ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ:મેડિકલ વિઝા પર પરિવાર સાથે ભારત આવેલા અફઘાની યુવકને ATSએ દિલ્હીથી 20 કરોડના 4 કિલો હેરોઇન સાથે ઝડપ્યો

અમદાવાદ24 દિવસ પહેલા

ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપતી નજર છે. પરંતુ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6 મહિના બાદ ગુજરાત ATSએ કરોડો રૂપિયાની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. જ્યારે હવે ગુજરાત ATSએ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરી છે. 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે. આરોપી પોતાના પરિવાર સાથે અફઘાનિસ્તાનથી મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો.

આરોપી 2016માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો
સુરત ક્રાઈમ બ્રાન્ચના ACP બી.પી.રોજીયાએ ગુજરાત ATSને બાતમી આપી હતી કે, અફઘાની નાગરિક વાહીદુલ્લાહે દિલ્હીમાં ડ્રગ્સની હેરાફેરી કરી છે અને 2 ઓગસ્ટે રાતે પણ ડ્રગ્સના મોટા જથ્થાના સપ્લાય માટે આવવાનો છે.બાતમીના આધારે ATSની ટીમ દિલ્હી પહોંચી હતી અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વાહીદુલ્લાહને પકડીને તેની પૂછપરછ કરતા તથા વધુ તપાસ કરતા કુલ 4 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જે મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. 2016માં મેડિકલ વિઝા પર માતા,પિતા,ભાઈ બહેન સાથે દિલ્હી આવ્યો હતો. મેડિકલ વિઝા એક્ષટેન્ડ કરાવી સાઉથ દિલ્હીમાં જ રહેતો હતો આજે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને આપતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તાલીબાન શાસિત અફઘાનથી ડ્રગ્સની સપ્લાય ચિંતાજનક
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે ત્યારે એક તરફ જ્યાં આંતરરાષ્ટ્રીય બીરાદરીમાં આપસી વેપાર કરવો કે કઈ રીતે કરવો તેને લઈને અસમંજસનો માહોલ છે ત્યાં અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોમાં ડ્રગ્સની સીધી સપ્લાય આવતાં ભારત સહિત અન્ય દેશો માટે પણ ચિંતાનો સબબ બન્યો છે. કેમ કે હજી વૈશ્વીક સંગઠનોએ તેમને માન્યતા આપવા અંગે મન નથી મનાવ્યું, જેથી કોઇ કાયદાકીય કાર્યવાહીમાં તેમના પર દબાણ લાવી શકાય તેવી સ્થિતિ પણ હાલ નથી.

મુંબઈમાં પણ આજ રાહે ડ્રગ્સનો કારસો ઝડપાયો
મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આયાતકાર પેઢી બન્નેની સરખી છે કે અલગ તે અંગે હાલ મગનું નામ મરી એજન્સીઓ પાડવા માંગતી નથી.

પોરબંદર પાસે દરિયામાંથી 2 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
6 મહિના પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશીશ, 234 કિલો મેથેમ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ હતી. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે એ પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.

ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે

  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત