CMની સૌજન્ય મુલાકાત:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જર્મનીના એમ્બેસેડર સાથે મુલાકાત કરી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવવા આમંત્રણ આપ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી સાથે જર્મનીના એમ્બેસેડર તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી સાથે જર્મનીના એમ્બેસેડર તસવીર
  • ગુજરાતમાં 10 જેટલી જર્મન કંપનીઓ હાલમાં કાર્યરત છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જર્મનીના એમ્બેસેડર વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. જર્મન એમ્બેસેડરે ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વાણિજ્યના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને પરિણામે 10 ઉપરાંત જર્મન કંપનીઓ અહીં કાર્યરત છે.

મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પુના, હૈદરાબાદ, બેંગ્લુરું જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના રવૈયામાં રાજ્યની એફિસીયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગ ગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે.

ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કેવડીયા જેવા આદિજાતિ વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીના આગવા વિઝનથી વિશ્વ પ્રવાસન સ્થળનું નિર્માણ થઇ શકે તેની પ્રત્યક્ષ અનૂભુતિ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતથી તેમને થશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ જર્મન ઉદ્યોગ કંપનીઓ, તાલીમ સંસ્થાઓની સહભાગીતાની સંભાવનાઓ પર ફોકસ કરવા પણ પરામર્શ કર્યો હતો.

જર્મનીના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલે ઇન્ડો-જર્મન ટુલરૂમ અમદાવાદમાં કાર્યરત છે અને જર્મન કંપનીઓને અનુરૂપ કુશળ માનવબળ માટે વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય તેમ છે તેની ભૂમિકા આ સંદર્ભમાં આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2022માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં જર્મનીને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. આ સાથે જર્મન એમ્બેસેડરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટરૂપે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...