ઓવૈસીની પાર્ટીને ઝટકો:ગુજરાત AIMIMના ઉપપ્રમુખ શમશાદખાન પઠાણે પાર્ટી છોડી, કહ્યું- રોજ એક રાજીનામું પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શમશાદખાન પઠાણે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યાના જાણ કરી - Divya Bhaskar
શમશાદખાન પઠાણે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યાના જાણ કરી
  • પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા પાસે પાર્ટીને કઈ તરફ લઇ જવી તેની બ્લુપ્રિન્ટ જ નથી: શમશાદખાન પઠાણ
  • ઓવૈસીની મુલાકાતના બે બાદ પ્રદેશ ઉપપ્રમુખ શમશાદ પઠાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે અસદુદિન ઓવૈસીની AIMIM પાર્ટીમાં ગુજરાતમાં નેતાઓ વચ્ચે ખટરાગ શરૂ થયો છે. AIMIM પ્રદેશ ઉપપ્રમુખ શમશાદખાન પઠાણે આજે AIMIMના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં પણ પાર્ટીમાંથી કેટલાક લોકો રાજીનામું આપે તેવી પૂરી શક્યતા છે. સાથે પઠાણે પાર્ટીમાંથી રોજ એક રાજીનામું પડશે તેવો દાવો કર્યો છે.

ચૂંટણી માટેની તૈયારીઓને લઈને કાબલીવાલા પર આક્ષેપ
શમશાદખાન પઠાણે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં હવે ચાટૂકા નેતાઓની જરૂર હોય તેવું લાગે છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને પાર્ટી ચલાવવાનો કોઈ અનુભવ નથી અને તેઓની પાસે પાર્ટીને કઈ તરફ લઈ જવી તેની બ્લુ પ્રિન્ટ કે રોડ મેપ નથી. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. પરંતુ તેઓની પાસે કોઈ બ્લૂપ્રિન્ટ તૈયાર નથી અને તેઓને હવે ચાટુકા નેતાઓની જરૂર હોય તેવું લાગે છે અને મને એ રીતે પસંદ નથી.

ઓવૈસીને મળવા ન દેવાયાનો આરોપ
બે દિવસ પહેલાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસુદુદિન ઓવૈસી અમદાવાદ આવ્યા ત્યારે તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા. જાહેરમાં જે રીતે કાર્યક્રમ હતો. ત્યાં જ મળ્યા હતા પરંતુ તેઓની સાથે કોઈ પણ પ્રકારની મિટિંગ કે વાતચીત કરવા દેવામાં આવી ન હતી. માત્ર પ્રદેશ પ્રમુખ જ તેમને મળ્યા હતા.

ટિકિટ વહેંચણીની કાબલીવાલાને બીક લાગતી હોવાનો આરોપ
સાબીર કાબલીવાલા પર આક્ષેપ કરતાં પઠાણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ટિકિટની વહેંચણી કરવાની હોય છે. તેઓને બીક લાગી રહી છે કે, જો ઓવૈસીને કોઈ મળે તો ચૂંટણીમાં ટિકિટને લઇ લોચો પડી જાય માટે માત્ર તેઓ જ ઓવૈસીને મળ્યા હતા. આગામી દિવસોમાં હવે પાર્ટીમાંથી રોજ એક રાજીનામું પડશે.

રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી લાગ્યા છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIMના નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં બે દિવસ પહેલાં જ ઓવૈસી અમદાવાદ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...