રક્રિયા ઔપચારિક રહી હતી. ભાજપના દરેક ધારાસભ્ય ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરી હતી. આ પહેલાં તેમના નામની દરખાસ્ત સિનિયર નેતા કરી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે.

શુક્રવારે મુખ્યમંત્રી કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું
શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. તો સરકાર રચવાનો દાવો કરીને મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો હતો. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. નવી સરકારની રચનાની કવાયત ચાલી રહી છે. સોમવારે 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.

પાટીલે ગાંધીનગરમાં 12મીએ શપથવિધિની જાહેરાત કરી
8 ડિસેમ્બરે જીતની ઉજવણી બાદ સીઆર પાટીલે 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે એવી કમલમથી જાહેરાત કરી હતી. એમાં ભાજપશાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીને આ શપથવિધિમાં બોલવવામાં આવશે. એટલું જ નહીં, જે સ્ટારપ્રચારકોએ ગુજરાતમાં ભાજપની સરકાર માટે મહેનત કરી હતી તે તમામ હાજર રહેશે એવી માહિતી ભાજપનાં સૂત્રો પાસેથી મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપની સૌથી મોટી જીત ઉજવણી માટે તૈયારી કરી દેવામાં આવી છે. એક સમયે તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ થશે એવી અફવા પણ ઊડી હતી.

શાહે સરકારના ગઠન માટે બીજા તબક્કાની ચૂંટણી પહેલાં બેઠક કરી
ગુજરાતમાં 93 બેઠક પર મતદાન થાય એ પૂર્વે 4 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ પર એક બેઠક કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી અહીં ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ્ પર મળવા માટે બોલાવ્યા અને બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા બોલાવાયા હતા.

અગાઉ સતત 3 વખત નરેન્દ્ર મોદીએ કમૂરતામાં સરકાર રચી
નરેન્દ્ર મોદીએ અગાઉ 2002માં કમૂરતામાં જ ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી, જેમાં 22 ડિસેમ્બરે તેમની સાથે આખા મંત્રીમંડળે શપથ લીધા હતા. તો 2007માં 23 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે 2012માં 20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમના મંત્રીમંડળને શપથ અપાયા હતા. આમ, સતત 3 વાર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કમૂરતામાં જ શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે કમૂરતામાં વિજય રૂપાણીએ શપથ લીધા હતા. જ્યારે હવે સંભવતઃ ભૂપેન્દ્ર પટેલ 14 ડિસેમ્બરે કમૂરતા પહેલાં શપથ લેશે.

ભાજપ છોડી અપક્ષ લડેલા ઉમેદવારોને ક્યારેય પરત નહીં લેવાય
ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોને ભાજપ પરત ક્યારેય નહીં લે એવું પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે પક્ષે જઇને જીત્યા એમાંથી એકપણને અમે આ ચૂંટણી વખતે પાછા લીધા નથી. અપક્ષો જીતે તેવી કોઈ શક્યતા નથી, જીતે તોપણ તેમને પાછા નહીં લેવાય.

સૌથી વધુ બેઠકો, વોટશેર અને લીડનો રેકોર્ડ બનશે
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું હતું ત્યારે જ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું હતું કે અત્યારે કેટલી બેઠકો જિતાશે એનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી એ અંગે પાટીલે કહ્યું હતું કે ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું હતું, ભલે મતદાન નીચું ગયું, પણ કુલ મતોનો આંકડો ગણીએ તો ગુજરાતમાં 2017 કરતાં 2022માં 11 લાખ મત વધુ પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...