લાંબા સમયથી શિક્ષક બનાવવા થનગનતા લાખો ઉમેદવારની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિના મધ્યમાં TETના બે પાર્ટની એક્ઝામ લેવાશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
TET-1 અને TET-2ની અરજીની તારીખ લંબાવાઈ તેનો પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
મળતી માહિતી અનુસાર TET-1ની કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે. જ્યારે TET-2ની કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.
TET-1નું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો...
TET-2નું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો...
શિક્ષણમંત્રીએ ખુશખબર આપી
શિક્ષક બનવા થનગનતાં લાખો બેરોજગાર યુવાઓ માટે આજે ખુશીના સમાચાર આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તા.23/04/2023ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.
TET-1/2 મુદ્દે કોંગી નેતાના ટ્વિટના 15 દિવસ બાદ જાહેરાત
પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર લીડર અર્જુન મોઢવાડિયાએ 3 માર્ચે ટ્વિટ કરીને TET-1/2ની પરીક્ષા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 વર્ષથી TET-1/2 પરીક્ષા લેવાઈ નથી. B.Ed પાસ 3 લાખ યુવા બેરોજગાર છે. ચૂંટણી પહેલા રાજકીય લાભ ખાટવા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નવી સરકાર બન્યાના 3 મહિના થયા છતાં પરીક્ષાનો અત્તોપત્તો નથી. ભાજપ સરકાર યુવાઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરે, પરીક્ષાની જાહેરાત કરે.
2022માં અંતમાં ફોર્મ ભરાયા હતા
તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટેટ અંગે ટ્વિુટ કરીને માહિતી આપી હતી. ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાનું 21 ઓક્ટોબરથી 16 જાન્યુઆરી સુધી ફી ભરવાનો સમયગાળા લંબાવાયો હતો. જે અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
2017-18માં TET-1-2ની અગાઉ એક્ઝામ લેવાઈ હતી
માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
બેરોજગારોએ સરકારને પત્ર લખીને આંદોલનની ચીમકી આપી હતી
ગુજરાતમાં TET અને TAT પરીક્ષાઓનું આયોજન ન કરાતા 2017થી બીએડ, પીટીસી અને ડીએલએડ પાસ યુવાનો બેરોજગાર રહ્યા હતા અને શિક્ષક બની શક્યા નહતા. જેથી રાજ્યના ચારેક લાખ યુવાઓની ધીરજ ખુટી હતી અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું , કે જો 10 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાના આયોજન સંબંધી જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં આમરણાંત ઉપવાસ સહિત આંદોલન છેડાશે. સરકારની આ નીતિના કારણે ઘણા યુવાનો તો ઉંમર મર્યાદા પણ વટાવી ગયાં છે અને હવે ક્યાંયના રહ્યાં નથી. તેથી તુરંત પરીક્ષાનું આયોજન કરીને તેમાં વય મર્યાદામાં પણ છૂટ આપવી જોઇએ. તેવી માંગણી સાથે રાજ્યભરમાંથી આવેલા યુવાનો સચિવાલય આસપાસ એકઠા થયા ત્યારે પોલીસની ફોજ ઉતારી બાદમાં તમામને પોલીસના ડબ્બામાં બેસાડીને સત્યાગ્રહ છાવણી પર લઇ જઇને ત્યાં ઉતારી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.