ચિંતન બેઠક:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપની તૈયારી, ચૂંટણી ઈન્ચાર્જ, ઝોન-પ્રદેશ પ્રવક્તાઓ અને જિલ્લા દીઠ બે ઈન્ચાર્જની નિયુક્તિ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ - Divya Bhaskar
ડાબેથી નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે બે દિવસીય ચિંતન બેઠક મળી હતી. સંગઠનના વિગતવાર આયોજન અંગે તેમજ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચિંતન બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષો આઇ. કે. જાડેજા, ભાર્ગવ ભટ્ટ અને પ્રદેશ અગ્રણી મહેશ કસવાલા તેમજ પ્રદેશ/ઝોન પ્રવક્તાઓ, જિલ્લા દીઠ બે ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલને પ્રવક્તા બનાવ્યા
અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલને પ્રવક્તા બનાવ્યા

સી.આર.પાટીલે પેજકમિટીની રચના પર વિશેષ ભાર મુક્યો
આ અંગે ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે બે દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપા સંગઠનના વિગતવાર આયોજન અંગે તેમજ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો.

જિલ્લા દીઠ નિમાયેલા બે ઈન્ચાર્જની યાદી
જિલ્લા દીઠ નિમાયેલા બે ઈન્ચાર્જની યાદી

31 જિલ્લામાં જિલ્લા દીઠ બે ઇન્ચાર્જની નિમણૂંક
પંડ્યાએ આગળ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ઐતિહાસિક કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે તે અંગે ભાજપ કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં 8 પત્રકાર પરિષદ અને 9 ખેડૂત સંમેલનો યોજશે. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષો આઇ. કે. જાડેજા અને ભાર્ગવભાઇ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તાઓ, ઝોન પ્રવકતાઓ અને 31 જિલ્લામાં જિલ્લા દીઠ બે ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે.

25 ડિસેમ્બરે સુશાસનદિનની ઉજવણી
ભરત પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, 25 ડિસેમ્બરે ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપ દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે જે અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ બુથમાં વાજપેયીજીના જીવન કવન, સંભારણા અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે તેમજ જિલ્લા દીઠ વર્ચ્યુઅલ બેઠકોનું આયોજન કરી અટલજીને સ્મરણાજંલી અપર્ણ કરવામાં આવશે. 11 ફેબ્રુઆરીએ જનસંઘના સંસ્થાપક એકાત્મમાનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિનને પ્રદેશ ભાજપ દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...