પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. ગુજરાતમાં છેલ્લાં 50 વર્ષથી આયારામ-ગયારામથી માંડીને લિયારામ-દિયારામ સુધી પક્ષપલટા થતા રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલા ભાજપમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ મોટો ફાળો છે. 2002થી 2022 સુધીનાં 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો અને 2000થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોની ભાજપમાં ભરતી કરી હતી. એ જોતાં હાલ ભાજપમાં 25 ટકા કોંગ્રેસના આયાતી છે.
ભાજપ તોડી શક્યો નથી કોંગ્રેસનો રેકોર્ડ
ગુજરાતમાં ભાજપ સત્તા આવ્યા બાદ સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીએ બનાવી તો દીધો, પરંતુ માધવસિંહ સોલંકીનો સૌથી વધુ 149 બેઠકનો રેકોર્ડ હજુ સુધી ભાજપ તોડી શક્યો નથી. ખાસ કરીને 2002થી 2014 સુધી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. એ પછી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી પણ મુખ્યમંત્રીપદે હતાં, જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદે છે.
મિશન 150+ પાર પાડવા ભાજપે ભરતીમેળો શરૂ કર્યો
ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને 20 વર્ષમાં સૌથી ઓછી માત્ર 99 બેઠક જ મળી હતી. હવે 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે 150+ મિશન પાર પાડવા માટે પાટીદારની સાથે આદિવાસી અને અન્ય સમાજ, જ્ઞાતિને સાથે લેવાનો પ્રયત્ન જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કૉંગ્રેસના ખમતીધર અને વજનવાળા ધારાસભ્યોને ભાજપમાં જોડવાનું પણ અભિયાન હાથ ધર્યું છે.
ઘનશ્યામ ઓઝાથી લઈ કેશુભાઈએ કરવો પડ્યો પક્ષપલટાનો સામનો
1960માં રાજ્યની રચના થઈ અને ડો.જીવરાજ મહેતાની કોંગ્રેસી સરકાર અસ્તિત્વમાં આવી. એના 16 ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું હતું! 1967થી 1971માં 168 પૈકી 101 ધારાસભ્યોએ પક્ષીય વફાદારી બદલી હતી. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલે પક્ષપલટાઓનો સામનો કરવો પડ્યો હતો અને સત્તા ગુમાવી હતી.
છેલ્લાં પાંચ વર્ષમાં 16 ટકા કોંગ્રેસી ભાજપમાં સામેલ થયા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પછી છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 16 ધારાસભ્ય (20 ટકા) ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય એવી શક્યતાઓ છે.
કોંગ્રેસી નેતાઓનાં એ નિવેદનો, જે ભાજપ જોઇન કરતી વખતે આપ્યા હતા...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.