સાચવે ગુજરાત:રિસોર્ટ પોલિટિક્સ અને ધારાસભ્યોના બળવામાં એપી સેન્ટર બન્યું ગુજરાત, પહેલાં રાજસ્થાન અને હવે મહારાષ્ટ્ર

અમદાવાદ3 મહિનો પહેલા
2020માં ગુજરાત લાવવામાં આવેલા રાજસ્થાન ભાજપના ધારાસભ્યો. - Divya Bhaskar
2020માં ગુજરાત લાવવામાં આવેલા રાજસ્થાન ભાજપના ધારાસભ્યો.

રિસોર્ટ પોલિટિક્સ અને બળવામાં ગુજરાતનું નામ હંમેશાં મોખરે રહ્યું છે. અન્ય રાજ્યોની સરકાર સાચવવા કે પાડવા માટે ધારાસભ્યોને ગુજરાત લાવવાનો ટ્રેન્ડ નવો નથી. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. આમ, બે વર્ષમાં જ ફરી ‘સાચવે ગુજરાત’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રિસોર્ટ પોલિટિક્સ અને ધારાસભ્યોના બળવામાં ગુજરાત એપી સેન્ટર બન્યું છે. પહેલાં રાજસ્થાન અને હવે મહારાષ્ટ્રના ધારાસભ્યોને ગુજરાતમાં સાચવવામાં આવી રહ્યા છે.

2020માં રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાતમાં ‘સાચવ્યા’
વર્ષ 2020ના ઓગસ્ટમાં રાજસ્થાનમાં રાજકીય ધમસાણ થયું હતું, જેમાં ભાજપ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે કામે લાગી હતી. ભાજપે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે રિસોર્ટનો આશરો લીધો હતો. રાજસ્થાન ભાજપના 18 ધારાસભ્યને ખાસ ફ્લાઇટમાં ગુજરાત ખસેડાયા હતા. આ ધારાસભ્યોને પોરબંદર લાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ ત્યાંથી સાસણના અલગ અલગ રિસોર્ટમાં લઈ જવાયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવાખોર બનેલા સચિન પાયલોટના 12 જેટલા સમર્થક ધારાસભ્યોને અમદાવાદ નજીકના બાવળામાં આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.

2020માં ગેહલોતના ડરથી ગુજરાતમાં લાવવામાં આવેલા રાજસ્થાન ભાજપના ધારાસભ્યો
2020માં ગેહલોતના ડરથી ગુજરાતમાં લાવવામાં આવેલા રાજસ્થાન ભાજપના ધારાસભ્યો

2017થી 2020 સુધીમાં ત્રણવાર કોંગ્રેસના MLAને અન્ય રાજ્યોમાં લઈ જવાયા
2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 42 ધારાસભ્યોને બેંગલુરૂ સ્થિત ઈગલટોન રિસોર્ટમાં લઈ જવાયા હતા. 2019માં ફરી એકવાર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને પાલનપુરના એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા તેમજ 2020માં રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના ઉદયપુરના રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.

2020ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાનના રિસોર્ટમાં લઈ જવાયેલા કોંગ્રેસના ધારાસભ્યો
2020ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાનના રિસોર્ટમાં લઈ જવાયેલા કોંગ્રેસના ધારાસભ્યો

શંકરસિંહે સરકાર ઊથલાવવા શરૂ કર્યું હતું રિસોર્ટ પોલિટિક્સ
ગુજરાતના રાજકારણમાં રિસોર્ટ પોલિટિક્સ 1995માં શંકરસિંહ વાઘેલાએ શરૂ કર્યું હતું, જેમાં ગુજરાતમાંથી કેશુભાઈ પટેલની ભાજપ સરકાર ઊથલાવવા માટે શંકરસિંહે 46 ધારાસભ્ય સાથે બળવો કરીને તમામ ધારાસભ્યોને ખજૂરાહો ખાતેના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેશુભાઈ સરકારને ઊથલાવી દીધી હતી.

બળવાખોર ધારાસભ્યોને 25થી વધુ ગાડીઓમાં એરપોર્ટ લઈ જવાયા હતા
વર્ષ 1995 ગુજરાતમાં કેશુભાઈના નેતૃત્વમાં ભાજપની પ્રથમ સરકાર બની હતી, પરંતુ એ સમયે ભાજપના જ દિગ્ગજ નેતા એવા શંકરસિંહ વાઘેલાને અસંતોષ ઊભો થતાં તેમણે કેશુભાઈ સરકારના માત્ર આઠ મહિનાના શાસનમાં 46 ધારાસભ્ય સાથે બળવો કર્યો. એ સમયે ભાજપના બળવાખોર ધારાસભ્યોને પહેલા તો શંકરસિંહ વાઘેલાના હોમટાઉન વાસણિયા ખાતે રાખવામાં આવ્યા હતા.એ પછી તમામ બળવાખોર ધારાસભ્યોને અલગ-અલગ 25થી વધુ ગાડીઓમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તમામને એકસાથે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

બળવાખોર ધારાસભ્યો પાસે પહેરેલાં કપડાં સિવાય કંઈ નહોતું
એરપોર્ટ પર પહોંચ્યા બાદ બળવાખોર ધારાસભ્યોએ પૂછ્યું કે અમને ક્યાં લઈ જાઓ છો તો બાપુના સમર્થકોએ કહ્યું હતું કે તમારે બધાએ ખજૂરાહો રિસોર્ટમાં જવાનું છે. એટલું જ નહીં, ધારાસભ્યો પાસે એ સમયે પહેરેલાં કપડા સિવાય કંઈ ન હતું, જેથી તમામ ધારાસભ્યોને ખજૂરાહોના રિસોર્ટમાં કપડાં સહિતની તમામ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.