ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધાં છે. ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વને અપનાવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંદિરોમાં દર્શન કરીને પ્રચાર કર્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારોના મોટા મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમો યોજાશે.
કોંગ્રેસ ફરીએક વાર સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવશે
ગત વિધાનસભાની જેમ કોંગ્રેસ ફરીએક વાર સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવશે. જેમાં અવનવા ધાર્મિક કાર્યક્રમો હશે. કોંગ્રેસના સુત્રો જણાવે છે કે, રામકથા, ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે.મહિલા કોંગ્રેસ દ્વારા સત્યનારાયણની કથાઓ, સુંદરકાંડ, જાહેર ભજનસંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
રાહુલ ગાંધીની સભાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
આગામી દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ રાહુલ ગાંધીની સભાઓ માટેની તૈયારીઓ કરવા કમરકસી છે. આગામી દિવસોમાં રાજ્યના ચાર ઝોનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમો યોજાશે. જેમાં નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી સભા સંબોધશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે દિવસ સુધી ભાજપની ચિંતન શિબિર હતી. જ્યારે મહેસાણામાં કોંગ્રેસની બેઠક મળી હતી. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં સભાને સંબોધિત કરી હતી. હવે આગામી સમયમાં મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ તેમની સભાઓ યોજાશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભાઓને સફળ બનાવવા માટે પ્રયાસો તેજ કરી દીધાં છે. તે ઉપરાંત આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
શહેરોમાં મજબૂત થવા કોંગ્રેસનું મનોમંથન
હવે કોંગ્રેસ દ્વારા શહેરોમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, સંગઠનની કામગીરી 90થી 95 ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ ચૂંટણીની તૈયારી થશે. રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગર અમે જીતી શકતા નથી. ત્યાં કેમ કાચા પડ્યા છીએ તે સંશોધનનો વિષય છે. રાહુલ ગાંધી સાથે વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો એ અંગે પણ ચર્ચા કરાઇ હતી. શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે.વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે.
આદિવાસી પટ્ટાની 40 સીટો અંકે કરવા કવાયત
અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં વિધાનસભાની 40 બેઠકો છે. આ બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે આદિવાસી સત્યાગ્રહ શરૂ કર્યો છે. જેમાં સત્યાગ્રહ એપ બનાવીને આદિવાસી સમાજને તેમના પ્રશ્નોની નોંધણી કરીને સરકાર સામે બાંયો ચઢાવવાની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદની રેલીમાં સત્યાગ્રહ એપને જાહેર કરી હતી. હવે કોંગ્રેસ આ વિસ્તારોમાં ચોપાલો કરશે અને લોકોને રૂબરૂ મળીને તેમના પ્રશ્નોની જાણકારી મેળવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.