સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારે એ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
હાઇવે ઓથોરિટીએ સાવધાનીથી વાહન ચલાવવા સૂચન કર્યું
અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. એને પગલે 50 ફૂટ દૂર પણ બરાબર જોઈ શકાતું ન હતું. એથી વાહનચાલકોને ફરજિયાતપણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે રાજ્યમાં છવાયેલા ધુમ્મસની અસર હાઈવે પર વધારે જોવા મળે છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને NH 48 પર ધુમ્મસ વધારે હોવાથી વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચાલકોને વિનંતી કરી છે.
આજે બપોર બાદ વાદળો વિખેરાવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.
રવિવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે આકાશ વાદળોથી ઘેરાવાની સાથે પવનની ગતિ ઘટી ગઈ હતી, જેને કારણે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું. જોકે બપોર પછી પવનની ગતિ વધી હતી, પણ વાદળોનું પ્રમાણ યથાવત્ રહેતાં વાતાવરણ રહેલા ધૂળના રજકણો ઉપર જવાને બદલે જમીન તરફ આવતાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું.
ધુમ્મસને પગલે અમદાવાદમાં 50 ફ્લાઇટ લેટ
ધુમ્મસને કારણે રવિવારે આ શિયાળાની સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી હતી. સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ, જ્યારે બપોરે એરટ્રાફિકને કારણે ફ્લાઇટોના શેડ્યૂલ ખોરવાયાં હતાં. આ શિયાળામાં એક જ દિવસમાં લેટ પડેલી ફ્લાઇટોનો રેકોર્ડ તૂટ્યો છે. મોટા ભાગની ફ્લાઇટો 45 મિનિટથી માંડી 2 કલાક સુધી લેટ પડી હતી.
બપોરે એક પછી એક ફ્લાઇટના લેન્ડિંગથી રન-વે પર પ્રોબ્લેમ થઈ જતાં અમદાવાદથી ટેકઓફ થતી ફ્લાઇટોએ રાહ જોવી પડી હતી. કેટલીક ફ્લાઇટમાં પેસેન્જર બેસી ગયા પછી પણ પુશબેકમાં વિલંબ થયો હતો. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં એર અરેબિયા, એતિહાદ, એમિરેટ્સ અને સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. એમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.