વાચકો-વિપક્ષ DBના સત્યની સાથે:ભાસ્કર EXPOSEની ન્યાયિક તપાસની કોંગ્રેસની ઉગ્ર માગ, શક્તિસિંહે કહ્યું-જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ, હાર્દિક બોલ્યા-જનતા સામે હકીકત લાવો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાચકો અને વિપક્ષે દિવ્ય ભાસ્કરનો અહેવાલ શેર કરી મૃત્યુના આંકડાઓ પર સરકારને ઘેરી
  • કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી, નિખિલ સવાણી અને આમ આદમી પાર્ટીએ અહેવાલ શેર કર્યો

કોરોનાની બીજી લહેર સમગ્ર ગુજરાતમાં ઘાતક બની હતી. આ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મૃતદેહોના ઢગલા થયા હતા. જોકે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા એ પણ હકીકત છે. સરકારના આ ઢાંકપિછોડાનો પર્દાફાશ કરવા DivyaBhaskarએ સિવિલ કોવિડ હોસ્પિટલમાં જઈને 10 એપ્રિલથી 9મે સુધી ત્યાં થયેલાં મૃત્યુના રોજેરોજના આંકડા મેળવ્યા. આ યાદી મુજબ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3416 મોત થયાં હતાં, જ્યારે આ ગાળામાં રાજ્યમાં 3578 અને અમદાવાદમાં 698 મોત થયાં હતાં.

આ અહેવાલ પ્રકાશિત થયા બાદ એના રાજકીય પડઘાઓ પડ્યા છે, જેને પગલે વિપક્ષ હરકતમાં આવી ગયો છે અને કોંગ્રેસના નેતાઓ ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છે. તેની સાથે સાથે અનેક વાચકો પણ DivyaBhaskarના અહેવાલને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

BHASKAR EXPOSEનો સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

સત્ય સ્વીકારવું પડશેઃ શક્તિસિંહ ગોહિલ
DivyaBhaskarના આ એક્સક્લૂઝિવ અહેવાલ અંગે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમાં સરકારે સત્યનો સ્વીકાર કરવો જોઈએ. હું જ ચોર, હું જ કોટવાલ અને હું જ ન્યાયાધીશ એવી નીતિથી સત્ય છુપાઈ શકે નહીં. તમારા અહેવાલ અંગે જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને સત્ય સ્વીકારવું પડશે.

જનતા સામે હકીકત લાવવી જોઈએઃ હાર્દિક પટેલ
જ્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે DivyaBhaskarનો અહેવાલ ફેસબુક પર શેર કરી સરકાર સમક્ષ તપાસના આદેશો આપવાની માગ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આ મુદ્દે સરકારે ખુલાસો કરવો જોઈએ અને તપાસના આદેશ આપવા જોઈએ. મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં છે, જનતા સામે હકીકત લાવવી જોઈએ. વહીવટી વિભાગ પર દોષનો ટોપલો ઢોળીને સરકાર અને તેના નેતાઓ છટકી ના શકે. સરકારે માત્ર ને માત્ર ગુજરાતને ગુમરાહ કરવાનું કામ કર્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશી અને નિખિલ સવાણીએ પણ DivyaBhaskaના અહેવાલને ટ્વીટ કર્યો હતો.

30માંથી 12 દિવસ આખા રાજ્યના મૃત્યુઆંક કરતાં સિવિલમાં વધુ ડેથ
સિવિલ કોવિડ હોસ્પિટલની 30 દિવસની મૃતકોની યાદી ચકાસવામાં આવી તો માલૂમ પડ્યું કે 10 એપ્રિલથી 9 મે દરમિયાન 11 દિવસ તો એવા હતા કે જ્યારે કોરોનાને લીધે આખા રાજ્યમાં થયેલાં મૃત્યુ કરતાં સિવિલ કોવિડ હોસ્પિ.નો મૃત્યુઆંક વધુ હતો. ગુજરાત સરકાર દ્વારા કેવી રીતે આંકડા છુપાવવાનું પાપ કરવામાં આવે છે એ અહીં જ એક્સપોઝ થઈ જાય છે.

એપ્રિલ મહિનાની 10થી 21 તારીખ સુધીના આ 12 દિવસ એવા હતા કે જ્યારે અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલની યાદીમાંના મૃતકોની સંખ્યા રાજ્ય સરકારે જાહેર કરેલા જે-તે તારીખના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતી હતી. આ બાબત ફરી પુરવાર કરે છે કે રાજ્ય સરકારે મૃત્યુઆંક જાહેર કરવામાં કેવી ગોબાચારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...