ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની ખાનગી અર્થાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણતા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો છે એવા સંજોગોમાં શિક્ષણ વિભાગ કોઈપણ સંજોગોમાં મુક પ્રેક્ષક ના બની શકે.જ્યારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના સંચાલકોએ આવો નિર્ણય લીધો છે ત્યારે ધોરણ 3થી 12માં ભણતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડશે.
શિક્ષણમંત્રીએ તાકીદે તૈયારીઓ શરૂ કરવા સૂચના પણ આપી
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભમાં GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ) અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને આ અંગેની તાકીદે તૈયારીઓ શરૂ કરવા સૂચના પણ આપી દીધી છે.
વંદે ગુજરાત ચેનલના માધ્યમનો ઉપયોગ કરી ભણાવશે
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધીમાં ધોરણ 9થી 12ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને બાયસેગ દ્વારા પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલના માધ્યમ ઉપરાંત DD ગિરનાર અને યુટ્યુબના માધ્યમથી તથા ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે એ જ માધ્યમનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના નિર્ણયના સંદર્ભમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જોખમાવા દેશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.