તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંકોત્રીનો કોરોનામય કલેવર:કોરોના ગીત સાથે ગાઇડલાઇને સ્થાન લીધું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે હવે લગ્નની કંકોત્રીએ પણ પોતાનો કલેવર બદલ્યો છે. કંકોત્રીમાં લખાણમાં ખાસ પ્રકારના ફેરફાર આવ્યાં છે. કંકોત્રીમાં ટહુકામાં લગ્ન ગીતોના સ્થાને કોરોનાના ગીતો અથવા તો ‘તકેદારી જ સુરક્ષા’ના મેસેજ અપાયા છે. આ પ્રકારના લખાણથી મહેમાનોને કોરોનાની જાગૃતિ અને તેની તકેદારી અંગેનો મેસેજ આપી આમંત્રિત કરાયાં છે. આવી કંકોત્રીથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ યુવા વર્ગે કર્યો છે.

ટહુકામાં લોકોને માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સાથે દો ગજ કી દૂરીની તાકીદ કરાઇ છે. લગ્નમાં પધારવા પર પણ ભાર મુકાયો છે. સાથે જ ચાંલ્લો લખાવવા ઓનલાઈન ક્યુ-આર કોડ પણ લેવાયો છે. આમ સમય સાથે લોકો પ્રસંગને માણવાનું ચૂકી રહ્યાં નથી. પોતાની કંકોત્રીમાં પણ કોરોનાની સાવચેતીને સ્થાન આપ્યું છે.

કોરોનાને પગલે કંકોત્રીમાં કોરોના ગીત લખ્યું
કંકોત્રીમાં સૌથી વધુ ધ્યાન ડિઝાઇન સાથે લખાણ પર પણ અપાયું છે, કેમકે આપણે સંબંધીઓને શબ્દોના પ્રેમથી આમંત્રિત કરીએ છે. મેં પણ મારા નવી રીતે કંકોત્રી ડિઝાઇન કરી છે. જેમાં કોરોનાને લઇને આખું ગીત મૂક્યું છે. જે મારા પિતાએ મહેમાનો માટે લખ્યું છે. - ઉન્નતિ પંચાલ, બ્રાઇડ

આમંત્રણમાં સેફ્ટિનો મેસેજ
ભલે લગ્નમાં સરકારે માત્ર 100 લોકોને આમંત્રિત કરવાની પરવાનગી આપી છે પણ કંકોત્રી તો છપાવવી જ પડે છે. અમે પણ મર્યાદિત કંકોત્રી છપાવી છે અને આ કંકોત્રીમાં લોકોને આમંત્રિત તો કર્યા છે સાથે જ માસ્ક અને સેનેટાઇઝરનો યુઝ કરવાનો ખાસ સંદેશો આપ્યો છે. - બ્રિજેશ પ્રજાપતિ, ગ્રૂમ

​​​​​​​કોરોના ગીત : નમસ્તે કરીશું ભેટીશું નહીં
આવ્યો છે રૂડો અવસર લગ્નનો અમ ઘરે
આમંત્રણ આપું છું આપને પ્રેમભાવે...
કોરોનાને માત આપી છે અને આપીશું
કપરા કાળમાં પણ સાથે રહીશું...
સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને
અવસરને પાર પાડીશું હેમખેમ...
માસ્ક પહેરીશું હાથ સેનેટાઇઝ કરીશું
જમતા પહેલા અને પછી હાથ ધોઇશું...
છૂટાછૂટા ઉભા રહીશું અને માણીશું આ પ્રસંગને
બહુ સમયે મળીશું તેના આનંદમાં દૂરી રાખીને રહીશું..
નમસ્તે કહી આવકારીશું, ભેટીશુ નહીં
કન્યાને પણ નમસ્તે કહી વિદાય કરીશું...
વસ્તુ તથા ગિફ્ટપ્રથાને આપીશું જાકારો
કેશ-ચેક-ઓનલાઇન ચાંલ્લો કરીશું...
બંધ કવરમાં આપીશું આશીર્વાદ દંપતીને
જમવાનો નહીં કરીએ બગાડ...
જરૂર પધારશો અમ અવસરે ખુલ્લા દિલથી...
કોરોનાને હરાવીએ આ કોરોનાને - ઉન્નતિ પંચાલ

અન્ય સમાચારો પણ છે...