ભાજપ-કોંગ્રેસમાં બબાલ:કોંગ્રેસ કાર્યાલયમાં યુથ કોંગ્રેસ-NSUIની તોડફોડ, બાયડથી ધવલસિંહના સમર્થકો કમલમમાં ઘૂસ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય સ્થાનિક પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો રહ્યો હતો. પરંતુ હજુ ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી. તેવામાં ભાજપ દ્વારા 12 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે અને વટવામાં લાંબી કવાયત બાદ બાબુસિંહ જાદવને ટિકિટ આપી છે.

ભાજપ કાર્યકરો કમલમ ઘૂસી ગયા
ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાશે તે નક્કી છે. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ પહોંચ્યા હતા.

જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યાર સુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપીટ કર્યા છે.

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આદમી પાર્ટીમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાંથી ચૂંટણી લડશે.

ઉ.ગુજરાતની 20 સીટો પર અસર થશે
વિપુલ ચૌધરીએ બે મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. એક સમયે શંકરસિંહ વાધેલા અને વિપુલ ચૌધરીને કોંગ્રેસમાં જોડાવાની વાતે કોંગ્રેસનું સિનિયર નેતાઓનું એક જૂથ નારાજ થયું હતું.

ફોન કરીને ભાજપે 16 ઉમેદવારોને જાણ કરી
16 ઉમેદવારને ભાજપે ફોન કરી દીધા છે. જિજ્ઞા પંડ્યાને જેવી ના કહેવામાં આવી કે તેની થોડી જ મિનિટોમાં ભાજપે નવા ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને વઢવાણ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. તો અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ પાકી થઈ ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે, અલ્પેશ 17મી નવેમ્બરે ફોર્મ ભરશે.

વાઘોડિયામાં સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો
કોંગ્રેસ દ્વારા રવિવારે મોડી રાત્રે 33 ઉમેદવારની યાદી જાહેર કરી હતી, જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડ અને ડભોઈ બેઠક પર ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક પર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદાર સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધાં હતાં.

સુરતમાં ઓવૈસી પરત જાઓના નારા લાગ્યા
સુરતમાં 159 પૂર્વ વિધાનસભા બેઠકમાં AIMIMની સભા હતી, જેમાં અસદુદ્દીન ઓવૈસીની સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. રૂદરપુરા ખાડી વિસ્તારમાં ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થયા હતા. જોકે આ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાને કારણે ઓવૈસીની નજર આ બેઠક પર છે. ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. AIMIMના નેતા ઓવૈસી સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં સભાને સંબોધતા હતા. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે. આ બેઠક પર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય તો તેમને સફળતા મળે એવી પણ શક્યતા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની સભામાં જ ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ યુવકોએ નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો. પરત જાઓ..પરત જાઓના નારા લાગ્યા હતા.

સુરતમાં સ્થાનિકોએ ઓવૈસીને કાળા વાવટા બતાવ્યા.
સુરતમાં સ્થાનિકોએ ઓવૈસીને કાળા વાવટા બતાવ્યા.

જસદણમાં કુંવરજી બાવળિયાનું શક્તિપ્રદર્શન
રાજકોટ જિલ્લાના એપી સેન્ટર જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરી રિપીટ કરી ટિકિટ આપવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિપ્રદર્શન કર્યું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ ભરતાં પહેલાં કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા. કુંવરજી બાવળિયા રેલીમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા તેમજ મોટી સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાઇને કેસરિયો લહેરાવ્યો હતો. ભાજપના ઝંડા સાથે કાર્યકરો જોવા મળ્યા હતા તેમજ બાવળિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જસદણના આટકોટ રોડ પર આવેલી GIDCથી જસદણ તાલુકા સેવા સદન સુધી 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી બાવળિયાએ શક્તિપ્રદર્શન કર્યું હતું. તાલુકા સેવા સદન ખાતે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે.

કંચનબેન રાદડિયાનું ફોર્મ ભરાવવામાં વર્તમાન ધારાસભ્ય જોડાયા.
કંચનબેન રાદડિયાનું ફોર્મ ભરાવવામાં વર્તમાન ધારાસભ્ય જોડાયા.

