'આપ'ના શિક્ષણમંત્રી પર આક્ષેપ:ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત અને શિક્ષણમંત્રી અહંકારમાં,શું સમાજ આ રીતે આગળ વધી શકશે?: મનીષ સિસોદિયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે ગુજરાતની સરકારી સ્કૂલઓની મુલાકાત લેશે
  • ગુજરાતની સ્કૂલ અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલ ગેરવહીવટનો પર્દાફાશ કરશે

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લેવાના છે. ત્યારે તેઓએ ગત શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનની નિંદા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે અને ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની માંગણી કરે છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જે અહંકારમાં છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે "જેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી, તેણે ગુજરાત છોડીને દિલ્હી જવું જોઈએ".

મનીષ સિસોદિયા મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જશે
આવતીકાલે મનીષ સિસોદિયા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની જ સરકારી શાળાઓની મુલાકાત લેશે અને તેની પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપશે તેવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે. સોમવારે સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવશે. અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ રોડ માર્ગે ભાવનગર જવા રવાના થશે. તેઓની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી પણ ભાવનગર જશે. મનિષ સિસોદિયા ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જ મત વિસ્તાર ભાવનગરમાં તેઓ કેટલીક સરકારી શાળાઓની મુલાકાત કરવાના છે. જો કે ભાવનગરમાં કઈ શાળાઓમાં તેઓ જશે તેની માહિતી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ભાવનગરમાં સ્કૂલોની મુલાકાત બાદ રોડ માર્ગે અમદાવાદ પરત આવશે.

'ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી'
સિસોદિયા સોમવારે ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલઓની મુલાકાત લેશે અને પોતે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ લેશે અને દેશ અને ગુજરાતની જનતા સમક્ષ લાવશે. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી તો આમ આદમી પાર્ટી તેને ગુજરાતની જનતા સુધી લઈ જશે. ગુજરાતમાં યુવાનો માટે સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલના શાસનના મોડલથી જ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુધારી શકાય છે.

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા

'શિક્ષણમંત્રી ગુજરાતની સ્કૂલ-કોલેજો ક્યારે ઠીક નહીં કરે'
સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન કરતાં કહ્યું કે, તેઓ ગુજરાતની સ્કૂલ-કોલેજો ક્યારે ઠીક નહીં કરે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય તે ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દ્રષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે?

અગાઉ ઈશુદાને કહ્યું-કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી
આમ આદમીના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી. આઠ મહિના પછી ગુજરાતમાં આમ આદમીની પાર્ટી સરકાર બનાવશે અને સારી સુવિધા વાળું શિક્ષણ અમે આપીશું. દિલ્હીમાં જે સારી સ્કૂલો બની છે તે અમે ગુજરાતમાં બનાવીશું.

અન્ય સમાચારો પણ છે...