ગુજરાતથી ડ્રગ્સનો રેલો રાજસ્થાન સુધી:ગુજરાત ATSએ જામકલ્યાણપુરના નાવદ્રામાંથી 120 કરોડનું 24 કિલો હેરોઈન ઝડપ્યું, રાજસ્થાનથી બે અને જોડિયાથી એકની અટકાયત

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
ઝડપાયેલા આરોપીઓ
  • અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના રહેણાંક મકાનમાંથી હેરોઈન ઝડપાયું
  • ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી તેમજ હુસેન રાવની જોડિયાથી અટકાયત

પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહી છે, જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્સના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે. આ ઉપરાંત આજે અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, (રહે. નાવદ્રા, તાલુકોઃ જામકલ્યાણપુર)ના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 120 કરોડ છે. આ મામલે લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી તેમજ ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે.

મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલો હેરોઈન ઝડપાયું હતું
તાજેતરમાં 14 નવેમ્બરના રોજ એ.ટી.એસ. ગુજરાતની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી હતી. જેમાં અંદાજિત 120 કિલો હેરોઈનનો જપ્ત કર્યું હતું. આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 600 કરોડની છે. રેડ દરમ્યાન ત્રણ આરોપીઓ મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, સમસુદ્દીન સૈયદ, ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને મોરબી જિલ્લાના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના 12 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયા હતા.

જબ્બાર જોડીયાએ પૂછપરછમાં 24 કિલો હેરોઈનની માહિતી આપી
આ ઉપરાંત, પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, (રહે. નાવદ્રા, તાલુકોઃ જામકલ્યાણપુર)ના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 120 કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબના ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી
આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામી હતી. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હતી. ત્યારબાદ બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી, જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફ બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.

અંકિત જાખડ અને અરવિંદ યાદવ ડ્રગ્સની ડીલીવરી કરવાના હતા
ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવે કરવાની હતી.

ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે. આ ઉપરાંત ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ(જામનગર)નો પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગેંગનો ભોલા શૂટર જેલમાં રહી રેકેટ ચલાવે છે
એટીએસે પકડેલા આરોપીઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્ય ભોલા શૂટર (રહે. પંજાબ) હાલમાં ફરિદકોટ જેલમાં બંધ છે. પરંતુ તે જેલમાંથી બહાર તેના માણસો અરવિંદ યાદવ અને અંકિત જાખડ વગેરે મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવતો હતો. તેના કહેવાથી જ આ ડ્રગ્સનો જથ્થો તેના માણસોને મોકલવામાં આવ્યો હતો.

ભોલા સામે લૂંટ, હત્યા, ખંડણીના ગુના
ભોલા શૂટરનું નામ ભારતભૂષણ શર્મા છે, જે મૂળ પંજાબના ફરિદકોટનો રહેવાસી છે. તેની ઉપર પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં લૂંટ, હત્યા, ખંડણી જેવા સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે. ભોલા અને અંકિત જાખડ લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે.

અન્ય સમાચારો પણ છે...