ગુજરાતમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરવાથી વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ મળી શકશે.28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકશે.
તજજ્ઞો દ્વારા હેલ્પલાઈન નંબર પર માર્ગદર્શન અપાશે
હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આજથી 12 એપ્રિલ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે. જેના પર ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે.સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.
પ્રથમ વખત ધોરણ-10ના ગણિતની 2 પરીક્ષા અલગ-અલગ દિવસે યોજાશે
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.
ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવતાં પરીક્ષા પાછળ ખસેડાઈ હતી
રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો હતો. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેને કારણે દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા, જેથી સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.