નવા કોર્સની શરૂઆત:GTU નવા શૈક્ષણિક સત્રથી યુજી-પીજી લેવલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિત 6 નવા કોર્સ ભણાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી - ફાઇલ તસવીર
 • માસ્ટર ડિગ્રી લેવલના કોર્સમાં 18 બેઠક, જ્યારે ગ્રેજ્યુએશન લેવલના કોર્સમાં 60 બેઠક રહેશે

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ સહિત 9 યુજી અને પીજી લેવલના કોર્સ શરૂ કરશે. એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ કોર્સ શરૂ કરવાની મંજૂરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં મળનારી બીઓજીની બેઠકમાં મંજૂરી લેવાશે. માસ્ટર ડિગ્રી લેવલના કોર્સમાં 18 બેઠકો, જ્યારે ગ્રેજ્યુએશન લેવલના કોર્સ માટે 60 બેઠક રહેશે. આગામી જૂન 2022-23થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી શરૂ થનારા કોર્સમાં પ્રવેશ સહિતની વિગતોની સત્તાવાર રીતે ટૂંકમાં જાહેરાત થશે.

જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં શુક્રવારે કુલપતિ ડો. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં વિવિધ પીજી સ્કૂલોના ડાયરેક્ટરોએ કોર્સ શરૂ કરવાની દરખાસ્ત મુકી હતી. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના અમલને કેન્દ્રમાં રાખીને જીટીયુ આ કોર્સ શરૂ કરશે. કેન્દ્રની એનઈપીની જોગવાઈઓના ભાગરૂપે તેમજ સમયની માગને અનુરૂપ મલ્ટીડિસિપ્લિનરી કોર્સ શરૂ થશે. એકવીસમી સદીના હાઈટેક યુગમાં દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ સહિતના ઉભરતા ક્ષેત્રો ગણાય છે.

દરમિયાન જીટીયુની એકેડમિક કાઉન્સિલની જાન્યુઆરીમાં યોજાનાર પદવીદાન સમારોહની મંજૂરી લેવામાં આવી છે. જે અંતર્ગત ઈજનેરી, ફાર્મસી સહિતના યુજી અને પીજી લેવલના કોર્સના આશરે 59,000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટેની મંજૂરી લેવામાં આવશે.

નવા શરૂ થનારા કોર્સમાં હોસ્પિટલ મેનેજમેન્ટનો પણ સમાવેશ કરાયો

 • બીઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ
 • બીએસસી ડિઝાઈન
 • બેચલર ઓફ ફાર્મસી
 • એમબીએ (ઈન્ટિગ્રેટેડ કોર્સ)
 • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન હોસ્પિટલ મેનેજમેન્ટ
 • એમઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ડાટા સાયન્સ
 • એમએસસી (બાયો ઈન્ફોર્મેટિક્સ)
 • એમએસસી, બાયો ટેકનોલોજી
 • એમઈ ઈન સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ

IIT-ઉદ્યોગ નિષ્ણાતોની મદદ લેવાશે
વિદ્યાર્થીઓને ઈમર્જિંગ ટેકનોલોજીના કોર્સમાં અભ્યાસ કરવાની તક મળી રહે અને રોજગારીની વિપુલ તકો આવવાની છે. બોર્ડ ઓફ સ્ટડીસના સભ્યો સિનિયર ફેકલ્ટીસ અને આઈઆઈટી અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો સાથે સંકલન અને વિચાર વિમર્શ કરીને કોર્સ ડિઝાઈન કરાશે. - ડો. નવીન શેઠ, કુલપતિ,જીટીયુ

ગત વર્ષે 20થી વધુ કોર્સ શરૂ કરાયા હતા
ગયા વર્ષે નવી શૈક્ષણિક નીતિ મુજબ જીટીયુમાં આશરે 20થી વધુ યુજી અને સર્ટિફિકેટ લેવલના વિવિધ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ફાર્મસી, કેમેસ્ટ્રી, ડેટા સાયન્સ, ઈન્ડિયન નોલેજ સિસ્ટમ ઈન્ટરનેટ ઓફ થિગ્સ (આઈઓટી) કુલ 12 જેટલા કોર્સ શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...