ભાજપે નો રીપિટ થીયરી અપનાવી:અમદાવાદમાં પટેલ સરકારના મંત્રી સહિત 9 ધારાસભ્યોની ટિકિટ કાપી ઘરભેગા કર્યા; મહિલા, કોર્પોરેટર સહિતના નવા ઉમેદવારને તક

અમદાવાદ20 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ભાજપે આજે 10મી નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ટિકિટનો પીટારો ખોલી દીધો છે. જેમાં અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી 20 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં એકમાત્ર વટવા વિસ્તારની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે રાજ્યમાં ભાજપે નો રિપીટ થીયરી અપનાવી છે. પહેલાં આખેઆખી રૂપાણી સરકારને બદલીને ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી સહિત અમદાવાદ શહેરના અડધોઅડધ ધારાસભ્યોના પત્તા કાપી નાખ્યા છે. ભાજપે નો રીપિટ થીયરીનો અમલ કરીને શહેરના કુલ 9 ધારાસભ્યને ઘરે બેસાડી દીધા છે. તો કોર્પોરેશનની ચૂંટણી જીતેલા નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. પ્રદીપ પરમારની અસારવામાંથી ભાજપે ટિકિટ કાપી છે.

વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એમાં પણ આપે ચૂંટણી જાહેર થાય પહેલાં જ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં 157 ઉમેદવાર અત્યાર સુધી જાહેર કરી દીધા છે. તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ત્યારે આજે 10મી નવેમ્બરે ભાજપે દિલ્હીથી ગુજરાત વિધાસનભાના ઉમેદવારોનું જમ્બો લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અમુક કિસ્સામાં જ ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે. જ્યારે નવોદિતને તક આપવામાં આવી છે.

અમદાવાદમાં 9 ધારાસભ્યોની ટિકિટ કપાઈ
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી રહેલા અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમારની ટિકિટ કપાવામાં આવી છે. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય રહેલા રાકેશ શાહની ટિકિટ કપાઈ છે. જ્યારે વિવાદિત રહેલા નરોડા બેઠક પરથી ધારાસભ્ય એવા બલરામ થાવાણીની વિધાનસભાની ટિકિટ કપાઈ છે. નારણપુરા બેઠક જીતનાર કૌશિક પટેલની પણ ભાજપે ટિકિટ કાપી દીધી છે. વેજલપુરના કિશોર ચૌહાણને પણ આરામ આપી દેવામાં આવ્યો છે. ઠક્કરબાપાનગર સીટ પર વલ્લભ કાકડિયાની ટિકિટ કપાઈ છે. અમરાઈવાડીના અરવિંદ પટેલની ટિકિટ કપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને વોટ આપ્યો હતો, એવા સાબરમતીના અરવિંદ પટેલની પણ ભાજપે ટિકિટ કાપી દીધી છે.

કોને સ્થાને, કોને તક મળી?
વેજલપુર બેઠક પર કિશોર ચૌહાણને સ્થાને અમિત ઠાકરને તક અપાઈ છે. એલિસ બ્રિજ ખાતે રાકેશ શાહને સ્થાને અમિત શાહને ટિકિટ અપાઈ છે. નારણપુરા બેઠક પર કૌશિક પટેલને બદલે જીતેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ છે. નરોડા બેઠક પર બલરામ થાવાણીની જગ્યાએ પાયલ કુકરાણીને તક અપાઈ છે. ઠક્કરબાપાનગર બેઠક વલ્લભ કાકડિયાની ટિકિટ કાપીને મહિલા ઉમેદવાર કંચનબેન રાદડિયાને ટિકિટ અપાઈ છે. મણિનગર બેઠક સુરેશ પટેલની ટિકિટ કાપીને અમૂલ ભટ્ટને તક અપાઈ છે. સાબરમતી બેઠક પર હર્ષદ પટેલને તક અપાઈ છે, ત્યાં અરવિંદકુમાર પટેલ ગત ટર્મ જીત્યા હતા. અસારવા બેઠક પર મંત્રી પ્રદીપ પરમારનું પત્તું કપાયું છે અને દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. તો જિલ્લાની વાત કરીએ તો ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સ્થાને કિરીટસિંહ ડાભીને ટિકિટ ફાળવાઈ છે.