ઠક્કરબાપાનગર સીટના ઉમેદવાર ફોર્મ ભરશે
ઠક્કરબાપાનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયા કાર્યકરો અને આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા રવાના થયાં છે. તેમની સાથે મેયર કિરીટ પરમાર, નરહરિ અમીન, ધારાસભ્ય વલ્લભ કાકડિયા, સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો જોડાયા છે. કંચનબેન રાદડિયા ઠક્કરબાપાનગરમાંથી કોર્પોરેટર પણ છે. કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા, ત્યાર બાદ ત્યાંથી ફોર્મ ભરવા જવા સૌ સાથે રવાના થયા હતા. કંચનબેને જણાવ્યું હતું કે તે વિકાસના મુદ્દા પર લોકો વચ્ચે વોટ માગવા જશે. લોકોની પાયાની જરૂરિયાત અને સગવડ પૂરી કરવામાં આવશે. પક્ષે વિશ્વાસ મૂકીને જે જવાબદારી આપી છે એ પૂરી કરીશ.

કાંધલ જાડેજાએ એનસીપી છોડ્યું
કુતિયાણા બેઠક પર એનસીપીના ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. આ વખતે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં કુતિયાણાને બાકાત રખાયું છે. માત્ર નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા એમ ત્રણ બેઠક માટે જ ગઠબંધન કરાયું છે. ત્યારે કુતિયાણાની બેઠક ન સમાવાતાં દબંગ નેતા કાંધલ જાડેજાને એનસીપીએ મેન્ડેટ આપ્યું નહોતું, જેથી નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે. ત્યારે પાર્ટીએ કુતિયાણા બેઠક પર મેન્ડેટ ન આપતાં રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કાંધલે પાર્ટીલાઈનથી અલગ થઈને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યા હતા.

ગૃહમંત્રીનું ગાંધીનગર લોકસભા બેઠકના બે ઉમેદવારને માર્ગદર્શન
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે અમદાવાદની વટવા વિધાનસભા સિવાય તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાતે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાબરમતી વિધાનસભા અને વેજલપુર વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સાબરમતીના ઉમેદવાર ડો. હર્ષદ પટેલ અને વેજલપુરના ઉમેદવાર અમિત ઠાકર અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. વેજલપુર અને સાબરમતીના રાણીપ ખાતે કાર્યાલય પર અમિત શાહ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં હાજર રહેલા ભાજપના કોર્પોરેટરો, કાર્યકર્તાઓનું તેમણે અભિવાદન ઝીલ્યું હતું.

કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં 33 ઉમેદવાર જાહેર કર્યા
વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે આજે એક જ દિવસમાં બીજી યાદી જાહેર કરી છે, જેમાં વધુ 33 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિજ્ઞેશ મેવાણીને વડગામ અને તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 142 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપના બાકી 16 ઉમેદવાર માટે ચર્ચા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે ગાંધીનગર કમલમ્ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહ્યા છે. સી. આર. પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે. ભાજપે અત્યાર સુધી 166 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ત્યારે આ બેઠકમાં બાકીના 16 ઉમેદવારનાં નામને લઇ ચર્ચા કરવામાં આવી રહી છે. અમિત શાહની બેઠક બાદ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી શકે છે, જેમાં ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટાબેન પટેલને ટિકિટ મળી શકે છે. તો મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરી શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડીડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે. તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનાં નામ ચર્ચાઈ રહ્યાં છે.

નારાજ નેતાને મનાવવા કોંગ્રેસે બેઠક કરી
કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલતાં વધુ 6 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓ સાથે આજે બેઠક કર્યા બાદ કોંગ્રેસે 6 નવા ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના નારાજ નેતા મનહર પટેલને બોટાદ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું. અંતે, પાટીદાર નેતાને ટિકિટ આપતાં મનસુખ કાલરિયાનું નામ જાહેર કર્યું છે.

અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષોથી અવાજ ઉઠાવનારા ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમિથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

ઝંખના પટેલની ટિકિટ કપાતાં ચોર્યાસી બેઠક પર વિવાદ વકર્યો
ઇતિહાસમાં પહેલી વખત ચોર્યાસી બેઠકમાં ઉમેદવારની પસંદગીને લઈને ભારોભાર વિરોધ નોંધાતાં ભાજપમાં પણ અંદરઅંદર ગણગણાટ શરૂ થઈ ગયો છે. સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખનાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે, જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં કોળી પટેલ મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...