તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પી.કે. બનશે કોંગ્રેસના સારથિ?:2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી-શાહના હોમ સ્ટેટમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી થઈ શકે છે, ગુજ.કોંગ્રેસનો 25 વર્ષનો વનવાસ પૂરો કરાવશે?

અમદાવાદ23 દિવસ પહેલા
નરેન્દ્ર મોદી સાથે પ્રશાંત કિશોર(બ્લૂ ટીશર્ટ)
  • પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણીનો સરવે શરૂ કર્યો
  • કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના નામની ચર્ચા થઈ હતી
  • ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે

ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કૉંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સરવે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં 25 વર્ષના વનવાસ પુરો કરાવી શકશે કે નહીં તે સૌથી મોટો પડકાર રહેશે.

ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલદી નિર્ણય લેવામાં આવે એ અંગે પણ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવા માટે પણ ચર્ચાઓ થઈ ( ફાઈલ ફોટો)
વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવા માટે પણ ચર્ચાઓ થઈ ( ફાઈલ ફોટો)

ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે
2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. તાજેતરમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 2022 વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધી
પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધી

વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવા ચર્ચા થઈ
આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલદી નિર્ણય લેવાય એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પદો પર તાત્કાલિક નિમણૂક થાય એ માટે હાઇકમાન્ડને રજૂઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત પર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી, જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માગ મૂકે એવી સર્વસંમતિ પણ દર્શાવવામાં આવી છે.

ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર સાથે બે કલાક બેઠક કરી હોવાની ચર્ચા ( ફાઈલ ફોટો)
ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર સાથે બે કલાક બેઠક કરી હોવાની ચર્ચા ( ફાઈલ ફોટો)

ભરતસિંહ સોલંકીએ પીકે સાથે બેઠક કરી હતી
ગુજરાતમાં કોંગ્રેસની એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે એવી માગ ઊઠી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગ રૂપે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી 2012માં મોદી માટે કામ કર્યું હતું
પ્રશાંત કિશારે ગુજરાત વિધાનસભા 2012 ગુજરાત ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું. જ્યારથી તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરી હતી. ભાજપનો 282 સીટ પર વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...