ગુજરાતના બંદર પર સફેદ ઝેર:UAEથી મુન્દ્રા આવેલું 376 કરોડનું હેરોઇન ઝડપાયું, આયાત કરેલા કાપડના રોલમાં વીંટીને છુપાવ્યો હતો જથ્થો, જાણો મોડસ ઓપરેન્ડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • ગુજરાત ATSએ ઝડપી પાડ્યો 75 કિલો હેરોઇનનો જથ્થો

કચ્છના મુન્દ્રામાંથી વધુ એકવાર હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ 376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનને પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી બાતમી મળેલ હતી કે, છેલ્લા દોઢ બે મહિનાથી મુન્દ્રા પોર્ટ ખાતે એક શંકાસ્પદ કન્ટેનર પડેલું છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શક્યતા છે. આ કન્ટેનર દ્વારા મુન્દ્રાથી પંજાબમાં ડીલીવરી થવાની છે. UAEના અજમલ ફ્રી ઝોનમાંથી આ કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું અને તેમાં રહેલું ડ્રગ્સ પંજાબ મોકલવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બાતમીની ખરાઈ કરી ટીમ મુન્દ્રા રવાના કરી
પંજાબ પોલીસની બાતમીને ગુજરાત ATSની ટીમ દ્વારા વિકસિત કરી શંકાસ્પદ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવી કે,શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વેગેરે મેળવવામાં આવી હતી. આ વિકસિત માહિતીના આધારે ગુજરાત ATSના PI વી. બી. પટેલ, SSOC(સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ), મોહાલી(પંજાબ) પોલીસના સબ ઈન્સ્પેક્ટર કોમલપ્રીતસિંહ શેરસિંહ તથા ગુજરાત ATSના અન્ય અધિકારીઓની એક ટીમ મુન્દ્રા ખાતે રવાના કરવામાં આવી હતી.

કાપડના 64 રોલમાં વીંટ્યું હતું હેરોઇન
મુન્દ્રા ખાતે આવી આ શંકાસ્પદ કન્ટેઇનરને શોધતા કન્ટેનર ઓલ કાર્ગો CFS (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે લોકેટ કરવામાં આવ્યા હતા. જે કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ 4000 કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ, જે 540 કાપડના રોલમાં વીંટાળેલું હતું. જે કાપડના રોલ્સની ઝીંણવટભરી તપાસ કરતા 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલું કુલ 75 કિલો 300 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલા માદક પદાર્થ હાઈ પ્યોરિટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ.376.5 કરોડ થાય છે.

હેરોઇનનો જથ્થો પંજાબ મોકલવાનો હતો
આ હેરોઈનનો જથ્થો ATS તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત ATS ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો UAEના અજમલ ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે પંજાબ મોકલવામાં આવવાનો હતો.

દોઢ બે મહિનાથી પડેલા આ કન્ટેનરમાંથી મળ્યું હેરોઇન.
દોઢ બે મહિનાથી પડેલા આ કન્ટેનરમાંથી મળ્યું હેરોઇન.

ટેક્નિકલ સર્વેલન્સને પણ હંફાવે એવી મોડસ ઓપરેન્ડી
ગુજરાત ATS તબક્કાવાર રીતે ડ્રગ્સ માફિયાઓની કમરના મણકા એક પછી એક તોડી રહી છે, ત્યારે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ પણ હવે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહી છે. ડ્રગ્સ માફિયાઓએ પોલીસ અને ટેક્નિકલ સર્વેલન્સને પણ હંફાવે એવી મોડસ ઓપરેન્ડીથી હેરોઇનનો જથ્થો લાવ્યા હતા.

હ્યુમન ઇન્ટેલિજન્સ હંમેશા ટેકનોલોજીથી પણ એક ડગલું આગળ
ઉલ્લેખનીય છે કે અવારનવાર ગુજરાતના અલગ અલગ પોર્ટ પરથી ડ્રગ્સ મબલખ જથ્થો મળી આવે છે.જ્યારે આ વખતે ડ્રગ્સ મોકલવાની મોડસ ઓપરેન્ડી જોઈને તો ગુજરાત ATSના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ કહેવાય છે કે ને ગુનેગાર ગમે તેટલો ચાલાક કેમ ના હોય પોલીસ હંમેશા ગુનેગાર કરતા એક ડગલું આગળ જ રહેતી હોય છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે ભલે ટેકનોલોજી આગળ વધી રહી છે, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે વિશ્વસનીય બાતમીદારો દ્વારા મળતી બાતમી હંમેશા પોલીસને ગુનેગાર કરતા બે પગલાં આગળ જ રાખતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...