ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રના વિદ્યાર્થીઓ પુરાણ સમયના 259 પ્રાચીન ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરશે. સાહિત્ય, વ્યાકરણ, અલંકાર સંપ્રદાય, ન્યાયદર્શન જેવા વિષયો સામાન્ય લોકો પણ સમજી શકે તે ભાષામાં તૈયાર કરશે. ઉપરાંત કેન્દ્ર દ્વારા 259 અર્વાચીન ગ્રંથોનું ડિજિટલાઇઝેશન કરાયું છે, જે આગામી સમયમાં ઓનલાઇન જોઈ શકાશે.
મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રની સ્થાપના
ભારતમાં રહેલું ઘણું અર્વાચીન સાહિત્ય લુપ્ત અવસ્થા સુધી પહોંચ્યું છે. જો આવનારા સમયમાં તેની જાળવણી કરવામાં ન આવે તો તે ભવિષ્ય પેઢી માટે ઉપલબ્ધ નહીં રહે, પરંતુ આવનારા સમયમાં પણ આ અર્વાચીન અને મહત્ત્વનું સાહિત્ય જળવાઈ રહે તે માટેના પ્રયાસના ભાગરૂપે યુનિવર્સિટીએ મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે. હાલમાં એક ટ્રસ્ટ દ્વારા પણ યુનિવર્સિટીને 75 કૃતિની ભેટ અપાઈ છે. જો નાગરિકો પાસે કોઈ પૌરાણિક કાળની કૃતિ હોય તો યુનિવર્સિટીને આપી શકે છે. આ અંગે મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રના ડિરેક્ટર પ્રો. મયૂરી ભાટિયાએ જણાવ્યું કે, લોકો આપણી પરંપરા, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદોના સમયની કૃતિઓને પોતાની ભાષામાં માણી શકે તે માટે ખાસ આ કેન્દ્રની શરૂઆત થઈ છે.
મોટા ભાગનાં પુસ્તકો પૌરાણિક સંસ્કૃત ભાષામાં છે
ગુજરાત યુનિવર્સિટીને મળેલાં મોટા ભાગના પુસ્તકો પૌરાણિક સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. આથી આ કૃતિઓને પહેલાં આધુનિક સંસ્કૃત લિપિમાં તૈયાર કરાશે. ત્યાર બાદ તેનો ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં અનુવાદ કરાશે. ઘણાં પુસ્તકોના કાગળ સાવ છીદ્ર સ્થિતિમાં છે, જેથી સૌથી પહેલાં આ તમામ કૃતિની ડિજિટલ કોપી તૈયાર કરાઈ છે.
કર્મકાંડની કૃતિઓ વધારે
ભાષાંતર થનારી કૃતિઓમાં કર્મકાંડ આધારિત પુસ્તકોની સંખ્યા વધારે છે. આ પુસ્તકોના ભાષાંતર બાદ સામાન્ય લોકો પણ જાણી શકશે કે પહેલાંના સમયમાં વિવિધ યજ્ઞ, વિધિ માટે કયા શ્લોક બોલાતા, શું પદ્ધતિ રહેતી અને તેનું ફળ શું નક્કી કરાયું હતું?
કયા વિષયના કેટલાં પુસ્તકો?
વિષય | પુસ્તકો |
સાહિત્ય | 57 |
વ્યાકરણ | 76 |
અલંકાર સંપ્રદાય | 19 |
ન્યાયદર્શન | 32 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.