હાઈકોર્ટની લાલ આંખ:સ્કૂલોમાં ફાયર સેફ્ટી ફરજિયાત, શહેરની 650 સ્કૂલો-કોલેજો પાસે નથી; સ્કૂલોએ પોતાના ખર્ચે ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા પડશે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર.
  • રાજ્યમાં હાલ 5,199 જેટલી સ્કૂલોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી
  • કોર્ટના કડક વલણથી ફાયર સેફ્ટી વગર સ્કૂલો ચલાવનારા સંચાલકોમાં ફફડાટ ફેલાયો

રાજ્યભરની સ્કૂલોમાં ફાયર એનઓસી-ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે ફાયર સેફ્ટી મામલે મહત્વના નિર્દેશો જારી કર્યા છે. શહેરમાં અંદાજે 650 સ્કૂલ-કોલેજો અને ટ્યૂશન ક્લાસીસ એવા છે જેમની પાસે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી નથી. સ્કૂલોએ સ્વખર્ચે ફાયર સેફ્ટી સાધનો નાખવા અને સ્કૂલોના સ્ટાફને ઇમરજન્સી વખતે ફાયર એક્સ્ટિંગ્યુશરના ઉપયોગની તાલીમ ફરજિયાત આપવા કોર્ટે નિર્દેશ કર્યો છે.

સ્કૂલોએ સરકાર પાસે સાધનો માટે કોઇ અપેક્ષા રાખવાની નથી. બાળકોની તમામ જવાબદારી સ્કૂલોની રહેશે. આ પ્રકારની બેફકરાઇ કેવી રીતે ચલાવી શકાય? સ્કૂલોની બેજવાબદારીને કારણે હજારો બાળકોના જીવ જોખમમા મુકાઇ જાય તેની પરવા કેમ નથી? નિર્દોષ બાળકોના જીવન સાથે કોઇ કેવી રીતે રમી શકે? ફાયર સેફ્ટી મુદ્દે અગાઉ હાઇકોર્ટે શ્રેય હોસ્પિટલનું સીલ ખોલવાની અરજી પણ ફગાવી દીધી હતી.

શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગકાંડની તપાસ મેજિસ્ટ્રેટને બદલે ચીફ મેજિસ્ટ્રેટને સોપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે
શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગકાંડની તપાસ મેજિસ્ટ્રેટને બદલે ચીફ મેજિસ્ટ્રેટને સોપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે

શ્રેય અગ્નિકાંડની તપાસ ચીફ મેજિસ્ટ્રેટને સોંપવાનો આદેશ
શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગકાંડની તપાસ મેજિસ્ટ્રેટને બદલે ચીફ મેજિસ્ટ્રેટને સોપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. તપાસનો રિપોર્ટ 16મી એપ્રિલે કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. કોઇપણ હિસાબે કેસની ટ્રાયલમાં વિલંબ થવો ન જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 ઓગસ્ટે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા હતા.

આદેશનો અનાદર કરનારી સ્કૂલોની માન્યતા રદ થશે
સરકાર સ્કૂલોને ફાયર સેફટી સાધનો નાખવાનો આગ્રહ નથી રાખતી જેના કારણે સંખ્યાબધ્ધ સ્કૂલો ફાયર સેફટીના સાધનો વગર ચાલી રહી છે. જ્યાં સુધી પૂરતી ફાયર સેફટી ન લાગી જાય ત્યા સુધી સરકારે જ ફાયર સેફટી વગરની સ્કૂલોને કેટલીક મંજૂરી ન આપવી જોઇએ. કોર્ટે જારી કરેલા નિર્દેશોનું સ્કૂલો પાલન નહીં કરે તો તેમની માન્યતા રદ કરવામાં આવશે.

ફાયર એલાર્મ ભલે મોંઘા હોય પણ દરેક સ્કૂલે ફરજિયાત નાખવા પડશે : હાઇકોર્ટ
કોર્ટે તેના અવલોકનમાં ઠેરવ્યું છે કે, તમામ સ્કૂલોએ ફાયરને લગતી તમામ સગવડો ભલે મોંધી હોય છતા ફરજિયાત કરવાની રહેશે. ફાયર એલાર્મ મોંઘા હોય છે પરતું તે જરૂરી છે. તેને નાખવાથી બાળકો અને સ્ટાફ દુર્ઘટના બને તે પહેલા જ બહાર નીકળી શકે છે. તેથી ફાયર એલાર્મ ફરજિયાત નાખવાના રહેશે અને નિયમિત તેને કાર્યરત રાખવાની સર્વિસ કરવાની જવાબદારી સ્કૂલોની રહેશે. અચાનક આગ લાગે તો ઇમરજન્સીમાં બાળકોએ કયાથી બહાર નીકળવું? તે અંગે તાલીમ આપવાની રહેશે.

આ જિલ્લાની સ્કૂલોમાં ફાયર NOC નથી
વડોદરાની 579, સુરતની 77, જામનગરની 72, જૂનાગઢની 152, રાજકોટની 461 અને ગાંધીનગરની 28 સ્કૂલો ફાયર એનઓસી વગર જ ચાલે છે. આ ઉપરાંત પાલિકાના વિસ્તારમાં આવતી 3830 સ્કૂલો પણ ફાયર એનઓસી વગર જ ચાલે છે. ફાયર સેફ્ટી અને એનઓસી વગર ચાલતી સ્કૂલોનો આટલો મોટો આંકડો સાંભળીને હાઇકોર્ટની બેન્ચે નિરાશા વ્યક્ત કરી હતી. બેન્ચે અવલોન કર્યું હતું કે, આ અત્યંત ચિંતાજનક બાબત છે. બાળકોની જિંદગી પર રોજે રોજનું જોખમ છે.

કોર્ટે કહ્યું હતું સ્કૂલો નાગરિકોના જીવ જોખમમાં મૂકીને વ્યવસાય કરી શકે નહીં
6 દિવસ પહેલા ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત, હોસ્પિટલો, સ્કૂલ, ફેક્ટરી વગેરેના સંચાલકોની આકરી ટીકા કરી હતી અને રાજ્યની 58,000 ઇમારતો પાસે ફાયર NOC નહીં હોવાની હકીકત પ્રત્યે લાલઘૂમ થઇ નિર્દેશ કર્યો હતો કે ફાયરના નિયમોનો અમલ નહીં કરનારી હોસ્પિટલોને બંધ કરવી જોઇએ. આવી હોસ્પિટલો અને સ્કૂલો નાગરિકોના જીવને જોખમમાં મૂકીને પોતાનો ધંધો-વ્યવસાય કરી શકે નહીં.

ફાયર સેફ્ટી વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરો
આ ઉપરાંત ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે રાજ્યની જે ઇમારતો, ફેક્ટરીઓ, સ્કૂલો, હોસ્પિટલો કે પછી અન્ય કોઇ પણ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય અથવા તો NOC ન હોય તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

ફાયર સેફ્ટીના અમલ મુદ્દે હાઈકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા
રાજ્યમાં સતત બની રહેલી આગ દુર્ઘટનાઓ મામલે હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીના અમલીકરણ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા છે. આ સવાલોમાં જો બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય અને હોસ્પિટલમાં ના હોય તો શું થાય? બિલ્ડીંગમાં હોસ્પિટલની પરવાનગી કઈ રીતે અપાય છે? બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાય?.વડોદરા અને રાજકોટની શું સ્થિતિ છે એ જણાવો.

તે સમયે એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું કે, ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂંક અપાઈ છે. જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમજ તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર 15 દિવસમાં નિમણૂક થશે.

અન્ય સમાચારો પણ છે...