બજેટનું DB એનાલિસિસ:મહિલા અને વૃદ્ધોના સહારે 2022ની ચૂંટણીમાં મિશન@150 પાર પાડવાની તૈયારી, જાણો રૂપાણી V/S પટેલનું બજેટ

અમદાવાદ7 મહિનો પહેલા
  • નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ અને ઉર્જા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત
  • કોરોનાના ખરાબ અનુભવો છતાં આરોગ્ય માટે માત્ર 8% જ વધારો

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે પહેલું બજેટ રજૂ કર્યું હતું. આગલા વર્ષના બજેટ કરતાં 2022-23 માટેના બજેટમાં પટેલની સરકારનું ફોકસ મહિલા અને બાળ વિકાસ પર વધુ રહ્યું છે. આ ક્ષેત્રે તેમણે ફાળવણીમાં 42% જેવો વધારો કર્યો છે. રૂપાણી સરકારે ગત વર્ષે રૂ. 3,511 કરોડ ફાળવ્યા હતા જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 4,976 કરોડ ફાળવણી કરી છે. આ ઉપરાંત આજે રજૂ થયેલા અંદાજપત્રમાં સરકારે નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ માટેના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આમ રાજ્ય સરકારે 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે મહિલાઓ પર વધુ ફોક્સ કર્યું છે.

રાજ્યમાં 2.17 કરોડથી વધુ મહિલા મતદારો
ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 2.17 કરોડ મહિલા મતદારો હતા. જેમાંથી 1.32 કરોડ મહિલાઓએ મતદાન કર્યું હતું. જે 2014ની લોકસભા ચૂંટણી કરતા 1.10 ટકા વધુ મતદાન હતું. જેને કારણે ભાજપને તમામ 26 લોકસભા સીટ જીતવામાં સરળતા રહી હતી. આમ ગુજરાત સરકારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓના મતો અંકે કરવા માટે મહિલાલક્ષી બજેટમાં પણ 42 ટકા જેવો વધારો કર્યો છે.

નાગરિક પુરવઠા, ઉર્જા અને રોજગારી ઉપર ધ્યાન
આજે રજૂ થયેલા બજેટના આંકડા સૂચવે છે કે મહિલા અને બાળ વિકાસ ઉપરાંત સરકારે નાગરિક પુરવઠા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર લક્ષી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફાળવણીની રીતે જોઈએ તો અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે સરકારે બજેટ 25% વધાર્યું છે. તેવી જ રીતે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત યુવાનોને રોજગરલક્ષી તાલીમ આપવા પર ફોકસ કરવામાં આવ્યું છે જેના માટે સરકારે ફાળવણીમાં 22% જેવો વધારો કર્યો છે. આ ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરનું બજેટ 19% વધારી રૂ. 15,568 કરોડ કર્યું છે.

મહામારી સામે જંગ છતાં બજેટમાં આરોગ્યની ઉપેક્ષા
કોરોનામાં સરકારની કામગીરીથી લોકો નારાજ હતા ટે જોતાં લાગતું હતું કે 2022-23ના બજેટમાં આરોગ્ય પર વધુ ખર્ચ કરવામાં આવશે. જોકે ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું બજેટ 8% વધારી રૂ. 12,240 કરોડ કર્યું છે. રૂપાણીની સરકારમાં આરોગ્યના બજેટમાં 14%નો વધારો કરવામાં આવ્યો હતો. આમાં બજેટની જોગવાઈ જોઈએ તો તેમાં પણ જૂની યોજનાઓ તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ માટેના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.

સ્પોર્ટ્સ, પર્યાવરણ જેવી બાબતોની અવગણના
વર્તમાન સરકારના બજેટમાં સ્પોર્ટ્સ, વન અને પર્યાવરણ, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓને લઈને અવગણના કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર ખેલ મહાકુંભનું આયોજન કરે છે પણ સ્પોર્ટ્સ અને તેને લગતી એક્ટિવિટી માટે ફાળવણી જોઈએ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ માટે માત્ર 2% વધારો કરી રૂ. 517 કરોડની જોગવાઈ જ કરવામાં આવી છે. તેવી જ રીતે વન અને પર્યાવરણ માટેનું બજેટ માત્ર 0.44% વધાર્યું છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ જેવા મહત્વના મુદ્દા માટે સરકારે રૂ. 931 કરોડ આપ્યા છે જે ગત વર્ષ કરતાં 2% જેવા વધારે છે.

