CM રૂપાણીની જાહેરાત:ધાર્મિક અને રાજકીય સહિત તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ, 14 એપ્રિલથી લગ્નમાં 50થી વધુ લોકો હાજર નહીં રહી શકે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે
  • 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી
  • ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી છે. જેને પગલે સફાળા જાગેલા મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે.

મુખ્યમંત્રીએ મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતિ કરી છે.

હાઈકોર્ટે સરકારે કરેલી કામગીરીની એફિડેવિટ કરવા કહ્યું છેઃ રૂપાણી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે.દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે, કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.

ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે.

GMDC ખાતે ઓક્સિજન સાથે 900 બેડની વ્યવસ્થા કરાશે
અમદાવાદની સ્થિતિ અંગે વાકેફ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત સરકારના DRDOના સહયોગથી અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટર ખાતે ઓક્સિજન સાથે 900 બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અમે વિનંતિ કરી છે અને ટૂંક સમયમાં આ વ્યવસ્થા અમલી થશે તેવી અમને આશા છે.

અમદાવાદમાં પ્રતિદિન 35,000 લોકોનું ટેસ્ટીંગ
અમદાવાદમાં હાલ 11,000 બેડની વ્યવસ્થા છે. સાથો સાથ LG હોસ્પિટલ અને VS હોસ્પિટલમાં નવા 200-200 બેડની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. 750 બેડ અન્ય નર્સિંગ હોમ ખાતે ઉભા કરવામાં આવેલ છે. આમ છેલ્લા દસ દિવસમાં કુલ 5000 જેટલા બેડ વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં 1420 સંજીવની રથ દ્વારા ઘરે ઘરે ફરીને 20,000 જેટલા કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. 150 જેટલા ધન્વંતરી રથના માધ્યમથી 7000 લોકોને તપાસવામાં આવ્યા છે. 100 ડોમમાં મફત ટેસ્ટીંગ સુવિધા માટે ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રતિદિન કુલ 35,000 જેટલા લોકોનું ટેસ્ટીંગ થાય છે.

અમદાવાદમાં 300 વેક્સિનેશન સેન્ટર ઉપર પ્રતિદિન 25,000 લોકોનું વેક્સિનેશન થાય છે અને 400 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે જ્યાં લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે. આવી વ્યવસ્થામાં અનેક કર્મચારીઓ જોડાયેલા છે.

સરકારે જાહેર કરેલા નિર્ણયો અંગેના હુકમો
સરકારે જાહેર કરેલા નિર્ણયો અંગેના હુકમો

વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ઉભા કરીશું
છેલ્લા 15 દિવસમાં 15 હજાર બેડ ઉભા કર્યા છે. અમદાવાદમાં 11 હજાર બેડ કાર્યરત છે. વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ઉભા કરીશું. નવી હોસ્પિટલો એક્વાયર કરીને બેડની સંખ્યા વધારાશે. 100 જેટલા ડોમ ઉભા કર્યા છે. રોજ 30000 ટેસ્ટ થાય છે. હજારો લોકો ટેસ્ટની કામગીરી કરી રહ્યા છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથ છે. 104 અને સંજીવની રથની સંખ્યામાં ઉભા કર્યા છે. અમદાવાદમાં 1500 જેટલા સંજીવની રથ છે.

વડોદરામાં 10,000 બેડની વ્યવસ્થા કરી
વડોદરાની પરિસ્થિતિ અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે, 250 જેટલા સંજીવની રથ અને 34 જેટલા ધન્વંતરી રથથી દર્દીઓની ઘરઆંગણે સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં હોસ્પિટલોમાં પથારીઓની સંખ્યા 4000થી વધારીને 10,000 કરવામાં આવી છે જેમાં 1800 ICU બેડ અને 800 જેટલા વેન્ટિલેટર બેડ છે.

સુરતમાં 10 દિવસમાં 3000 બેડ વધારવામાં આવ્યા
સુરતમાં 200 ધન્વંતરી રથ અને 150 સંજીવની રથથી ઘેર-ઘેર સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં 3000 બેડ વધારવામાં આવ્યા છે. સુરતમાં પથારીઓની કુલ સંખ્યા વધીને 10,000 થઈ છે.

રાજકોટમાં 10 દિવસમાં 2400 બેડની સુવિધા ઉભી કરાશે
જ્યારે રાજકોટમાં 68 ધન્વંતરી રથ અને 25 સંજીવની રથથી દર્દીઓની ઘરઆંગણે સારવાર કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસમાં 1500 બેડ વધારવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કુલ 4300 બેડ ઉપલબ્ધ છે અને આગામી 10 દિવસમાં વધુ 2400 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે.

65,૦૦૦ RTPCR સહિત 1.40 લાખ ટેસ્ટ
ગુજરાતમાં ટેસ્ટિંગની સ્થિતિની વિગતો આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ચ મહિના દરમિયાન પ્રતિદિવસ 3૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા આજે રાજ્યમાં પ્રતિદિન 1,40,૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ 13 જિલ્લાઓમાં RTPCR ટેસ્ટની સુવિધાઓ શરૂ કરાશે. RTPCR ટેસ્ટમાં પણ મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં 8,૦૦૦ જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા જ્યારે આજની તારીખે આશરે 65,૦૦૦ જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને એક અઠવાડિયામાં સરકારી લેબોરેટરીઓમાં ટેસ્ટિંગની ક્ષમતા બમણી કરવામાં આવશે.

રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો કયા મહિનામાં કેટલો ઉપયોગ

મહિનોખાનગી હોસ્પિટલસરકારી હોસ્પિટલ
જાન્યુઆરી20,68310,000
ફેબ્રુઆરી19,82525,400
માર્ચ1,63, 71620,800
11 એપ્રિલ સુધી2,14, 05781,36,950

પહેલીવાર 6 હજારથી વધુ કેસ
ગુજરાતમાં નવા કેસો રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18 , વડોદરા શહેરમાં 7 , રાજકોટ શહેરમાં 4 , રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.