ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) અને સ્ત્રી ચેતના એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ખાતે વિદૂષી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની ઉજવણી કરવામાં આવશે. જીટીયુના કુલપતિ પ્રો . ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાશે.
આ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્કીલ બેઝ્ડ પ્રતિભાઓને ફાળો અતિ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આજની મહિલાઓ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પામેલ છે. જે આત્મનિર્ભર ભારતમાં પણ વિશેષ યોગદાન પૂરું પાડશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છના જાણીતા ઉદ્યોગ સાહસિક અને હસ્તકળા થકી હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડનાર પાબીબેન રબારી અને જાણીતાં લેખિકા સોનલબેન મોદી સહિત જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉપસ્થિત રહેશે. જીટીયુ દ્વારા ન માત્ર શહેરી વિસ્તારમાં કાર્યરત અને અગ્રસ્થાન ધરાવતી મહિલાઓ પરંતુ સમાજના નબળા અને દુર્ગમ વિસ્તારની આદિવાસી સમાજની બહેનોની પ્રવૃત્તિને પણ આવકારીને તેમનું સન્માન કરતાં જીટીયુ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. મહિલા સ્વરોજગાર , આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા રમગ-ગમત ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. પ્રતિભાબેન આઠવલ્લે કે, જેમણે જમ્મુ - કાશ્મીરમાં આંતવાદથી અને નોર્થઈસ્ટના બોડોલેન્ડ અને માઓવાદીઓથી પ્રભાવિત વિસ્તારોમાં જઈને સ્વાસ્થ્ય સંબંધિત કેમ્પ અને બાળકોના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે.
અરવલ્લી જિલ્લાના શર્મિષ્ઠાબેન મનાતનું પણ જીટીયુ દ્વારા સન્માન કરવામાં આવશે. જેમણે ગરીબીરેખા હેઠળ આવતી આદિવાસી મહિલાઓને સંગઠિત કરીને સ્વરોજગારી મેળવવા માટેની સરકારની વિવિધ યોજનાઓની જાગૃત્તિ લાવવાનું કાર્ય કરેલ છે. આ ઉપરાંત તેમના દ્વારા બચત મંડળી પણ ચલાવીને દરેક આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. જ્યારે મૂળ દક્ષિણ ગુજરાતના સ્વાસ્થ ક્ષેત્રે જાણીતા રેડિયોલોજીસ્ટ અને બી.જે. મેડિકલ કૉલેજના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રો. ડૉ. હેમાંગી પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ જીટીયુ દ્વારા સન્માનવામાં આવશે.
જીટીયુ દ્વારા રમત-ગમત ક્ષેત્રે યુવા પ્રતિભા અને જિમ્નેશિયમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ મેળવનાર નર્મદા જિલ્લાના રાજપીપળાના રીક્ષાચાલક મહેશભાઈ વસાવાની 15 વર્ષીય પુત્રી પ્રિતિ વસાવાને પણ સન્માનવામાં આવશે. જેણે જિમ્નેશિયમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 7 ગોલ્ડ , 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ મેળવેલા છે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે કાર્યક્રમના સફળ સંચાલન માટે જીટીયુ વિદૂષી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટના ચેરપર્સન ડૉ. કોમલ બોરીસાગરને શુભકામના પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.