ફરજિયાતમાંથી થયું મરજિયાત:ગુજરાત શિક્ષણ બોર્ડ સ્થિર નથી, એક પરીક્ષા માટે 4 પરિપત્ર બદલવા પડ્યા અને અંતે પ્રશ્નપત્ર મરજિયાત કર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9થી 12ની પ્રથમ કસોટી માટે પ્રશ્નપત્ર હવે ફરજીયાત જગ્યાએ મરજિયાત કર્યું

ગુજરાત શિક્ષણ બોર્ડ જાતે જ લીધેલ નિર્ણય પર મક્કમ રહી શકતું નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 9થી 12ની પરીક્ષાને લઈને પ્રશ્નપત્ર બોર્ડ તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રશ્નપત્ર પ્રમાણે જ તમામ શાળાઓએ ફરજીયાત પરીક્ષા લેવી તેવો હુકમ પણ કર્યો હતો. ત્યારબાદ 2 સુધારેલા પરિપત્ર જાહેર કર્યા અને આજે વધુ એક પરિપત્ર જાહેર કર્યો જે મુજબ પ્રશ્નપત્ર બોર્ડના રાખવા ફરજીયાત નથી તેવું જણાવ્યું છે.

ફેરફારના 2 પરિપત્ર શિક્ષણ બોર્ડે જાહેર કર્યા હતા
ગુજરાતમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી શરૂ થાય છે. પરીક્ષામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ એક સરખું પ્રશ્નપત્ર તમામ શાળાઓને આપવામાં આવશે, તે પ્રમાણે પરીક્ષા યોજવી તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ પરીક્ષાના સમય અને ટાઈમ ટેબલમાં ફેરફાર કરતા 2 પરિપત્ર શિક્ષણ બોર્ડે જાહેર કર્યા હતા જે બાદ આજે ચોથો પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ
ગુજરાત શિક્ષણ બોર્ડ

સ્કૂલોની પોતાના કક્ષાએ પ્રશ્નપત્ર નીકળવા છૂટ આપી
શિક્ષણ બોર્ડે જાહેર કરેલ ચોથા પરિપત્ર મુજબ 9થી 12ની પ્રથમ કસોટી માટે અગાઉ જે પ્રશ્નપત્ર બોર્ડ તરફથી આપવામાં આવે તે મુજબ જ પરીક્ષા લેવાની હતી. તેમાં યુ-ટર્ન લઇને હવે પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું છે અને સ્કૂલોની પોતાના કક્ષાએ પ્રશ્નપત્ર નીકળવા છૂટ આપી છે. આ નિર્ણય સંચાલક મંડળ અને શિક્ષકની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે કરવો પડ્યો છે. શિક્ષણ વિભાગના એવા બીજા પણ નિર્ણય છે જેમાં એકવાર લીધા બાદ તે નિર્ણય ખામી ભર્યો હોવાનું જણાતા નિર્ણય પર યુ ટર્ન લેવામાં આવે છે.

શિક્ષક વિભાગ જ્યારે કોઈ પણ નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણય લેતા સમયે કોઈ નિષ્ણાત સંચાલક, આચાર્ય કે શિક્ષકોની કોઈની સલાહ લેતા નથી માત્ર પોતાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે પરંતુ જ્યારે પોતાનો નિર્ણય યોગ્ય ના હોવાની જણાય ત્યારે પરિપત્ર કરીને નિર્ણય બદલી નાખે છે. આ પ્રકારે વારેવારે નિર્ણય બદલાવને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓ પરેશાન થાય છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

ધોરણ-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાત કરવામાં આવી છે: શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કરાયો છે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ 9થી 12ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થવાના પ્રશ્નો રહે છે. એટલા માટે આ નિર્ણય કરાયો છે. ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતીમાં કોર્સ ચલાવવામાં આગળ પાછળ થયુ છે. ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોઇ આ પરીક્ષા યોજવી મુશ્કેલરૂપ છે. તેમજ સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ પોતાનીરીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય છે. આ રીતે સમગ્રશિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોઇ વિદ્યાર્થીઓને નૂકસાન થવાની પણ સંભાવના હોય છે. તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...