અમદાવાદ:મહેસાણા ખાતે GTUના પાંચમાં GIC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રિસર્ચ કરાશે

લોકાર્પણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ સેન્ટર આત્મનિર્ભર ભારત અભિયાનમાં યોગદાન પૂરું પાડશે - Divya Bhaskar
આ સેન્ટર આત્મનિર્ભર ભારત અભિયાનમાં યોગદાન પૂરું પાડશે
  • અદ્યતન સુવિધાથી સુસજ્જ જીઆઈસી સેન્ટર અંતર્ગત ડિઆઈસી,એઆઈસી અને ટીબીઆઈ સેન્ટર પણ કાર્યરત રહેશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ સંશોધનના વિકાસ કરવા માટે અને ઉદ્યમીઓ તથા રીસચર્સ વચ્ચે સંકલન સાધવા માટે વર્ષ-2010માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ (જીઆઈસી)ની સ્થાપના કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ,ઈનોવેટર્સ અને ફેકલ્ટીઝના ગુણવત્તાયુક્ત સંશોધનને સહયોગી થવાનો છે. આજરોજ મહેસાણા સ્થિત અને જીટીયુ સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જીપેરી) ખાતે જીટીયુના 5મા જીઆઈસી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના લક્ષ્યને વેગ પૂરો પાડશે
ઉદ્ધાટન પ્રસંગે મહેસાણા જિલ્લાના સાંસદસભ્ય શારદબેન પટેલે જણાવ્યું હતું કે,જીપેરી જીઆઈસી સેન્ટર દ્વારા ઈન્ડસ્ટ્રીઝ એકેડમી કમિટીની રચના કરીને ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રિસર્ચ કરાશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનમાં યોગદાન પૂરું પાડશે. જ્યારે ઉંઝા વિધાનસભાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના સ્ટાર્ટઅપકર્તાઓને વતનમાં રહીને જ વિવિધ રિસર્ચ સંબધીત લાભો મળશે. જે સ્ટાર્ટઅપ ઈન્ડિયાના લક્ષ્યને વેગ પૂરો પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીપેરીના પ્રિન્સિપાલ ડૉ. એ.એમ. પ્રભાકર અને જીઆઈસીના ડાયરેક્ટર ડૉ.સંજય ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતાં.

ઉંઝા વિધાનસભાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ
ઉંઝા વિધાનસભાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ

ઉત્તર ગુજરાતના સ્ટાર્ટઅપકર્તા વિદ્યાર્થીઓને સહાય અપાશે
જીઆઈસી અંતર્ગત એસએસઆઈપી, આઈપીઆર, સ્ટાર્ટઅપ ગુજરાત, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, ડિઝાઇન ઇનોવેશન સેન્ટર, સીઆઈસી જેવા વિવિધ કેન્દ્રો પણ ચલાવવામાં આવશે. જે નવા ઉદ્યોગ અને ઉત્પાદનોની વૃદ્ધિની પ્રક્રિયામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સ્ટાર્ટઅપકર્તા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવશે. જીટીયુ દ્વારા અમદાવાદ,રાજકોટ, સુરત અને વડોદરા ખાતે જીઆઈસી સેન્ટર કાર્યરત છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ મુવમેન્ટને વેગ મળે અને વિવિધ ઉદ્યોગોને પણ તેમની જરૂરીયાતને આધારે નવા ઈનોવેશન થકી લાભ મળે તે હેતુસર જીટીયુ જીપેરી ખાતે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

સ્ટાર્ટઅપ ક્ષેત્રે વાયબ્રન્ટ ઈકો સિસ્ટમનું નિર્માણ થશે
જીપેરી ખાતે લોકાર્પણ પામેલ અદ્યતન સુવિધાઓથી સુસજ્જ ઇનોવેશન સેન્ટરમાં કોવરકિંગ સ્પેસ, મીની ફેબ લેબ, સેમિનાર હોલ,ફંડીગ તેમજ મેન્ટરીંગ સપોર્ટ જેવી વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાથી સ્ટુડન્ટ પોતાના ઇનોવેશનને સ્ટાર્ટઅપ સુધી રજીસ્ટ્રર કરાવીને ઇન્ડસ્ટ્રીઝમાં મહત્વનો ભાગ ભજવશે. આ સેન્ટર થકી ઉત્તર ગુજરાતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે વાયબ્રન્ટ ઈકો સિસ્ટમનું નિર્માણ થશે. ગુજરાત અને દેશની આર્થિક અને ટેક્નિકલ પ્રગતીમાં બહુ મોટો ફાળો પૂરો પાડશે. વધુમાં જીટીયુ દ્વારા પ્રાથમિક સ્તરના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનનો વિકાસ થાય તે સંદર્ભે, સમયાંતરે મુલાકાત કરાવવામાં આવશે. તેમજ મેવડ પ્રાથમિક શાળા ખાતે જીટીયુ તરફથી 2 કૉમ્પ્યુટર સિસ્ટમ અને 1 પ્રિન્ટર પણ આપવામાં આવ્યું હતું.