લીલાં શાકભાજી મોંઘાં થયાં:ગવાર, ચોળી, કોથમીર પેટ્રોલથી પણ મોંઘાં થયાં, APMCમાં પ્રતિ કિલો રૂ.40થી 60માં મળતી કોથમીર શહેરમાં 140 રૂપિયે વેચાય છે

અમદાવાદ2 દિવસ પહેલા
  • કિલો વાલોળનો છૂટક ભાવ રૂ. 100થી 120, ચોળી-ગવાર રૂ.150ના કિલો, છૂટક બજારમાં દોઢા ભાવ વસૂલાતા હોવાની ફરિયાદો
  • હોલસેલ વેપારીઓની જેમ રિટેલર્સ પણ તેમનું માર્જિન 50થી 75 ટકા વધુ રાખી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર લોકોના બજેટ પર જોવા મળી રહી છે ત્યારે તહેવારોના સમયે જ લીલાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલ રૂ. 100ને પાર થયા બાદ હવે ગવાર, વાલોળ, ચોળી, કોથમીર, મેથીના ભાવ પણ રૂ. 100ને પાર થઈ ગયા છે.

એપીએમસીમાં સારી ગુણવત્તાવાળી કોથમીર રૂ.40થી 60 પ્રતિ કિલોના ભાવેે મળી રહી છે, જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં તે છૂટકમાં રૂ. 140થી 150ના ભાવે વેચાઈ રહી છે. એપીએમસીમાં ગવાર રૂ. 90 પ્રતિકિલો, ચોળી રૂ. 100 પ્રતિ કિલો અને કોથમીર રૂ. 80 પ્રતિ કિલોના ભાવ છે. જ્યારે છૂટક બજારમાં આ શાકભાજી દોઢાથી વધારે ભાવે વેચાતી હોવાની ફરિયાદો ઊઠી છે. હોલસેલ વેપારી પોતાનું માર્જિન વધારી રહ્યા છે તે જ રીતે રિટેલર્સ પણ તેમનું માર્જિન 50થી 75 ટકા ઊંચું રાખીને તકનો લાભ લઈ રહ્યા છે. કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં જ 1 કિલો વટાણાના ભાવ રૂ.100થી 135 બોલાતા હોવાથી છૂટક માર્કેટમાં વટાણાનાં ભાવ રૂ. 150થી 200ની રેન્જમાં બોલાઈ રહ્યા છે. વરસાદે વિદાય લેતા પહેલાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં કોથમીર, ગવાર અને મેથીના પાકને નુકસાન થયું છે.

મેથી, કોથમીરના ભાવ પેટ્રોલ કરતાં ઊંચા ચાલી રહ્યા છે. શહેરમાં છૂટકમાં મેથીના કિલોનો ભાવ પણ રૂ.150ની આસપાસ છે. ચોમાસું છતાં લીંબુંનો છૂટક બજારમાં ભાવ રૂ.60થી 80ના પ્રતિકિલો ચાલી રહ્યો છે. આમ કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં મળતા શાકભાજી ભાવ કરતાં બમણા ભાવ લઈને છૂટક વેપારીઓ લૂંટી રહ્યા છે. શાકભાજીના વેપારીઓ નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટીનું મિશ્રણ કરીને ઊંચા ભાવ પડાવી રહ્યા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવ વધ્યા
અમદાવાદ એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યભરમાં તેમ જ અન્ય રાજ્યોમાં ભારે વરસાદના કારણે લીલાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડા સાથે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાની અસર પણ શાકભાજી પર થઈ રહી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 10થી 15 દિવસમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

હોલસેલ બજારમાં શાકભાજીના ભાવ

શાકભાજીહોલસેલ ભાવ (કિલોનો ભાવ)છૂટક ભાવ (કિલોનો ભાવ)
બટાકા5થી 925થી 30
ડુંગળી10થી 3850થી 60
વાલોળ30થી 55100થી 120
ચોળી90થી 100150થી 170
ગવાર80થી 90140થી 150