ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાઈ રહી છે. આજે શરૂ થયેલી આ બેઠકમાં સમગ્ર દેશના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પહેલાં જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાને લઈને થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન, જિતુ વાઘાણી અને મનીષ સિસોદિયા એક જ ગાડીમાં વિદ્યા સમીક્ષા કેમ્પ જવા માટે રવાના થયા હતા.
અગાઉના વિવાદને જોતાં ફરી કોઈ ચૂક ના થાય એનું ધ્યાન રખાયું
થોડા સમય અગાઉ મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જિતુ વાઘાણીના એ નિવેદનને કારણે રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ નિવેદન બાદ ભાજપના અનેક નેતાઓ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયા હતા, પરંતુ જો આ વખતે મનીષ સિસોદિયા કોઈ વિવાદાસ્પદ નિવેદન કરે તો ફરી વિવાદ સર્જાઈ શકે એવી આશંકાને કારણે જિતુ વાઘાણી તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા. હવે આ બાબતે કયું કારણ જવાબદાર છે એ અંગેની અનેક અટકળો વહેતી થઈ છે.
તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓએ BISAGની મુલાકાત લીધી
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સહિત વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ આજે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયો ઇન્ફોર્મેટિક્સ (BISAG), ગાંધીનગરની મુલાકાત લીધી હતી. BISAGનું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે, જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે.
BISAG રાજ્યમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે
હાલમાં BISAG કૃષિ, જમીન અને જળ સંસાધન, વ્યવસ્થાપન, પડતર જમીન/વોટરશેડ વિકાસ, વનસંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણને લગતાં આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભૌગોલિક-અવકાશી તકનિકોનો અમલ કરવા માટે કામ કરી રહી છે. SATCOMમાં અપલિંક અર્થ સ્ટેશન, કંટ્રોલ રૂમ, ટીવી સ્ટુડિયો અને પ્રાપ્ત વર્ગખંડોનું નેટવર્ક સામેલ છે. આ નેટવર્કનો ઉપયોગ માઈક્રોસોફ્ટ અને TCS દ્વારા આયોજિત .net અને java શિક્ષણ સત્રો માટે વ્યવહારુ તાલીમ પ્રસારિત કરવા માટે થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.