તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે:અમિત શાહ અમદાવાદ પહોંચ્યા, આવતીકાલે વિકાસ કામોનું લોકાર્પણ કરશે; રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર - Divya Bhaskar
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર
  • રથયાત્રાના એક દિવસ પહેલા અમિત શાહ અમદાવાદ જિલ્લામાં 35 કરોડના 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
  • 11મી જુલાઈએ બોપલ, વેજલપુર અને સાણંદમાં વિવિધ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાવશે

અમદાવાદમાં શહેરમાં કોરોનાના કારણે ગત વર્ષે ન નીકળી શકેલી રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. 11મી તારીખે તેઓ અમદાવાદ જિલ્લામાં અંદાજે 35 કરોડના 1220 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે. જ્યારે અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે.

અમદાવાદમાં ગૃહમંત્રીનો સંપૂર્ણ કાર્યક્રમ ​​​​​
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી જુલાઈએ સાંજે અમદાવાદ પહોંચશે. આ બાદ 11મી જુલાઈએ તેઓ બોપલમાં સિવિક સેન્ટરમાં સવારે 10 કલાકે ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના, તથા વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. બાદમાં 10.45 કલાકે ઔડા રીટિંગ સેન્ટરની મુલાકાત લેશે. આ બાદ 11 કલાકે વેજલપુરમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની મુલાકાત લેશે અને સાંજે 4 કલાકે સાણંદ APMCમાં સરકારની વિવિધ યોજનાનાના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કાર્યક્રમ કરશે. આ બાદ 12મી જુલાઈએ ગૃહમંત્રી સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રીના કાર્યક્રમની પ્રેસ રિલીઝ
ગૃહમંત્રીના કાર્યક્રમની પ્રેસ રિલીઝ

સાણંદમાં આંગણવાડી, રોડ-રસ્તાને લગતા વિકાસકાર્યોનું લોકાર્પણ
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમ જ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસ રૂમનું પણ લોકાર્પણ કરશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત તેઓ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરશે.

ગૃહમંત્રીની એક મહિનામાં બીજી ગુજરાત મુલાકાત
નોંધનીય છે કે આ પહેલા 20મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા 12 જુલાઈના રોજ પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા રૂટ ઉપરાંત અન્ય વિસ્તારમાં કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 10 પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈ ઘરની બહાર નીકળશે તો તેની વિરૂધ્ધ એપેડેમિક એક્ટ, જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટાર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરાશે. દરમિયાન નો ડ્રોન ફ્લાય ઝોન, કર્ફ્યૂ હેઠળના વિસ્તારમાં વાહન પ્રતિબંધિત કરાયા છે અને કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે તેના પણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.