ભાસ્કર એનાલિસિસ:ભાજપને ભય; 2015ની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય અને ખેડૂત મતદારો ભાજપથી વિમુખ થઈ જશે તો?

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.
  • 2015ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસને 47.85% અને ભાજપને 43.97% મત મળ્યા હતા
  • તાલુકા પંચાયતમાં પણ ભાજપ કરતા કૉંગ્રેસ આગળ હતી
  • તાલુકા પંચાયતોમાં ભાજપને 43.32% અને કૉંગ્રેસને 46% મત મળ્યા હતા.
  • મનપામાં પણ 2010માં કૉંગ્રેસ કરતા ભાજપને 20% વધુ મત મળ્યા પણ 2015માં મતોનું અંતર ઘટી 11% થઈ ગયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જેને પગલે હાલ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર પણ નજર કરીએ તો નરેન્દ્ર મોદીનો કરિશ્મા હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પગ નીચેથી સરકી જાય તેવા પરિણામ સામે આવ્યા હતા.ખાસ કરીને ગામડામાં ભાજપને મોટી પછડાટ મળી હતી, તેથી 2020ની ચૂંટણીમાં ભાજપ ગ્રામ્ય મતદારો પર વધુ ધ્યાન આપી રહ્યો છે, પરંતુ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનથી ગામડામાં ખેડૂત મતદારો ભાજપ વિરોધીના જાય તે માટે ભાજપે રાજ્યભરમાં ખેડૂત સમર્થન કાર્યક્રમોની સાથે વિવિધ યોજનાઓની જાહેરાતો કરી હતી.

મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ગામડા ખુંદી વળ્યા
ગુજરાતના ખેડૂતો અને ગામડાના મતદારો શહેર કરતા પણ શાણા હોવાથી ભાજપના મુખ્યમંત્રી, પક્ષ પ્રમુખ ઉપરાંત મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, ગામડાઓ ખૂંદી વળ્યાં હતા. 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ઉંચી આવી હતી, જયારે શહેરી વિસ્તારમાં ભાજપનો દેખાવ બહેતર રહ્યો હતો. ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો ખતરાની ઘંટી છે, જ્યારે કોંગ્રેસ માટે શહેરના મતદારોને રિઝવવા એ થોડું મુશ્કેલ છે. પાંચ વર્ષ પહેલાંની સ્થાનિક ચૂંટણીના પરિણામોએ બન્ને પાર્ટીઓને એવો સંદેશો આપ્યો છે કે 2022માં કોઇ એક પક્ષ નહીં બન્ને પાર્ટીઓ મહેનત કરે અને સત્તા મેળવવા સ્પર્ધામાં આગળ આવે.

2015માં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે જનાધાર ગુમાવ્યો
રાજ્ય ચૂંટણીપંચના આંકડા જોઇએ તો 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 47.85 ટકા અને ભાજપને 43.97 ટકા મતો મળ્યા હતા, જ્યારે તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને 46 ટકા અને ભાજપને 43.32 ટકા મતો પ્રાપ્ત થયા હતા. આ ટકાવારીનો સીધો અર્થ એ થાય છે કે ભાજપ ગ્રામ્ય વિસ્તારમાં જનાધાર ગુમાવતો જાય છે.

નગરપાલિકાઓની ચૂંટણીમાં બન્ને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર
નગરપાલિકામાં બન્ને પાર્ટીઓને મળેલા મતોની ટકાવારી સરેરાશ સરખી છે. બન્ને વચ્ચે બહુ અંતર નથી, પરંતુ મહાનગરપાલિકાઓમાં બન્ને પાર્ટી વચ્ચે 11 ટકાનું અંતર હોવાથી એમ કહી શકાય કે રાજ્યના છ મહાનગરોમાં મોટાભાગના મતદારોએ ભાજપની તરફેણમાં મતો આપ્યા હતા. પાલિકામાં ભાજપને 44.69 ટકા અને કોંગ્રેસને 39.59 ટકા મતો મળ્યા હતા. મહાનગરમાં ભાજપને મળેલા મતોની ટકાવારી 50.13 થવા જાય છે ત્યારે કોંગ્રેસનો વાવટો 41.12 ટકામાં સમેટાઇ ગયો હતો.

2010માં ભાજપ કોંગ્રેસ કરતા આગળ હતો પણ 2015માં પાછળ પડ્યો
2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું તે 2015માં ઘટી ગયું હતું. પાલિકામાં પણ 13 ટકા મતો ભાજપને વધારે મળ્યા હતા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ આ પ્રકારની જ સ્થિતિ હતી. જેમાં કોંગ્રેસને વકરો એટલો નફો થયો હતો. બલ્કે ભાજપ સામે ઝનૂનપૂર્વક ટક્કર આપી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...