ભાજપમાં 'AAP' ઇફેક્ટ:ગુજરાતમાં 'AAP'ના પ્રભાવથી ટિકિટ ફાળવણીની સ્ટ્રેટેજી બદલી, 20% MLAની જ ટિકિટ કપાશે, જૂનાજોગીને વધુ એક તક!

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના વર્તમાન સિનિયર ધારાસભ્યોની ટિકિટ કપાવવાની ચાલી રહેલી વેતરણ વચ્ચે આમ આદમી પાર્ટી(AAP)ની ધમાકેદાર એન્ટ્રી બાદ ભાજપે સ્ટ્રેટેજી બદલી છે. આ સ્ટ્રેટેજી મુજબ, હવે માત્ર 20 ટકા જેટલા ધારાસભ્યોને જ ઘેર બેસાડવામાં આવે એવી શક્યતા છે તેમજ ચૂંટણીમાં જૂના જોગીઓને કાપવાની નો-રિપીટ થિયરી અંગે પણ ફેરવિચારણા કરવામાં આવી હતી.

ચૂંટણીની કમાન સીધી મોદી-શાહના હાથમાં
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકનો લક્ષ્યાંક પાર પાડવા ભાજપે તમામ મોરચે તાકાત લગાવી દીધી છે. ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સીધા જ ચૂંટણીપ્રચારની કમાન સંભાળતા હોય એમ સમયાંતરે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં કાર્યક્રમ યોજી મતદારો સાથે જીવંત સંપર્ક રાખી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત ભાજપની પ્રચાર-પ્રસારની કામગીરીની સતત સમીક્ષા પણ કરી રહ્યા છે.

ચિંતન શિબિરમાં રણનીતિ બદલવાનો નિર્ણય
તાજેતરમાં જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં યોજાયેલી ચિંતન શિબિરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રચાર-પ્રસારને કારણે વ્યૂહરચના બદલવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં ભાજપને હવે કોંગ્રેસની ખાસ ચિંતા રહી નથી, પરંતુ AAPને મળી રહેલા સમર્થનને કારણે ચૂંટણીની રણનીતિમાં ફેરફાર કરવો પડે એવા નિર્દેશ મળે છે. ચિંતન શિબિરમાં અરવિંદ કેજરીવાલ અને AAPને મળી રહેલા જનસમર્થન અંગે ખાસ ચર્ચા થઇ હતી.

રૂપાણી સરકારના મંત્રીઓની વફાદારીનો રિપોર્ટ તૈયાર કરાશે
આ ઉપરાંત જે ધારાસભ્યો-મંત્રીઓના પર્ફોર્મન્સ નબળા છે અથવા તો કોઈ વિવાદમાં આવી ગયા છે તેવાને ઘેર બેસાડી નવાને ટિકિટ અપાશે, જ્યારે બાકીનાને રિપીટ કરવા તરફ હકારાત્મક વિચારણા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂપાણી સરકારના મંત્રીઓ, જેઓ ઘર ભેગા થયેલા છે, તેમની છેલ્લા કેટલાક સમયની ગતિવિધિઓ પર પણ નજર રાખવાની સાથે પક્ષ માટેની તેમની વફાદારી અને કામગીરીનો ખાનગી રિપોર્ટ પણ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...