ગત ટર્મ હારનારને પણ તક ન અપાઈ
બાપુનગર બેઠક પર દિનેશસિંહ કુશવાહાને તક આપવામાં આવી છે અહીં 2017માં જાગરૂપસિંહ રાજપૂત કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સામે હારી ગયા હતા. તેવી જ રીતે દરિયાપુર પર કૌશિક જૈનને તક અપાઈ છે. અહીં ભરત બારોટ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ સામે હારી ગયા હતા. દાણીલીમડા બેઠક હારનાર જીતુ વાઘેલાને સ્થાને નરેશ વ્યાસને ઉતારાયા છે. આ સીટ પર કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા હતા. જિલ્લાની વાત કરીએ તો વિરમગામ બેઠક પર હારનાર ડો.તેજશ્રીબેન પટેલની જગ્યાએ હાર્દિક પટેલને તક અપાઈ છે. અહીં ગત ટર્મ કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા હતા.

ઘાટલોડિયાથી ચૂંટણી જીતી મુખ્યમંત્રી બન્યાં
ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોવાની સાથોસાથ ઔડાના ચેરમેન પદે પણ રહ્યાં હતા. ત્યારબાદ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી જીત્યા બાદ તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજયા હતા. તેમને બીજી વખત ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવી છે.

સરકારનો વિરોધ કરી હીરો બનેલા હાર્દિકને વિરમગામની ટિકિટ
અનામતના મુદ્દે હીરો થઇ ગયેલાં પાટીદાર ( પાસ ) નેતાને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. બાદમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. તેમને ટિકિટ આપવામાં આવી છે.

સાણંદમાં ઉમેદવાર રીપિટ
2012થી અસ્તિત્વમાં આવેલી સાણંદ બેઠક પર કરમસીભાઇ પટેલ ભાજપમાંથી વિજેતા થયા હતા. ત્યારબાદ તેમના પુત્ર કનુભાઇ 2017માં ચૂંટણીમાં 7721 મતોથી હરીફ ઉમેદવાર પુષ્પાબેન ડાભીને હરાવીને વિજેતા બન્યાં હતા. તેઓ સીંટીંગ ધારાસભ્ય છે. તેમને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે.

વેજલપુરમાં અમિત ઠાકરને તક
અમિત ઠાકરે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમ જ સિન્ડિકેટ સભ્ય તરીકે તેમ જ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં પૂર્વ બોર્ડ ઓફ ગર્વનર પણ રહ્યાં હતા. મેઘા પાટકર પર ગાંધીઆશ્રમમાં હુમલામાં પણ તેમની સામે ફરિયાદ થઇ હતી. સેટેલાઇટ શિવરંજની ચાર રસ્તા પાસે લોકમાન્ય કોલેજ તથા આનંદાગ્લોબલ સ્કૂલ, વેજલપુરમાં સંચાલન કરે છે. તેમણે ભાજપમાં વિવિધ કાર્યો કર્યા છે. ગુજરાતમાં પ્રદેશ મંત્રી, ઓવરસીઝના પ્રેસિડેન્ટ, દાહોદ જિલ્લાના બે વખતના પૂર્વ પ્રભારી રહ્યાં હતા. પશ્ચિમ બંગાળ તેમ જ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ સક્રિય રહ્યાં હતા. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગુજરાતના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. હાલ તેઓ આણંદ જિલ્લાના પ્રભારી તરીકેની કામગીરી કરી રહ્યાં હતા. અને પ્રદેશ ડિબેટ પેનાલિસ્ટ છે. વિધાનસભાની બેઠક માટે નવો ચહેરો છે.

એલિસબ્રિજમાં શહેર પ્રમુખ અમિત શાહને ટિકિટ
અમિત શાહ પૂર્વ કોર્પોરેટર છે. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પક્ષના નેતાથી માંડીને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે. આ બેઠક છેલ્લાં ચાર ટર્મથી વણિકને જ ટિકિટ ફાળવવામાં આવી રહી છે. હરેન પંડ્યા બ્રાહ્મણ હતા. તેમના નિધન બાદ આ બેઠક પર 2002માં ભાવિન શેઠ વિજયી બન્યાં હતા. 2007, 2012 અને 2017માં આ બેઠક પરથી રાકેશ શાહને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યાં હતા. આ વખતે તેમની સામેના વિરોધના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે. પરંતુ વણિક જ્ઞાતિની વ્યક્તિને ટિકિટ આપવાની પરંપરા જળવાઇ રહી છે.

ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ

નારણપુરામાં જીતુ ભગત
જીતેન્દ્ર રમણલાલ પટેલ તેમના હુલામણા નામ જીતુ ભગતના નામે જ ભાજપમાં ઓળખાય છે. સંગઠનમાં વિવિધ કાર્યો તેમ જ ઇન્ચાર્જ તરીકે જુદી જુદી પ્રવુત્તિઓમાં જોડાયેલા હતા. હાલ તેઓ શહેરના મહામંત્રી તરીકે ભાજપમાં કામ કરી રહ્યાં છે.

નિકોલમાં સિટિંગ ધારાસભ્ય અને મંત્રી રીપિટ
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નિકોલના સિટિંગ ધારાસભ્ય અને મંત્રીમંડળમાં છે. તેઓ ઉદ્યોગ, સહકાર અને માર્ગ અને મકાન વિભાગના તેમ જ પ્રોટોકોલ વિભાગના મંત્રી છે. તેઓ 2012થી અસ્તિત્વમાં આવેલી નિકોલ બેઠક પર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે. તેમને 2022ની ચૂંટણી માટે રીપીટ કરાયાં છે.

જગદીશ પંચાલ
જગદીશ પંચાલ

નરોડામાં નિવોદિત ચહેરો
નરોડામાં ડો. પાયલબેન મનોજકુમાર કુકરાણીને જાહેર કરવામાં આવ્યા છે. તે નવો ચહેરો છે. પરંતુ તેઓ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામ કરતાં હતા. તેમના પિતા મનોજભાઇ પણ વર્ષોથી ભાજપમાં જોડાયેલા છે. જયારે ડો. પાયલબેનની માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે.

ઠક્કરબાપાનગરમાં પાટીદાર મહિલાને ટિકિટ
કંચનબેન વિનુભાઇ રાદડિયા ઠક્કરબાપાનગર વોર્ડના જ કોર્પોરેટર છે. તેઓ હાલ વોટર સપ્લાય કમિટીના સભ્ય છે. અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. પરંતુ ઠક્કરબાપાનગર વિધાનસભાની બેઠક માટે નવો ચહેરો છે.

બાપુનગરના કોર્પોરેટરને ટિકિટ
દિનેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહ બાપુનગર વોર્ડના જ કોર્પોરેટર છે. ભાજપ સાથે વર્ષોથી જોડાયેલાં છે. બાપુનગર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે નવો ચહેરો છે.

ડો. હસમુખ પટેલ
ડો. હસમુખ પટેલ

અમરાઇવાડીમાં લેબોરેટરી ટેસ્ટ, ડો. હસુમખ પટેલને ટિકિટ
અમરાઇવાડી વિસ્તારમાં ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ લેબોરેટરી ચલાવતાં હોવાના કારણે જાણીતા છે. કોરોનાના સમયમાં સારી સેવા કરી હતી. આ બેઠક પર 2017માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. પરંતુ તેઓ લોકસભાની બેઠક પર વિજેતા બનીને સાંસદ બન્યા હોવાથી 2019માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં જગદીશ પટેલ વિજેતા બન્યાં હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ વિધાનસભાના ઉમેદવાર તરીકે નવો ચહેરો છે.

દરિયાપુરમાં કોર્પોરેટર કૌશિક જૈનને ઉતાર્યા
કૌશિક જૈન વિદ્યાર્થી નેતાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સેનેટ સભ્યથી માંડીને સિન્ડિકેટ સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં રહ્યાં હતા. તેઓએ કોર્પોરેશનમાં પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અનેક કમિટીઓમાં પણ રહ્યાં હતા. તેઓની હાલ અનેક બસો એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.માં દોડે છે. તેઓ ભાજપમાં શહેર ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીના સ્વાગત દરમિયાન ભૂષણ ભટ્ટ
નરેન્દ્ર મોદીના સ્વાગત દરમિયાન ભૂષણ ભટ્ટ

