સ્કૂલ ફીમાં રાહત મુદ્દે વાલીમંડળો અને શિક્ષણમંત્રી વચ્ચે બેઠક મળે તે પહેલાં જ વાલીમંડળોમાં ભાગલા પડતા ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ સામે ગુજરાતના અન્ય વાલી મંડળોએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
શિક્ષણ મંત્રી સાથેની મીટિંગમાં માત્ર એક વાલીમંડળના બે વાલીઓને બોલાવતા અન્ય વાલીમંડળોએ વિરોધ કર્યો હતો. ફી માફીની પહેલી મીટિંગમાં તમામ વાલી મંડળને બોલાવાયા હતા, જ્યારે બીજી મીટિંગમાં શા માટે માત્ર એક જ વાલી મંડળને બોલાવવામાં આવ્યા તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. અન્ય વાલીમંડળોએ મંગળવારે થયેલી મીટિંગના નિર્ણયને માનવાનો ઇનકાર કરી આક્ષેપ કર્યો છે ઓલ ગુજરાત વાલીમંડળના પ્રતિનિધિઓએ સરકાર સાથે કંઇક ગોઠવણ કરી છે.
વાલી સ્વરાજ્ય મંચના સંયોજન અમિત પંચાલે જણાવ્યું કે, ગાંધીનગર સર્કિટ હાઉસમાં સ્કૂલ સંચાલકો સાથે મીટિંગની અમને અગાઉ જાણ કરી ન હતી. સંચાલકોની વાલીમંડળો સામે રજૂઆત હતી કે જે સ્કૂલોની 15 હજાર કરતા ઓછી ફી છે તેમની ફીમાં 10 ટકા જ રાહત માટે વાલીમંડળોએ સરકારને કહેવું. જેની ફી વધારે છે તેમની 50 ટકા ફી માફ થાય તેનો સાથે અમે આપીશું. આ વાતનો મેં વિરોધ કર્યો. કારણ કે ઓછી ફી વાળી સ્કૂલોના વાલીની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે.
અમે વિરોધ કર્યો એટલે મીટિંગમાં બોલાવ્યા નહીં
શિક્ષા રક્ષાના અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું હતું કે, વિરોધ કરતા વાલીઓને ન બોલાવ્યા એનો મતલબ એ છે કે સરકાર સાથેની મીટિંગમાં નરેશ શાહની કોઇ મિલીભગત અને ગોઠવણ છે. અમે વાલીઓના હિતમાં સાચુ બોલાનારા છીએ. અમારા વિરોધને કારણે જ અમને શિક્ષણમંત્રીએ બોલાવ્યા નથી.
કોર્ટમાં પક્ષકાર હોવાથી બોલાવ્યા હતા
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું- અમે પિટીશનર પણ છીએ. શિક્ષણમંત્રીએ અમને બોલાવ્યા એટલે અમે મળવા ગયા હતા. અમે શિક્ષણમંત્રીને પણ કહ્યું હતું કે બીજા મંડળોને બોલાવો, પરંતુ અમે પીટીશનર હોવાથી તેમને અમારી સાથે વાત કરવી હતી. અમે 50 ટકા ફી માફી માંગીએ છીએ.
બધી માગણી કેબિનેટમાં મૂકીશું
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- અમે સંચાલકો-વાલીને સાંભળ્યા હતા. હવે તમામની માંગોને કેબિનેટમાં મૂકીશું. ત્યારબાદ અંતિમ નિર્ણય કરીશું. ગુજરાતમાં કોઇ રજીસ્ટર્ડ વાલી મંડળ નથી. નરેશ શાહ હાઇકોર્ટમાં પિટિશનર હોવાથી તેમને બોલાવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.