12 હજાર સુધીના પગારદારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ
સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કાર્યરત મધ્યમ વર્ગને રાહત આપવા વ્યવસાય વેરાના કાયદા હેઠળ હાલના માળખામાં રૂ.6000થી રૂ.8999 તથા રૂ.9000થી 11,999 સુધીની આવક મેળવનાર અનુક્રમે રૂ.80 તથા રૂ.150ના માસિક વ્યવસાય વેરાના બે સ્લેબ નાબૂદ કરી હવે 12000 સુધીના માસિક પગાર કે વેતન મેળવનાર પગારદારોને વ્યવસાયવેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઘટાડાથી આશરે 15 લાખ કરદાતાઓને 198 કરોડની રાહત મળશે.

પગારદારોને મહિને માત્ર રૂ.200નો જ ફાયદોઃ હેમંત શાહ
આજે રજૂ કરાયેલા બજેટ 2022 અંગે જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહે DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું કે, બજેટથી કોઈને લાભ થાય એમ નથી. થોડો ઘણો આમ તેમ વધારો કર્યો છે, પણ કોઈ મોટો વધારો કર્યો નથી. પ્રોફેશનલ ટેક્સ લગાવવામાં આવતો હતો તે રદ કર્યો, તેનાથી 198 કરોડનો ફાયદો થયો એવું એ લોકો કહે છે. હવે 15 લાખ લોકોને 198 કરોડનો ફાયદો થાય, માની લો કે 200 કરોડ તો એ કેટલી રકમ થાય? આખા વર્ષમાં 2000 અને મહિને 200 રૂપિયા. આ કોઈ મોટી રકમની રાહત તેમણે આપી કહેવાય? ખરેખર તો જેમની આવક વધારે છે તેમના પર વધારે પ્રોફેશનલ ટેક્સ નાખવો જોઈએ. સરકારી કર્મચારી જેમને 1.5થી 2 લાખનો પગાર છે એમના પણ 200 રૂપિયા અને જેનો 15000 પગાર છે એનો પણ 200 રૂપિયા એવો પણ વ્યવસાય વેરો છે.

સરકારના કરવેરાની આવકમાં 15000 કરોડનો વધારો થશે
નવો ટેક્સ ન નાંખવા અંગે તેમણે કહ્યું કે, આપણને એમ કહેવાય છે કે અમે કોઈ ટેક્સ નાંખ્યો નથી, પણ આવતા વર્ષે ગુજરાત સરકારના કરવેરાની આવક 15000 કરોડ રૂપિયા વધવાની છે. જુદા જુદા વેરાઓની સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન સહિતના વેરાની આવક તો વધવાની છે, ભલે વેરા નથી વધ્યા.

‘શિક્ષણમાં કોઈ વાસ્તવિક વધારો નહીં’
હેમંત શાહે વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ માટેના ખર્ચમાં 6.62 ટકાનો વધારો થયો છે. જો ફુગાવાનો દર 5 કે 6 ટકાનો ગણાય તો કોઈ વાસ્તવિક વધારો થયો ન કહેવાય. રાજ્યની જીડીપીના માત્ર 1.74 ટકા ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જ્યારે શિક્ષણ નીતિ 6 ટકા કહે છે.

‘આરોગ્યના બજેટમાં વાસ્તવિક 2થી 3%નો વધારો’
આરોગ્ય માટેના બજેટમાં 8.1 ટકાનો વધારો થયો. જો ફુગાવાનો દર 5 કે 6 ટકા ગણાય તો વાસ્તવિક વધારો માત્ર 2 કે 3 ટકાનો જ થયો. આરોગ્ય નીતિ કહે છે કે બજેટમાં 8 ટકા કરતાં વધુ ખર્ચ આરોગ્ય માટે કરવું પણ જોગવાઈ છે માત્ર 5.02 ટકા.

‘કુલ બજેટમાં ગત વર્ષ કરતા દોઢથી અઢી ટકાનો વધારો’
ગયા વર્ષે રૂ. 2.27 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું. હવે તે રૂ. 2.44 લાખ કરોડનું રજૂ થયું છે. એટલે કે બજેટમાં 7.49 ટકાનો વધારો થયો કહેવાય. ફુગાવાનો દર જો 5થી 6 ટકાનો ગણવામાં આવે તો વાસ્તવિક વધારો માત્ર દોઢ કે અઢી ટકાનો જ થયો.