જમાલપુર- ખાડિયામાં હાર છતાં ફરી તક
ભૂષણ અશોક ભટ્ટ પૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા અશોક ભટ્ટ વર્ષો સુધી આ બેઠક પરથી વિજેતા થતાં હતા. તેઓ પૂર્વ કોર્પોરેટર છે. તેઓ 2012માં ભાજપમાંથી આ બેઠક પર ચૂંટણી લડીને ધારાસભ્ય થયા હતા. જયારે 2017માં હરીફ ઉમેદવાર ઇમરાન ખેડાવાલા સામે 6187 મતોથી હાર્યા હતા. તેમને ફરીવાર આ બેઠક પર રીપીટ કરવામાં આવ્યા છે.

મણિનગરમાં અમૂલ ભટ્ટને લોટરી
અમૂલ ભટ્ટ મણિનગર વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે વિજેતા થઇને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકયાં છે. તેમનું યાદીમાં પાછળથી લિસ્ટમાં નામ મૂકવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જ્યારે મહેશ કસવાલાને અન્યથી બેઠક આપવાની હોવાથી તેમનું નામ છેલ્લી ઘડીએ કમી કરવામાં આવ્યું હોવાની વર્તુળોમાં ચર્ચા છે.

અસારવામાં મંત્રીને પડતાં મૂકી મહિલાને ટિકિટ ફાળવાઈ
દર્શનાબેન વાઘેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર તેમ જ પૂર્વ ડેપ્યુટી મેયર છે. જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા. ત્યારે દર્શનાબેન ડેપ્યુટી મેયર તરીકે સેવા આપતાં હતા. તેઓ ધારાસભ્યના ઉમેદવાર તરીકે નવો ચહેરો છે.

નરેન્દ્ર મોદી સાથે બાબુ જમના પટેલ
નરેન્દ્ર મોદી સાથે બાબુ જમના પટેલ

દસક્રોઇમાં બાબુ જમના રીપિટ
બાબુભાઇ જમનાદાસ પટેલ સિટિંગ ધારાસભ્ય છે. તેઓ 2002, 2007, 2012 તથા 2017 છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાયા છે. પાટીદાર નેતા પણ છે. અનેક સંસ્થાઓમાં તેઓ જોડાયેલા છે. પાંચમી વખત તેમને આ જ બેઠક પરથી રીપિટ કરાયાં છે.

ધોળકામાં નવો ચહેરો
કિરીટસીંહ સરદારસીંહ ડાભી નવો ચહેરો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં છે. તેઓ જિલ્લા ડેલીગેટ કમિટીના ચેરમેન હતા. તેમ જ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ હતા. સાથોસાથ તેઓ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક સાથે પણ જોડાયેલા છે. ધારાસભ્યની બેઠક માટે નવો ચહેરો છે.

ધંધુકામાં હાર છતાં ફરી તક અપાઈ
કાળુભાઇ ડાભી 2017માં ભાજપમાંથી જ ટિકિટ આપી હતી. પરંતુ તેઓ હરીફ ઉમેદવાર રાજેશ ગોહીલ સામે 5920 મતોથી હાર્યા હતા. છતાં તેમને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે.

નરેશ વ્યાસ
નરેશ વ્યાસ

દાણીલીમડાની અનામત બેઠક પર પૂર્વ કોર્પોરેટરને ઉતાર્યા
નરેશભાઇ શંકરલાલ વ્યાસ પૂર્વ કાઉન્સિલર છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલાં છે. જ્યારે ભાજપને ગણતરીની બેઠકો મળતી હતી. ત્યારે તેઓ કોર્પોરેટર તરીકે ભાજપની બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ ભાજપમાં સતત સેવા આપી રહ્યાં હતા.

સાબરમતીમાં હર્ષદ દાઢીને ટિકિટ
ડો. હર્ષદ રણછોડભાઇ પટેલ તેઓ હર્ષદ દાઢીના નામથી ઓળખાય છે. તેઓ ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ છે. શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. મહીસાગર કે અરવલ્લીના પ્રભારી હતા. રાણીપમાં જૂના કાર્યકર્તા છે. સંઘમાંથી રાણીપ કાર્યક્ષેત્રમાં કામગીરી કરતાં હતા.

અન્ય સમાચારો પણ છે...