તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSE કરતા અલગ ફોર્મ્યુલા:ગુજરાત બોર્ડના ધોરણ-12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી, ધોરણ-10ના 50 માર્ક્સ ગણાશે, જુલાઈના બીજા અઠવાડીયામાં રિઝલ્ટ આવશે

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 માર્ક ધ્યાનમાં લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

સીબીએસઇમાં ધોરણ 10ની પરીક્ષાના કોઈપણ ત્રણ વિષયમાં મેળવેલા હાઈએસ્ટ માર્કમાંથી 40% વેઈટેજ છે. જ્યારે ગુજરાત બોર્ડ એ તમામ વિષયોના માર્ક ગણીને તેને 50% વેઇટેજ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ રીતે બનશે ધોરણ 12ની માર્કશીટ
ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે બનશે તે અંગે શિક્ષણવિદ અને GST એક્સપર્ટ ડો.જયેશ મોદીએ DivyaBhaskarને જણાવ્યું કે, કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલ માર્ક થાય. જેની સરેરાશ કરતા 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે તે વિષયની પ્રથમ સામાયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલ ગણાય જેના 20 ટકા કરતા 20 માર્ક થાય. જે 25 માર્કમાંથી મેળવેલા ગણાશે. આમ એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક થાય.

ગુજરાત બોર્ડની ધોરણ 12 માટેની ફોર્મ્યુલા
ગુજરાત બોર્ડની ધોરણ 12 માટેની ફોર્મ્યુલા

નીટ-જેઇઇ લેવાશે જ ...
જો કે ધોરણ 12માં માસ પ્રમોશન ભલે આપવામાં આવ્યું હોય, પરંતુ ધો.12 સાયન્સના વિદ્યાર્થી માટે મેડિકલ પ્રવેશની નીટ, ઇજનેરી પ્રવેશ માટેની જેઇઇ લેવાશે જ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાયો નથી
ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું તથા કઈ રીતે આગળ પ્રવેશ આપવો એને લઈને મૂંઝવણમાં છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે, પરંતુ આગળ કઈ રીતે લઈ જવા એ અંગે હજુ નિર્ણય કર્યો નથી. ત્યારે પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે, એ બાદ જ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.

CBSEએ બપોરે ફોર્મ્યુલા જાહેર કરી
CBSE બોર્ડનું 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. એમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, 10મા, 11માનાં ફાઈનલ રિઝલ્ટ અને ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.

શું છે CBSEના ફોર્મ્યુલા
12માનું રિઝલ્ટ તૈયાર કરવાની ડિટેલ્સ આપતાં CBSEએ કહ્યું હતું કે 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.