તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો ભાજપની વિરુદ્ધમાં આવતાં જ ગુજરાત ભાજપના નેતાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને પંજાબના પડઘા ગુજરાતમાં ના પડે એ માટે નવી વ્યૂહરચના ગોઠવવા લાગ્યા હતા. ખાસ કરીને જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાનાં ગામડાંના ખેડૂત મતદારો ભાજપનો સાથ ના છોડે એ માટે ગોઠવણ કરવા લાગ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ સર્વેમાં બહાર આવી છે. 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે, કેમ કે આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.
ખેડૂતો રોષથી મતદાન પર અસર પડી શકે
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ પણ નથી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવના છે.
શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી
જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપની પીછેહટ પાછળનાં એવાં કારણો તારવવામાં આવ્યાં છે કે શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણા સાણા અને સમજુની સાથે જ્ઞાતિવાદ અને પરિવાર તથા સમાજવાદમાં વધુ માનતા હોવાથી રાજકીય પક્ષ કરતાં વધુ ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે, તેથી માત્ર ભાજપના ચિહનથી જીતવું ઘણું અઘરું છે.
પાટીદાર આંદોલનથી હાર મળી હતી
2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે પાટીદાર આંદોલન પડકાર રૂપ બની ગયું હતું. એ સમયે ભાજપના નેતાઓને ગામડાંના ખેડૂત મતદારો પર ભરોસો હતો, પરંતુ પરિણામો અવળાં જ આવતાં એ સમયે ભાજપને જિલ્લા તાલુકા પંચાયતમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હાલની ચૂંટણીમાં ખેડૂત આંદોલનનો ડર તો ભાજપને હતો તેમાં પણ આંતરિક સર્વે પણ ભાજપ માટે ભયજનક આવ્યો. એટલું જ નહીં, પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામોની અસર પણ થઈ શકે એવી શક્યતા છે.
પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો સંક્રમિત થયા; પ્રચાર પર અસર
મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા અને બોર્ડના ચોથા સભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે, જેને પગલે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે એકસાથે ભાજપના આટલા દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ થતાં ભાજપના પ્રચારમાં મોટી ખોટ જોવા મળી રહી છે.
પંજાબની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની જબરદસ્ત જીત
ત્રણ કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત જીત હાંસલ કરી છે. 2022માં થનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણાતી સાત મ્યુનિસિપલ કાઉન્સિલ, 109 મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો હતો. અકાલી દલ, ભાજપ અને આપના દાવા પોકળ સાબિત થયા છે. કોંગ્રેસે સાતેય નિગમમાં જીત મેળવી છે. આ પરિણામોમાં ખેડૂત આંદોલનની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. મ્યુનિ. કાઉન્સિલના 1815 વૉર્ડમાંથી કોંગ્રેસે 1199 બેઠક પર જીત મેળવી છે, જ્યારે અકાલી દલના ભાગે ફક્ત 289 બેઠક આવી છે. એવી જ રીતે, ભાજપને 38, આપને 57, બસપાને 13, સીપીઆઈને 12 અને અપક્ષોને 203 બેઠક મળી છે. આમ, આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની જીતનો આંકડો ભાજપ અને આપથી પણ મોટો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.