ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન મેળવેલું છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણ અને તેની લગતી વિવિધ સ્પર્ધામાં પણ જીટીયુ સતત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા, નેશનલ રોબોકોન ઈવેન્ટ ડિજિટલ માધ્યમ થકી યોજાઈ હતી. નેશનલ લેવલની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી જીટીયુની 2 સહિત કુલ 6 ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ચીન દ્વારા આપવામાં આવેલી થીમ “થ્રોઈગ એરો ઈન ટુ ધ પોર્ટ” પર નિરમા યુનિવર્સિટીની ટીમ પ્રથમ સ્થાને રહી હતી. જ્યારે જીટીયુની બન્ને ટીમે અનુક્રમે દ્રિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે જીટીયુની ટીમ ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઈન્ટરનેશનલ રાઉન્ડ માટે કુલપતિએ શુભકામના પાઠવી
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રોબોટિક્સ જેવા ઉભરતાં ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વિવિધ સંશોધન આત્મનિર્ભર ભારત અભિયાનમાં વિશેષ ફાળો પૂરો પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેર અને જીઆઈસી ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણે જીટીયુ રોબોકોન ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણી અને વિદ્યાર્થીઓને અભિનંદન સહિત ઈન્ટરનેશનલ રાઉન્ડ માટે શુભકામનાઓ પાઠવી હતી.
3 સ્ટેજમાં નેશનલ રોબોકોન સ્પર્ધા યોજાઈ
એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા વર્ષ- 2020-21 માટે ડૉક્યુમેન્ટેશન, વિડિયો સબમિશન અને ફાઈનલ રાઉન્ડ એમ 3 સ્ટેજમાં નેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી કુલ 23 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ રાઉન્ડમાં પ્રથમ તથા દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરનાર જીટીયુની ટીમ આગામી ડિસેમ્બર માસમાં ચીન ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
વિવિધ શાખાના 34 વિદ્યાર્થીઓએ રોબોકોન ટીમમાં ભાગ લીધો
ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુની બન્ને રોબોકોન ટીમમાં 7 જુદી-જુદી વિદ્યાશાખાના કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં સોફ્ટવેર અને મિકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને રોબર્ટ્સ સંબંધિત ડૉક્યુમેન્ટેશન, વિડિયો સબમિશન અને ફાઈનલ રાઉન્ડમાં પ્રોજેક્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. આગામી ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.